17 March, 2024 09:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશથી સ્થળાંતર કરીને અમદાવાદમાં રહેતી ૧૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યાં હતાં.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશથી સ્થળાંતર કરીને અમદાવાદમાં રહેતી ૧૮ વ્યક્તિઓને ગઈ કાલે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપીને તેમને ભારતીય નાગરિક બનાવ્યા હતા. ભારતીય નાગરિક બનતાંની સાથે જ આ તમામ વ્યક્તિઓના ચહેરા પર સંતોષ સાથે રાહતની લાગણી વર્તાઈ હતી.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘મુસ્કુરાઈએ, ક્યોંકિ અબ આપ સબ ભારત કે નાગરિક હૈં. ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર ૧૮ વ્યક્તિઓનાં ઘરોમાં દિવાળી જેવો માહોલ છે, કેમ કે તેઓ ભારતના નાગરિક બન્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિન્દુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે પ્રયાસ કર્યા છે, એને પરિણામે જ આજે તમે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શક્યા છો. આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો.’
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં પાકિસ્તાનના ૧૧૬૭ હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.