વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કૉન્ગ્રેસના પ્રહારો

21 January, 2019 08:51 AM IST  | 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર કૉન્ગ્રેસના પ્રહારો

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભવ્ય આયોજનો અને મહેમાનોને સગવડો પાછળ ધુમાડાબંધ ખર્ચ માટે રાજ્ય સરકારની ટીકા કરતાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસે BJP પાસે અસમાનતાની ખાઈ બનાવવા બદલ જવાબ માગ્યો હતો. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ‘છેલ્લાં પંદર વર્ષથી વિવિધ ઉત્સવો પાછળ પાંચ હજાર કરોડ રૂપિયા જેટલી જંગી રકમ સરકારી તિજોરીમાંથી સ્વપ્નસિદ્ધિ માટે વેડફનાર BJP સરકારે રાજ્યમાં ગરીબો અને અમીરો વચ્ચે મોટો તફાવત ઊભો કર્યો છે. સ્વપ્નસિદ્ધિને નામે સરકારી સંસાધનોને રીતસર લૂંટવાની યોજના ચાલતી હોવાનું સાબિત થઈ રહ્યું છે.’

મનીષ દોશીએ રાજ્ય સરકારની નીતિની ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘ગુજરાતના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે કામ કરતા શિક્ષકોનું સહાયક પ્રથાને નામે શોષણ થઈ રહ્યું છે. આંગણવાડી, મધ્યાહ્ન ભોજન, બાલવાડી અને આશા વર્કર ઉપરાંત પાણીપુરવઠા, આરોગ્ય અને સફાઈકર્મચારીઓના દરેકના વેતનની રકમની તુલનામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મહેમાનોની એક ડિશ કે પ્લેટની કિંમત ચૂકવવામાં આવે છે.

પોલીસ-જવાનોને મહિને 30 રૂપિયા વૉશિંગ અલાવન્સ ચૂકવાય છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ખાસ મહેમાનોને એક ડિશના 13,000 રૂપિયા કિંમતનું ભોજન પીરસાય છે. જે રાજ્યમાં સરકારી આંકડા મુજબ 31,46,413 નાગરિકો ગરીબીની રેખા નીચે છે અને ચાર લાખ કરતાં વધારે ખેડૂતો

વીજ-કનેક્શનની રાહ જોઈ રહ્યા છે એ રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવાને નામે થતા તાયફામાં આવતા ખાસ મહેમાનોને એક ડિશની 3000, 7000 અને 13,000 રૂપિયા કિંમતનું ખાણું પીરસવામાં આવે છે. બીજી બાજુ મધ્યાહ્ન ભોજન યોજનામાં બાળકોને રોજ 4.58 રૂપિયા અને 6.00 રૂપિયાનો ખોરાક આપવામાં આવે છે.’

આ પણ વાંચો : બિટકોઈન કેસઃપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર

એક રાષ્ટ્ર-એક ચૂંટણી ભારતમાં શક્ય નથી : શંકરસિંહ વાઘેલા

પુણેમાં નવમી ભારતીય છાત્ર સંસદને સંબોધતાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ભારતમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણી શક્ય નથી. રાજકારણ એટલે રાજ્યશાસ્ત્ર અને શાસ્ત્ર કે વિજ્ઞાન ખોટાં ન હોઈ શકે. યુવાનોએ રાજકીય પ્રક્રિયાઓ વિશે વિચારવાની અને અભ્યાસ કરવાની જરૂર છે. રાજકીય પ્રચાર માટે રાજકારણીઓએ જનતાનાં નાણાં વાપરવાં ન જોઈએ. મુખ્ય પ્રધાનો અને વડા પ્રધાનોએ રાજકીય પ્રચાર માટે તેમના પક્ષનું ભંડોળ વાપરવું જોઈએ. જોકે લોકશાહીમાં એન્ટી ઍન્ટિ-ઇન્કમબન્સી વેવમાં જ્યારે મતદારો સત્તાધારી પક્ષને ઉખાડીને ફેંકવા ઇચ્છે ત્યારે મસલ પાવર, મની પાવર કે બીજું બધું નકામું થઈ જાય છે.’

gujarat congress bharatiya janata party