વાંદરાઓને ભગાડવા ઍરપોર્ટના કર્મચારીને રીંછના ડ્રેસમાં તહેનાત કરાયો

06 February, 2020 08:01 PM IST  |  Mumbai Desk

વાંદરાઓને ભગાડવા ઍરપોર્ટના કર્મચારીને રીંછના ડ્રેસમાં તહેનાત કરાયો

અમદાવાદ ઍરપોર્ટની ચારેય કોર હરિયાળી હોવાથી વાંદરાઓનો ત્રાસ હોય છે. છેલ્લા ઘણા સમયથી ઍરપોર્ટ ઑથોરિટી વાંદરાઓને ભગાડવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. વાંદરાઓના હુમલાથી યાત્રીઓની સુરક્ષા માટે ઍરપોર્ટ ઑથોરિટીએ અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. ઍરપોર્ટના કર્મચારીને વિશાળ રીંછના ડ્રેસમાં તહેનાત કરવામાં આવ્યો છે જે વાંદરાઓને ભગાડવા માટેનું કામ કરી રહ્યો છે. જો તમને ઍરપોર્ટ પર ખુલ્લામાં વિશાળ રીંછ દેખાય તો ડરતા નહીં.

એપ્રિલ ૨૦૧૯માં ૧૫ વાંદરાઓનું એક ગ્રુપ ઑપરેશનલ એરિયામાં ઘૂસી આવ્યું હતું જેના કારણે ૧૦થી વધુ ફ્લાઇટે મોડેથી ઉડાન ભરી હતી. તેમ જ બે ફ્લાઇટને અન્ય સ્થળે મોકલાઈ હતી. આ પહેલાં એપ્રિલ ૨૦૧૭માં વાંદરાઓ રનવે પર આવી જતાં બે ફ્લાઇટને ટેક ઑફ માટે ખાસી રાહ જોવી પડી હતી.

ઍરપોર્ટના ડિરેક્ટર મુજબ મોટી સંખ્યામાં વાંદરાઓ ઍરપોર્ટના ઑપરેશનલ એરિયામાં ફરતા હોય છે. ઍર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારી અને અન્ય કર્મચારીઓ તેમને ભગાડવા માટે પ્રયાસ કરતા હોય છે. ત્યારે એવી જાણ થઈ કે વાંદરાઓ રીંછથી ડરે છે. અમારી પાસે પક્ષીઓ અને પ્રાણીઓને ભગાડવા માટેના કર્મચારીઓ છે જેથી અમે એ કર્મચારીઓને રીંછનો ડ્રેસ પહેરાવી દીધો. વાંદરાઓ ફ્લાઇટ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ પ્રયોગથી સારા પરિણામની આશા છે.

gujarat ahmedabad