માંડવીના જતનગરમાંથી ૫૧ લોકોને રેસ્ક્યુ કરાયા

13 July, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અબડાસા તાલુકાના વાડાપધ્ધર વાડી વિસ્તારમાં નદીના વહેણમાં ફસાયેલા ૬ જણને મરીન કમાન્ડોએ રેસ્ક્યુ કર્યા, કચ્છના ધીણોધર ડુંગર પર ભારે વરસાદમાં ફસાયેલા ભુજના ચાર યુવાનોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

કચ્છના માંડવીના જતનગરમાં પાણી ભરાઈ જતાં એનડીઆરએફે ૫૧ રહેવાસીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

અમદાવાદ ઃ કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદના પગલે વિજયસાગર ડૅમ ઓવરફ્લો થતાં માંડવી શહેરના જતનગરમાં પાણી ભરાઈ જતાં વહીવટી તંત્રએ એનડીઆરએફની મદદથી ૫૧ રહેવાસીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
માંડવીના નોડલ ઑફિસર કિરણસિંહ વાઘેલાએ કહ્યું હતું કે વિજયસાગર ડૅમ ઓવરફ્લો થતાં એનાં પાણી રુક્માવતી નદીમાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. શહેરના જતનગરમાં પાણી ભરાઈ જતાં ફસાયેલા ૫૧ લોકોને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા અને પ્રાથમિક શાળામાં આશ્રય આપ્યો છે. તેમના ભોજન સહિતની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અબડાસા તાલુકાના વાડાપધ્ધર વાડી વિસ્તારમાં નદીના વહેણમાં ફસાયેલા ૬ જણને મરીન કમાન્ડોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

મુંદ્રા તાલુકામાં વાગુરા ગામે નદીના વહેણમાં ચાર ગાયો ફસાઈ ગઈ હતી એને ચંદ્રોડા ગામના તરવૈયા યુવાનોની મદદથી બહાર કાઢીને બચાવી લીધી હતી.
કચ્છના અબડાસા તાલુકાના વાડાપધ્ધર વાડી વિસ્તારમાં નદીના વહેણમાં ફસાયેલા ૬ જણને મરીન કમાન્ડોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ કચ્છના ધીણોધર ડુંગર પર ભારે વરસાદમાં ભુજના ચાર યુવાનો ફસાયા હતા. તેમણે કન્ટ્રોલ-રૂમમાં ફોન કરીને મદદ માગતાં નખત્રાણા રેવન્યુ ટીમ, પોલીસ ટીમ અને 
સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડુંગરની બન્ને તરફ પાણીના પ્રવાહનું જોર વધારે હોવાથી દોરડા બાંધીને ચાર યુવાનોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

gujarat news gujarat kutch Gujarat Rains