24 January, 2026 09:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શિક્ષાપત્રી લખતા સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિની સોનાનાં ૨૧૨ ફૂલોથી સુવર્ણતુલા કરવામાં આવી હતી જેમાં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામી મહારાજ સહિત સંતોએ જયજયકાર કર્યો હતો.
સ્વામીનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીને ગઈ કાલે ૨૦૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે અમદાવાદમાં શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શિક્ષાપત્રી લખતા સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિની સોનાનાં ૨૧૨ ફૂલોથી સુવર્ણતુલા કરવામાં આવી હતી. શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોક હોવાથી સોનાનાં ૨૧૨ ફૂલ મૂકીને પ્રભુને શ્રદ્ધાપૂર્વક વધાવ્યા હતા. ગુજરાતમાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં હરખભેર શિક્ષાપત્રીનાં ૨૦૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં વસંતપંચમીએ સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામી મહારાજની અધ્યક્ષતા હેઠળ ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહંત ભગવદપ્રિયદાસ સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૮, ૨૦ અને ૨૨ કૅરૅટનાં સોનાનાં ફૂલોથી સ્વામીનારાયણ ભગવાનની સુવર્ણતુલા કરી હતી. સ્વામીનારાયણ ભગવાનની ફાઇબરની મૂર્તિ હતી એને તુલાના એક પલડામાં મૂકવામાં આવી હતી અને બીજા પલડામાં સોનું મુકાયું હતું. સોનાનું કુલ વજન અંદાજે ૬ કિલો થયું હતું. આ સોનું ૧૦૦થી વધુ હરિભક્તોએ સેવામાં અર્પણ કર્યું હતું. આ સોનાનો લોકકલ્યાણનાં કાર્યોમાં ઉપયોગ કરવામાં આવશે. એજ્યુકેશન, હેલ્થ, ગાયો સહિત પક્ષુ-પક્ષીઓ સહિત પરોપકારનાં કાર્યોમાં એનો ઉપયોગ થશે.’