ઉકાઈ ડૅમમાંથી ૧,૯૯,૫૧૬ ક્યુસૅક પાણી છોડાયું

21 July, 2022 08:13 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે પાણી છોડાતાં સુરતના રિવરફ્રન્ટમાં પાણી ફરી વળ્યાં, તાપી નદીના પટમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયાં

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડૅમમાંથી છોડવામાં આવેલું પાણી

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ગુજરાતના ઉકાઈ ડૅમમાં પાણીની ભરપૂર આવક થતાં ગઈ કાલે પણ ડૅમમાંથી પાણી છોડાતાં સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે અને રિવરફ્રન્ટમાં પાણી ફરી વળ્યાં હતાં. એટલું જ નહીં, નદીના પટમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયાં હતાં.  

ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે ઉકાઈ ડૅમનું લેવલ ૩૩૩.૩૮ ફુટે પહોંચ્યું હતું. ઉકાઈ ડૅમમાં આ સમયે પાણીનો ઇનફલો ૨,૧૩,૯૩૬ ક્યુસૅક હતો અને ઉકાઈ ડૅમમાંથી આઉટફ્લો ૧,૯૯,૫૧૬ ક્યુસેક હતો. એટલે કે ઉકાઈ ડૅમમાંથી પાણી છોડવાનું સતત ચાલુ હતું. ઉકાઈ ડૅમના ઉપરવાસમાં હથનુર ડૅમથી ઉકાઈ ડૅમ વચ્ચેના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતાં પાણીની આવક વધતી ગઈ હતી. પાણીની આવક તાપી નદીમાં સતત વધતાં ઉકાઈ ડૅમમાંથી છોડાયેલાં પાણીનો પ્રવાહ તાપી નદીમાં તેજ બન્યો હતો. સુરતમાં રાંદેર, હનુમાન ટેકરી, સિંગણપોર સહિતના નદી સાઇડના વિસ્તારોમાં નદીનાં પાણીને લઈને સુરત તંત્ર દ્વારા સાવધાની રખાઈ હતી.

સુરતના નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલાં તાપી નદીનાં પાણી

ફરી ભારે વરસાદની આગાહી 
આવતી કાલે અને પરમ દિવસે એટલે કે ૨૨ અને ૨૩ જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે ૨૩ અને ૨૪ જુલાઈ દરમ્યાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા ૨૪ અને ૨૫ જુલાઈએ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાને કારણે રેડ અલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેમ જ ઉદ્ભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ છે.

"ભારે વરસાદને કારણે ઉકાઈ ડૅમમાં પાણીની આવક વધતાં બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, છતાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી." : રાજેન્દ્ર ​ત્રિવેદી, આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન 

gujarat gujarat news surat shailesh nayak