સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 67 ટકા

19 August, 2019 08:55 AM IST  |  અમદાવાદ

સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 67 ટકા

ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદી માહોલ યથાવત છે. એક પછી એક સિસ્ટમ ગુજરાત પર આવી જેના કારણે ઑગસ્ટ મહિનામાં સારો વરસાદ થયો અને છેલ્લે એક સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો. જુલાઈ મહિનામાં વરસાદ ખેંચાવાના કારણે વરસાદની ઘટ વધી હતી, પરંતુ ઑગસ્ટ મહિનામાં સારી અને મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ થયો અને ગુજરાતનાં મોટા ભાગનાં જળાશયો છલકાઈ ગયાં.

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનના કારણે ભેજનું પ્રમાણ યથાવત રહેવાના કારણે સામાન્ય વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ પંથકમાં ૧૦૨ ટકા વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૭ ટકા વરસાદ થયો છે. જોકે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ ૮૮.૩૮ ટકા વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ અમુક તાલુકામાં હજી પણ વરસાદની ઘટ છે. મહેસાણા જિલ્લાના વડનગરમાં અત્યાર સુધી માત્ર ૩૬ ટકા વરસાદ જ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૯ ટકા અને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ૩૧ ટકા, વિરમગામ તાલુકામાં ૩૪ ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી ૧૦૪ ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સરેરાશ ૭૭.૨૮ ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી ૮૩ ટકા વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ૬૭ ટકા વરસાદ અને કચ્છમાં અત્યાર સુધીનો ૧૦૨ ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : રાજકોટ, જુનાગઢમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્રભરમાં હળવાથી ભારે વરસાદ

બનાસ નદીમાં ૫૦૦ ક્યુસેક પાણી છોડાતાં સાંતલપુરનાં ૧૨ ગામોમાં જવાનો રસ્તો ધોવાયો

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન બનાસ નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બનાસમાં ૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં નદીકાંઠાનાં ૧૨ ગામો પ્રભાવિત થયાં છે. બનાસનાં પાણી ફરી વળતાં અબિયાણા ગામને જોડતા અધૂરા પુલ નીચેથી લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. બનાસ નદીના પાણીના લીધે સાંતલપુર તાલુકાનાં ૧૨ ગામોમાં જવાનો રસ્તો ધોવાયો છે. બનાસના પટમાં આવતા એક ડાઇવર્ઝન પર જોખમ ઊભું થયું છે.

gujarat Gujarat Rains ahmedabad