ગુજરાતમાં દારૂબંધી છતાં દર કલાકે 13 શરાબી પકડાય છે

04 July, 2019 09:07 AM IST  |  અમદાવાદ |  રશ્મિન શાહ

ગુજરાતમાં દારૂબંધી છતાં દર કલાકે 13 શરાબી પકડાય છે

દારૂબંધી

ગુજરાતમાં દારૂબંધી છે એ જગજાહેર છે અને એ પછી પણ વિધાનસભામાં થયેલી પ્રશ્નોતરી દરમ્યાન જે જવાબ મળ્યો એ જવાબ સાંભળીને હેબતાવી મૂકે એવો છે. એક પ્રશ્નના વિષે ગુજરાતના ગૃહમંત્રાલયે આપેલા જવાબ મુજબ દર કલાકે ગુજરાત પોલીસ સરેરાશ તેર લોકોને દારૂની મહેફીલ માણતાં પકડે છે. તમે માનશો નહીં પણ ગુજરાતમાં દરરોજ સરેરાશ ૧૮,૯૧૬ વિદેશી દારૂની બોટલ પકડાય છે. આ આંકડા છેલ્લા બે વર્ષ દરમ્યાનના છે. યાદ રહે, લોકસભા ઇલેકશનની તૈયારી આ જ સમયગાળામાં શરૂ થઈ હતી. આ બે વર્ષ દરમ્યાન ગુજરાતમાંથી કુલ ૧.૩૮ કરોડ વિદેશી દારૂની બોટલ પકડાય હતી તો ૧૩.પ લાખ બિયરની બોટલ-કેન પકડાયા હતાં. આ બે વર્ષ દરમ્યાન કુલ ૨.૩૨ લાખ લોકોની દારૂ પીવાના ગુના હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી.

દારૂ પકડાવામાં વલસાડ પહેલાં ક્રમે છે, જેનું કારણ ગુજરાત સરકારનું ગૃહ મંત્રાલય વલસાડથી ૩૪ કિલોમીટર દૂર આવેલું દમણ અને ૨૯૦ કિલોમીટર આવેલી મહારાષ્ટ્ર બોર્ડરને ગણે છે. બીજા નંબરે સુરત અને ત્રીજા નંબરે અમદાવાદ આવે છે. શરમની વાત એ છે કે સુરત દારૂ ઉપરાંત ગાંજો અને ચરસના વ્યસનની બાબતમાં પણ આગળ છે.

આ પણ વાંચો : રથયાત્રાઃ CM રૂપાણીએ ભગવાન જગન્નાથના લીધા આશીર્વાદ, કર્યું રથનું પૂજન

બે વર્ષના આ આંકડાઓ વાંચીને જો તમે હેબતાઈ ગયા હોય તો એક નાનકડી સ્પષ્ટતા, આમાં ઓળખાણ આપીને કે લાંચ આપીને છૂટી ગયેલા લોકોનો સમાવેશ નથી થતો. જો એ આંકડાઓ પણ આમાં આવ્યા હોત તો ધારી શકાય કે દર કલાકે ૧૩ લોકોને બદલે ૨૩ની દારૂ પીવા બાબતે ધરપકડ કરવામાં આવતી હોત.

gujarat ahmedabad Rashmin Shah