ડાંગના બંધ રસ્તાઓ પરની ભેખડો હટાવવા તંત્ર દોડ્યું

24 August, 2019 08:17 AM IST  |  ડાંગ | રોનક જાની

ડાંગના બંધ રસ્તાઓ પરની ભેખડો હટાવવા તંત્ર દોડ્યું

રસ્તા કરાઈ હ્યા છે ક્લિયર

ડાંગ જિલ્લાના ભાલખેત થઈ મહાલ જતા માર્ગ પર ભેખડો, વૃક્ષો માર્ગ વચ્ચે ધસી પડતાં મહાલ કૅમ્પ સાઇટ જતા પ્રવાસીઓ તેમ જ અવરજવર કરતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તો ખુલ્લો ન થતાં વિદ્યાર્થીઓ તેમ જ ગામના લોકોને જંગલમાંથી પગપાળા સફર કરવાની નોબત ઊભી થઈ હતી. પ્રજાની મુશ્કેલીને સમજી ‘મિડ-ડે’ દ્વારા સમાચાર પ્રસારિત કરાતાં તંત્રએ કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરી આપ્યો છે, જેથી વાહનવ્યવહાર પુનઃ ચાલુ થતાં આજુબાજુના વિસ્તારના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.   

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી, જેમાં અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ ધોવાણ અને ભેખડ ધસી પડવાના કારણે અમુક ગામડાંઓ સંપર્કવિહોણાં બન્યાં હતાં. ખાસ કરીને ભાલખેતથી મહાલ માર્ગ પર ૬ કિલોમીટર સુધીના રસ્તે ભેખડ ધસી પડતાં રસ્તો બ્લૉક થતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. અહીં જોખમી વૃક્ષો દૂર કરવાની સાથે રસ્તો ખુલ્લો કરવાની માગ તંત્રના બહેરા કાને સંભળાતી નહોતી.  જોકે માર્ગ ૧૦ દિવસ સુધી બંધ રહેવાનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયો હતો, જેના બીજા જ દિવસથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને બે જેસીબી સાથે મજૂરોને કામે લગાડ્યા હતા. ભાલખેતથી મહાલ કૅમ્પ સાઇટ જવા માટેનો આ શૉર્ટકટ માર્ગ હોવાથી રાજ્યભરમાંથી આવતા  પ્રવાસીઓ તેમ જ આજુબાજુના વિસ્તારના લોકો આ માર્ગનો જ ઉપયોગ કરે છે ત્યારે વાહનવ્યવહાર ચાલુ થઈ જતાં લોકોએ ‘મિડ-ડે’નો આભાર માન્યો હતો.

gujarat news