યુવાન-યુવતીઓના કૌશલ્ય વિકાસ માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ

10 February, 2019 09:48 PM IST  |  અમદાવાદ

યુવાન-યુવતીઓના કૌશલ્ય વિકાસ માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ

અમદાવાદમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની થઈ શરૂઆત

સમાજના વંચિત વર્ગના યુવાન અને યુવતીઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપીને રોજગાર પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધી માર્ગદર્શન આપવાના હેતુસર અચિવિયા ઇન્ટરનેશનલ દ્વારા એજ્યુકેશન ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટનો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

અમૃતા કુશવાહાએ ઇન્સ્ટિટ્યૂટના ઉદ્દેશ વિશે જણાવ્યું.

અચિવિયા ઇન્ટરનેશનલ રિક્રૂટર્સ પ્રા.લિ. અને શારદા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરાયેલી આ એજ્યુકેશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ધાટન આજે શહેરના મેયર બીજલ પટેલે કર્યું હતું. આ પ્રસંગે અચિવિયા ઇન્ટરનેશનલના અમૃતા કુશવાહાએ જણાવ્યું કે, ખાસ કરીને મહિલાઓ અને બેરોજગાર યુવાનોને કોમ્પ્યુટર, સેલ્સમેનશિપ, ડિસ્ટ્રીબ્યુટરશીપ, બિઝનેસ કોમ્યુનિકેશન, નર્સિંગ, બ્યુટી પાર્લર, સીવણકામ સહિતના ક્ષેત્રોમાં રોજગાર મેળવવા માટે મદદરૂપ થવાના ઉદ્દેશથી આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવી છે. અહીંયા 2-3 મહિનાના વિવિધ કોર્સ ચલાવવામાં આવશે અને કોર્સ પૂરા થયા પછી યુવાનો અને યુવતીઓને નોકરી મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ ઇન્સ્ટિટ્યૂટમાં 12 સાયન્સ પછી એમબીબીએસ, નર્સિંગ, બીડીએસ, બીએચએમએસ વગેરે કોર્સમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને પણ માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત એન્જિનિંયરિંગ અને અન્ય ક્ષેત્રોમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ સંબંધે માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ઇન્સ્ટિટ્યૂટના 80 ટકા કોર્સ વિનામૂલ્યે ચલાવવામાં આવશે અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે. સંસ્થાએ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાણ કર્યું છે, જેના કારણે નોકરી મેળવવામાં પણ સરળતા રહેશે.

gujarat ahmedabad