અમદાવાદ : પત્રકાર ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા

20 March, 2019 08:45 AM IST  |  અમદાવાદ

અમદાવાદ : પત્રકાર ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા

જર્નલિસ્ટ ચિરાગ પટેલ

ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ચૅનલના જર્નલિસ્ટ ચિરાગ પટેલનો રહસ્યમય સંજોગોમાં સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યા બાદ ચાર દિવસ થવા છતાં પણ કોઈ નક્કર કડી પોલીસને મળી નથી ત્યારે અત્યાર સુધી થયેલી તપાસ અને તથ્યોના આધારે અમદાવાદ પોલીસ માની રહી છે કે ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવી જોઈએ. જોકે પોલીસ હજુ સુધી કોઈ આખરી તારણ પર પહોંચી નથી અને આ કેસ આત્મહત્યા છે કે હત્યા એ નક્કી નથી થઈ શક્યું.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને ટીવી નાઇન ચૅનલમાં કૉપી એડિટર તરીકે કામ કરતા ચિરાગ પટેલનો ચાર દિવસ પહેલાં કઠવાડા ગામ પાસે ખેતરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસેથી પોલીસને આઇ-કાર્ડ અને પાકીટ મળી આવ્યાં હતાં. આ રહસ્યમય કેસને ઉકેલવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ કેસમાં પોલીસ ચિરાગનો મોબાઇલ શોધી રહી છે, જો એ મળી આવે તો આ કેસ ઊકલી શકે એવી આશા પોલીસને દેખાઈ રહી છે.

આ પણ વાંચો : બુલેટ ટ્રેનઃજાપાનથી આવેલા પત્રકારોએ સુરતમાં જાણી ખેડૂતોની સમસ્યા

ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં એડિશનલ પોલીસ-કમિશનર, સેક્ટર–૨ એમ. એસ. ભરાડા અને ડીસીપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે ‘ચિરાગ પટેલના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું છે. વિસેરા તપાસ માટે મોકલ્યા છે. ડેડ બૉડી પર એક્સટર્નલ ઇન્જરી નથી. હ્યુમન રિસોર્સ અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ ત્યારે આ કેસમાં આત્મહત્યા કરી હોય એમ જણાય છે, પણ કંઈ કહી ના શકાય. 70થી ૮૦ ટકા લાગી રહ્યું છે કે સુસાઇડ છે, પરંતુ ચિરાગનો મોબાઇલ મળ્યો નથી એટલે તપાસ ઓપન રાખી છે.’

gujarat ahmedabad suicide