સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે અમે ફૂડ કોર્ટ ચલાવી શકીએ છીએ, અમને કેમ નથી આપતા

23 October, 2019 10:26 AM IST  |  અમદાવાદ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે અમે ફૂડ કોર્ટ ચલાવી શકીએ છીએ, અમને કેમ નથી આપતા

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડૅમ પાસે આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની આસપાસનાં ૬ ગામના આદિવાસી ગ્રામજનોએ ગઈ કાલે ગુજરાત સરકાર સામે વિરોધ વ્યક્ત કરી પોતાની જમીન પાછી માગીને સ્ટૅચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ફૂડ કોર્ટ તેમને ચલાવવા આપવાની માગણી કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે લારીગલ્લા હટાવીને અમારી રોજગારી ઝૂંટવી બેકાર બનાવી દીધા છે.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશચંદ્ર મહેતા, ભૂતપૂર્વ પ્રધાન પ્રવીણસિંહ જાડેજા, ડૉ. રોહિત શુક્લ અને અન્ય આગેવાનો તેમ જ ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

કેવડિયા, વાગડિયા, ગોરા, નવાગામ, લીમડી, કોઠી ગામના ગ્રામજનો લખન મુસાફિર, દક્ષા તડવી, શકુંતલા તડવી, ગોવિંદ તડવી, રામકૃષ્ણ તડવી સહિતના નાગરિકોએ ગઈ કાલે અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘૬ ગામની ૧૭૦૦ એકર જમીનમાંથી ૧૧૦૦ એકર જમીન સરકારે લઈ લીધી છે. પ્રવાસનના નામે જમીન હડપવાની નીતિ છે એની સામે વિરોધ છે. ડૅમથી ગરુડેશ્વર વચ્ચેનાં ૬ ગામના પ્રશ્નો હલ કર્યા નથી. ૩૦૦ જેટલાં લારીગલ્લા હટાવીને અમારી રોજગારી ઝૂંટવી લઈ અમને બેકાર બનાવી દીધા છે. અમે ફૂડ કોર્ટ ચલાવી શકીએ છીએ તો અમને કેમ એ ચલાવવા નથી આપતા? થોડાઘણાને નોકરી પર લીધા છે. અમને અમારી જમીન પાછી આપો એવી અમારી માગણી છે.’

આ પણ વાંચો : ગીર આખલાનું સીમન જશે અમેરિકા કરશે જર્સી ગાયને ગર્ભવતી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશચંદ્ર મહેતાએ ભીતિ વ્યક્ત કરી હતી કે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ટ્રેન શરૂ થયા પછી ૭૨ ગામોને અસર થશે. એક આદિવાસીની જમીન સામે સાત લોકોને રોજગારી આપીશું એ વચનનું શુ થયું? ટૂરિસ્ટ ગાઇડ તરીકે કેટલાને રાખ્યા છે? હાઉસકીપિંગ, ચોકીદાર, પટાવાળા તરીકે રાખીશું એવું કહ્યું હતું, પણ કેટલાને રાખ્યા?

gujarat ahmedabad statue of unity