ગુજરાતમાં 6030 કરોડનું બોગસ ટૅક્સ ક્રેડિટનું સૌથી મોટું કૌભાંડ પકડાયું

30 June, 2019 08:30 AM IST  |  અમદાવાદ

ગુજરાતમાં 6030 કરોડનું બોગસ ટૅક્સ ક્રેડિટનું સૌથી મોટું કૌભાંડ પકડાયું

જીએસટી

ગુજરાત જીએસટી વિભાગે ૮૨ ઠેકાણે દરોડા પાડી દેશનું સૌથી મોટું બોગસ ઈનપુટ ટૅક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજ્યના વિભાગે આપેલી માહિતી અનુસાર આ કૌભાંડ ૨૮૨ જેટલી પેઢીઓએ બોગસ જીએસટી નોંધણી કરાવી ૬,૦૩૦ કરોડ રૂપિયાની બોગસ ટૅક્સ ક્રેડિટ મેળવી લગભગ ર૯૧૦ કરોડની ટૅક્સચોરી કરી છે. આ કૌભાંડના ગુના માટે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ઍક્ટના ગુના હેઠળ ૧૫ જણની ધરપકડ કરીને ૩૫ કરોડ રૂપિયાથી વધારે રકમની રિકવરી કરવામાં આવી છે.

પ્લાસ્ટિક, મેટલ્સ અને તેને સંબંધિત કાચા માલ સાથે સંકળાયેલી આ પેઢીઓએ ૧૨ ટકા અને ૧૮ ટકાના જીએસટીના કરના સ્લેબમાં આવતી ચીજોમાં બોગસ બિલિંગ કરી, માત્ર એકબીજાને બિલ ઇસ્યુ કરી વેચાણ દર્શાવી ટૅક્સચોરી કરી હોવાનું વિભાગે જણાવ્યું હતું. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે કારણ કે હજારો વેપારીઓના નામે આ પેઢીઓએ બિલિંગ કર્યું છે અને ટૅક્સની ચોરી કરી છે.

વેપારીઓના ડેટાનું ઍનાલિસિસ કરીને જ વેપારીઓએ ઈ-વે બિલ જનરેટ કર્યા હોય, પરંતુ ટૅક્સની લાયેબિલિટી દર્શાવતું જીએસટી ૩-બીનું પત્રક ભર્યું ન હોય એવા વેપારીઓ, વેચાણો/આઉટવર્ડ સપ્લાયનું પત્રક જીએસટીઆર-૧ ભર્યું હોય, પરંતુ જીએસટીઆર-૩બીનું પત્રક ભર્યું ન હોય એવા વેપારીઓ, જીએસટી ૩બીમાં ઉદ્ભવતી તમામ જવાબદારી વેરા શાખ સામે એડજસ્ટ કરતા વેપારીઓ અને આવા પત્રકોની સરખામણીમાં કરવેરાની વિગતોની વિસંગતતા જણાતી હોય એવા વેપારીઓને શોધવાની કામગીરી ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ ડિપાર્ટમેન્ટે હાથ ધરી હતી. ગુજરાતમાં અમદાવાદમાં ૮૪, સુરતમાં ૬૧, મોરબીમાં ૫૫, ભાવનગરમાં ૧૭, વાપીમાં ૧૬, ગાંધીધામમાં ૧૩, રાજકોટમાં ૧૦, ગાંધીનગરમાં ૯ , વડોદરામાં ૭ અને અન્ય કેટલાંક શહેરોના ૯ ઠેકાણે જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં દે ધનાધન વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી

જીએસટી તા.૧ જુલાઈ ૨૦૧૭થી અમલમાં આવ્યા પછી રાજ્ય સરકારે આજે પકડેલા કૌભાંડ પૂર્વે કુલ સાત કેસનો પર્દાફાશ કર્યો હતો જેમાં કુલ ૩૪૩૪ કરોડ રૂપિયાના બોગસ બિલમાં ૩૫૪ કરોડની ટૅક્સચોરી અને ૧૫ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ભૂતકાળમાં પકડેલા આવા સાત સ્કેમ સામે આજે પકડાયેલા સ્કેમનો આંકડો બમણો છે અને ટૅક્સચોરી લગભગ ત્રણ ગણી છે, એમ જીએસટી કમિશનરે જણાવ્યું હતું. 

gujarat goods and services tax ahmedabad