કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ તારીખે લેશે અમદાવાદની મુલાકાત

20 August, 2019 05:30 PM IST  |  અમદાવાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ તારીખે લેશે અમદાવાદની મુલાકાત

અમિત શાહ (File Photo)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તારીખ 28-29 ઓગસ્ટના રોજ અમિત શાહ અમદાવાદ પહોંચશે. આ બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે, આ ઉપરાંત સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. અમદાવાદ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની પણ મુલાકાત લેશે.

અમિત શાહની મુલાકાતને પગલે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા ગૃહ પ્રધાનના સ્વાગત માટે લોકો ઉત્સાહિત છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવા સેલવાસમાં મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દમણના સંસદ લાલુભાઇ પટેલ અને દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર પણ હાજર રહ્યા હતા. તો પ્રદેશના મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં અમિત શાહના ભવ્ય સ્વાગત અને સન્માન માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની મુલાકાત દરમિયાન અમિત શાહ કેન્દ્ર સરકારના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કરશે. અમિત શાહની મુલાકાત પહેલા આ બંને સંઘ પ્રદેશને જોડવા અંગેની ચર્ચા પણ શરૂ થઈ છે. અમિત શાહની મુલાકાત દરમિયાન કોઈ મોટી જાહેરાત પણ થાય તેવી આશંકા પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

આ ઉપરાંત અમિત શાહ 28 અને 29 ઓગસ્ટ અમદાવાદની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ PDPUના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. જેમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ ચર્ચા થઇ શકે છે

amit shah Gujarat BJP gujarat news