ગુજરાતમાં કુલ 4,24,990 બેરોજગારો નોંધાયાઃ

18 July, 2019 08:33 AM IST  |  અમદાવાદ

ગુજરાતમાં કુલ 4,24,990 બેરોજગારો નોંધાયાઃ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા સામે સરકારી રોજગાર મેળવનારાઓની સંખ્યા ઓછી હોવાનું ખુદ ગુજરાત સરકારે ગઇકાલે ગુજરાત વિધાનસભામાં જાહેર કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે.ગુજરાતમાં ૪,૨૪,૯૯૦ જેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે જેની સામે બે વર્ષમાં માત્ર ૫,૪૯૭ બેરોજગારોને સરકારી નોકરી અપાઇ છે.

ગુજરાતમાં કોંગ્રેસના વિધાનસભ્યોએ પ્રશ્નોત્તરીમાં રોજગાર કચેરીઓમાં કેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને બે વર્ષમાં કેટલા બેરોજગારોને રોજગારી પુરી પાડવામાં આવી તે મુદ્દે પ્રશ્નો પુછયાં હતા તેના જવાબમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતના ૩૩ જીલ્લાઓમાં ૪,૦૨,૩૯૧ શિક્ષિત અને ૨૨,૫૯૯ અર્ધશિક્ષિત બેરોજગારો છે.બે વર્ષમાં ૫,૪૯૭ વ્યક્તિઓને સરકારી નોકરી અપાઇ છે.

બે વર્ષમાં ગુજરાતના વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જીલ્લામાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી.જ્યારે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરકારી નોકરી અપાઇ છે જેમાં બનાસકાંઠા જીલ્લામાં ૯૮૯ બેરોજગારોને, પાટણ જીલ્લામાં ૭૯૪ અને મહેસાણા જીલ્લામાં ૭૫૬ બેરોજગારોને સરકારી નોકરી અપાઇ છે.

આ પણ વાંચો : બીજેપી અને કૉંગ્રેસના 70 ધારાસભ્યોને આઇટી વિભાગે ફટકારી નોટિસ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ જીલ્લામાં ૪૨,૩૨૩ શિક્ષિત અને ૪,૪૧૨ અર્ધશિક્ષિત મળી કુલ ૪૬,૭૩૫ બેરોજગારો નોંધાયા છે તેની સામે બે વર્ષમાં માત્ર ૪૧૩ વ્યક્તિઓને સરકારી નોકરી અપાઇ છે.વડોદરા જીલ્લામાં ૨૬,૭૭૫ શિક્ષિત અને ૮૯૧ અર્ધશિક્ષિત મળી કુલ ૨૭,૬૬૬ બેરોજગારો નોંધાયા છે તેમાંથી એક પણ વ્યક્તિને બે વર્ષમાં સરકારી નોકરી મળી નથી.આ ઉપરાંત સુરત જીલ્લામાં ૨૩,૧૪૧ શિક્ષિત અને ૮૭૯ અર્ધશિક્ષિત મળી કુલ ૨૪,૦૨૦ બેરોજગારો નોંધાયા છે તેમાંથી એક પણ વ્યક્તિને બે વર્ષમાં સરકારી નોકરી મળી નથી.

gujarat ahmedabad