અંબાજી દર્શન કરવા જવાના હો રાખજો ધ્યાન, આવતીકાલે બંધ રહેશે મંદિર

16 September, 2019 11:41 AM IST  |  અંબાજી

અંબાજી દર્શન કરવા જવાના હો રાખજો ધ્યાન, આવતીકાલે બંધ રહેશે મંદિર

મહવે મેળા બાદ મંગળવારે અંબાજી મંદિર બપોર પછી બંધ રહેવાનું છે. એટલે જો તમે મંગળવારે અંબાજી દર્શન કરવા જવાના હો તો ધ્યાન રાખજો. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. 17 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મંગળવારે મંદિરમાં પ્રક્ષાલન વિધિ હાથ ધરવામાં આવશે, જેને કારણે મંદિર દર્શન માટે બપોર પછી બંધ રહેશે.

1 વાગ્યા પછી દર્શન નહીં કરી શકાય

મંદિરના ગર્ભગૃહ સહિત પ્રાંગણમાં પ્રક્ષાલન વિધિ કરાશે. ભાદરવી પૂનમનો મેળો પૂરો થયા બાદ દર વર્ષે આ વિધિ કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન મંદિરમાં રહેલ શ્રી યંત્રને બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે. બપોરે એક વાગ્યા પછી આ વિધિ શરૂ થશે. તેથી પ્રક્ષાલન વિધિ માટે બપોરાના 1 વાગ્યાથી મંદિર બંધ રહેશે. સાંજની આરતી રાત્રે 9.00 કલાકે કરાશે.

સાત નદીઓના જળનો ઉપયોગ

પ્રક્ષાલન વિધિ ખાસ સિદ્ધપુરના માનસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા થાય છે. જેમાં સાત નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહ સહિત સોના ચાંદીના આભૂષણોને ગંગા, સરસ્વતી સહિત સાત નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. અને બાદમાં શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે. આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવે છે. માન્યતા છે કે પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે.

આ પણ વાંચોઃ નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ 

ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું હતું. જેમાં 23 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. તો વિશ્વના 25 દેશોમાં વસતા 7 લાખથી વધુ માઈ ભક્તોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ વર્ષે માતાજીને 8264 જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિરને 4,34,86,186 કરોડ જેટલી આવક થઈ છે.

gujarat news