શેરડી જ આજીવિકા, શેરડી જ અનંતયાત્રા

20 January, 2021 01:51 PM IST  |  Surat | Rashmin Shah

શેરડી જ આજીવિકા, શેરડી જ અનંતયાત્રા

સુરત નજીક આવેલા કિમ-માંડવી હાઇવે પર ફુટપાથ પર સૂતેલા લોકો પર ડમ્પર ચડી જતાં સર્જાયેલાં દૃશ્યો

સુરત નજીક આવેલા કિમ-માંડવી હાઇવે પર ફુટપાથ પર સૂતેલા ૨૦માંથી ૧૫ જણનો ભોગ લેનારા ડમ્પરમાં શેરડી ભરી હતી, એ જ શેરડી જે શેરડીના ખેતરમાં રાજસ્થાનના શ્રમજીવીઓ કામ કરતા હતા અને પોતાની રોજીરોટી કમાતા હતા. સોમવારે મોડી રાતે પહેલાં ટ્રૅક્ટરને અડફેટમાં લીધા પછી ડમ્પર પરનું બૅલૅન્સ જતાં ડમ્પર રસ્તા પરની ફુટપાથ પર ચડી જતાં ત્યાં સૂતેલા ચાર ફૅમિલીના ૨૦માંથી ૧૨ જણનાં સ્થળ પર જ જીવ ગયા હતા, જ્યારે અન્ય ત્રણના જીવ સુરતની સ્મિમેર હૉસ્પિટલમાં ગયા હતા. કુલ અઢારને ઈજા થઈ હતી. કમનસીબે હૉસ્પિટલમાં રહેલા અન્ય ત્રણ ગંભીર છે. તેમની સારવાર ચાલી રહી છે.

મૃત્યુ પામનારાઓને રાજ્ય સરકાર દ્વારા બબ્બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે તો ઈજાગ્રસ્તને નિઃશુલ્ક સારવાર અને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

બોલાવવી પડી ફાયરબ્રિગેડ

૨૦ વ્યક્તિ કચડાઈ જવાને કારણે ઘટનાસ્થળે લોહીનાં રીતસર ખાબોચિયાં ભરાયાં હતાં, તો માનવઅંગો પણ વેરણછેરણ પડ્યાં હતાં. જુગુપ્સાપ્રેરક એવું આ દૃશ્ય જોઈને ત્યાંથી પસાર થનારા લોકોને પણ અરેરાટી છૂટી ગઈ હતી. પરિણામે સુરત હાઇવે પોલીસે મ્યુનિસિપલ કૉર્પોરેશનની મદદ લેવી પડી હતી અને ફાયરબ્રિગેડ બોલાવીને આ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને લોહીનાં ખાબોચિયાં દૂર કરવાં પડ્યાં હતાં. મરનારાઓના પરિવારજનોને શોધવાની પ્રક્રિયા પણ આઠેક કલાક ચાલી હતી. શ્રમજીવીઓના એ પરિવારજનો સુધી પહોંચવા માટે પોલીસે રાજસ્થાન પોલીસની પણ મદદ લેવી પડી હતી.

મરનાર શ્રમજીવીઓ રાજસ્થાનમાં આવેલા બાંસવાડાના હતા. બાંસવાડાથી છેલ્લાં ચારેક વર્ષથી એ લોકો ખેતમજૂરીના હેતુથી સુરત સ્થાયી થયા હતા. શેરડીના ખેતરમાં કામ કરતા આ મજૂરોમાંથી કેટલાક હાઇવેના બાંધકામ સાથે જોડાયેલા કૉન્ટ્રૅક્ટરને ત્યાં મજૂરીકામ કરતા હતા. મરનારાઓમાં ૩૫ વર્ષથી લઈને ૭ વર્ષના બાળકનો સમાવેશ છે.

નશો કર્યો હતો ડ્રાઇવરે

૧૫ જણનો જીવ લેનાર ડમ્પરના ડ્રાઇવર-કન્ડક્ટરે નશો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ નશામાં બે પ્રકારનાં કેફી દ્રવ્યોનો સમાવેશ હોવાની શંકા પોલીસને છે. દેશી દારૂ અને ગાંજો એમ બબ્બે ચીજનો નશો કરનાર ડ્રાઇવર અને કન્ડક્ટર હાઇવેની ઠંડીમાં પણ ગંજી પહેરીને ડમ્પરમાં બેઠા હતા. બન્નેની અરેસ્ટ થઈ ત્યારે બેમાંથી કોઈ વાત કરવાની હાલતમાં નહોતા. શ્રમજીવીઓને કચડ્યા પછી બેકાબૂ બનેલું ડમ્પર ત્યાં આગળના બિલ્ડિંગમાં આવેલી દુકાનોમાં ઘૂસી ગયું હતું, જેને લીધે ચાર દુકાનનાં શટર તૂટ્યાં હતાં તો બે દુકાનની દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી.

gujarat surat