આવતીકાલે બાળકને મૂકવા જાતે જવું પડશે, સ્કૂલવાન ચાલકોની હડતાળ

19 June, 2019 09:17 PM IST  |  અમદાવાદ

આવતીકાલે બાળકને મૂકવા જાતે જવું પડશે, સ્કૂલવાન ચાલકોની હડતાળ

રાજ્યભરમાં સ્કૂલ વાન ચાલકો પર આરટીઓએ સકંજો કસ્યા બાદ હવે વાન ચાલકોની દાદાગીરી સામે આવી છે. અમદાવાદમાં ગુરુવારે તમામ સ્કૂલવાન ચાલકોએ હડતાળની જાહેરાત કરી છે. પરિણામે ગુરુવારે તમારે તમારા બાળકને સ્કૂલ સુધી પહોંચાડવા જાતે જવું પડી શકે છે.

અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા ચાલુ સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા. જે બાદ રાજ્યના તમામ જીલ્લાઓમાં આરટીઓ દ્વારા સ્કૂલવાન ચાલકો પર સકંજો કસાયો હતો. અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે સ્કૂલવાન ચાલકોએ આરટીઓ પર ખોટી રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગુરુવારે તમામ સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરશે. સ્કૂલવર્ધિ એસોસિએશન તરફથી આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. એસોસિયેશનના પ્રમુખે આપેલી માહિતી પ્રમામે સ્કૂલવાન ચાલકોએ પાસિંગ માટે 10 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ RTO દ્વારા આ સમય મર્યાદા આપવામાં નથી આવી. સાથે જ સીએનજી કીટ વાનમાંથી દૂર કરવા જણાવ્યું છે. ઉપરાંત અલગ અલગ નિયમોનું લિસ્ટ આપી પાલન કરવા દબાણ કરતા હવે ગુરુવારે સ્કૂલવાન ચાલકો હડતાળ કરશે.

હડતાળના પગલે આવતીકાલે બાળકો અને વાલીઓને પરેશાનીનો સામનો કરવો પડશે. એક તરફ વડોદરામાં સ્કૂલવાનના ચાલકોએ આજે હડતાળ સમેટી લીધી છે ત્યારે આવતીકાલે અમદાવાદમાં વાનચાલકો હડતાળ પર જશે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં આજે સ્કૂલવાન ચાલકોએ હડતાળ કરી હતી.

gujarat news