Gujarat Cold Wave: કડકકડતી ઠંડીમાં રસ્તાઓ ખાલી, ફ્લાઇટ્સ થઇ ડિલે

29 January, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gujarat Cold Wave: કડકકડતી ઠંડીમાં રસ્તાઓ ખાલી, ફ્લાઇટ્સ થઇ ડિલે

નલિયાનું તાપમાન 4 ડિગ્રી નીચે

મુંબઇમાં તો ઠંડીનો ચમકારો છે જ પણ ગુજરાતરમાં અત્યારે શીત લહેર આકરી બની રહી છે. નલિયા 4 ડીગ્રી નીચું તાપમાન છે અને કડકડતી ઠંડી છે અને આ સાથે જ રાજ્યના સાત શહેરનું તાપમાન 10 ડીગ્રીથી ઓછું નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય રીતે અત્યારે જે તાપમાન હોવું જોઇએ એના કરતાં 3 ડીગ્રી ઓછી ઠંડી છે. શહેરમાં હજુ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન 12 ડીગ્રીની આસપાસ રહેવાની વકી છે. ગુરુવારે  અમદાવાદનું લઘુતમ તાપમાન 9.9 ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડીગ્રી ઓછું હતું. અમદાવાદમાં આખો દિવસ ઠંડો પવન ફૂંકાયો હતો. 4.4 ડીગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આ‌વી છે.

ઉત્તર ગુજરાતમાં પણ ભારે ઠંડી

રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે 9 શહેરોમાં 5 ડીગ્રીથી ઓછું તાપમાન હતું. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઇનસ 3 ડીગ્રી કડકડતી ઠંડીને કારણે બપોરના સમયે તડકો પડતાં હોવા છતાં લોકોને રાહત મળી નથી. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 20થી 25 ડીગ્રી વચ્ચે હતો. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો 9 ડીગ્રીએ પહોંચ્યો છે અને આકરી ઠંડીને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આબુમાં સવારે 11 વાગ્યા કડકડાટ ઠંડી પડે છે અને લોકો ત્યાં બહાર નીકળવાનું પણ ટાળે છે. અમુક વિસ્તારોમાં તો બરફ પણ જામ્યો છે. 

કચ્છ અને સૌરાષ્ટ્રમાં શીતલહેર સૌથી વધુ અસર


આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. ઠંડીને કારણે કચ્છમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે માહોલમાં ખાલીપો જોવા મળે છે અને રસ્તાઓ પર પણ કોઇ ફરકતું નથી. ઠંડીને કારણે જિલ્લાના મુખ્ય શહેર ભુજનાં બજારો પણ વહેલા બંધ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે.

ઠંડીની અસર ફ્લાઇટ્સના આવાગમન પર પણ

ભારે ઠંડીને પગલે ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદ આવતી-જતી 18 ફ્લાઈટ 45 મિનિટથી માંડી 2.30 કલાક સુધી લેટ પડી હતી. ગો-એરની 9, સ્પાઈસ જેટની 6 ફ્લાઈટ મોડી પડી હતી. ગો-એરની નવ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને આ વિલંબની અવધી બે-અઢી કલાકથી માંડીને કલાક જેટલી હતી. અમદાવાદ-વારણસી 2.14 કલાક, અમદાવાદ-બેંગલુરુ 1.17 કલાક,અમદાવાદ-ગોવા 55 મિનિટ, અમદાવાદ-બેંગલુરુ 1.5 કલાક, અમદાવાદ-ચેન્નઇ 50 મિનિટ, બેંગલુરુ-અમદાવાદ 59 મિનિટ, ચંદીગઢ-અમદાવાદ 1.16 કલાક, બેંગલુરુ-અમદાવાદ 1.5 કલાક, ગોવા-અમદાવાદ 55 મિનિટ મોડી પડી હતી. ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં પણ કલાકથી 45 મિનીટ જેટલો વિલંબ થયો હતો. ઇન્ડિગોની અમદાવાદ-ચંદીગઢ 52 મિનિટ, ચંદીગઢ-અમદાવાદ 1 કલાક, દેહરાદૂન-અમદાવાદ 45 મિિનટ મોડી પડી અને સ્પાઇસ જેટની ફ્લાઇટ્સમાં પણ કલાકથી પોણા કલાક જેટલો વિલંબ થયો હતો. સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ અમદાવાદ-દરભંગા 45 મિનિટ, અમદાવાદ-કાનપુર 1.10 કલાક, અમદાવાદ-પુણે 45 મિનિટ, દરભંગા-અમદાવાદ 1.11 કલાક, કાનપુર-અમદાવાદ 1.10 કલાક, પટના-અમદાવાદ 45 મિનિટ જેટલી મોડી પડી હતી.