23 May, 2025 12:02 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મેટ્રોના ટ્રૅક પાસે લાલ વાયર કાપીને ચોરી ગયા હતા. કપાયેલો વાયર દેખાય છે.
અમદાવાદમાં બુધવારે મોડી રાતે અજાણ્યા શખ્સો મેટ્રો રેલ ટ્રૅક પાસેથી ૪૦૦ મીટર લાંબા વાયર કાપીને ચોરી જતાં ગઈ કાલે મેટ્રો રેલ સર્વિસ ખોરવાઈ ગઈ હતી. જોકે સત્તાવાળાઓએ બપોર સુધીમાં કેબલ નાખીને વીજપુરવઠો પુનઃ શરૂ કરીને મેટ્રો રેલ ફરી શરૂ કરી હતી.
મેટ્રો રેલના ટ્રૅક પાસે વાયર લગાવ્યા હતા એ કાપીને ચોરી ગયા હતા.
ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશનનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કૉરિડોરમાં શાહપુરથી જૂની હાઈ કોર્ટ સેક્શન વચ્ચે રિવરફ્રન્ટ નજીક બુધવારે રાતે કેબલચોરીના બનાવને કારણે એપેરલ પાર્કથી જૂના હાઈ કોર્ટ વચ્ચે સવારે ટ્રેન સર્વિસ પ્રભાવિત થઈ હતી. મેટ્રો રેલ ટ્રૅકને સમાંતર કેબલ ટ્રૅક હોય છે એમાંથી કોઈક કેબલ કાપીને ૪૦૦ મીટર જેટલા વાયર ચોરી ગયું હતું. આ વાયર ટૉપ ક્વૉલિટીના કૉપરના વાયર હતા અને ૪૦૦ મીટરના વાયરની કિંમત આશરે ૧૦થી ૧૨ લાખ રૂપિયા જેટલી થાય છે. આ ઘટનાની જાણ થતાં યુદ્ધના ધોરણે કામ કરીને બપોરે દોઢ વાગ્યામાં કેબલ બદલીને અસરગ્રસ્ત ભાગને પુનર્સ્થાપિત કરીને ફરી મેટ્રો ટ્રેન સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવની પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે.’