Navratri 2021: પ્રથમ નોરતાનો ઉત્સાહ જોવા મળ્યો, માસ્ક પહેરી ખેલૈયાઓએ બોલાવી રમઝટ

08 October, 2021 09:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ નોરતે ગરબાના તાલ પર ખેલૈયાના ઉત્સાહે રમઝટ બોલાવી હતી, કોઈ માસ્ક સાથે તો કોઈ જીન્સ ટિ-શર્ટ પહેરી ગરબા રમતા જોવા મળ્યાં

કેટલાક લોકોએ માસ્ક પહેરી રમ્યાં ગરબા

કોરોનાની મહામારી હળવી થતા સરકારે શેરી-ગરબાને મંજૂરી આપી છે.  નવરાત્રીનો પ્રાંરભ થતાં જ શહેરોમાં ઠેર-ઠેર ગરબાનાં આયોજનો ધમધમતા થયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા મોટા શહેરોમાં વાજતે ગાજતે સોસાયટીમાં પ્રથમ નોરતે ગરબાની શરૂઆત થઈ હતી. પરંતુ વરસાદે રંગમાં ભંગ પાડવાનું કામ કર્યુ. પ્રથમ નોરતે જ સૌરાષ્ટ્રમાં વરસાદ આવતાં ખેલૈયાઓમાં થોડી નિરાશા જોવા મળી હતી. જો કે કોરનાના દોઢ વર્ષ બાદ ગરબા રમવા મળતાં આનંદ પણ એટલો જ હતો. 

કોરોના કાળમાં થયેલી નવરાત્રી દરમિયાન અમદાવાદમાં કેટલીક જગ્યાએ લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા. ક્યાંક મા આદ્યાશક્તિની આરતીમાં લોકોએ માસ્ક પહેર્યા હતાં તો ક્યાંક લોકોએ માસ્ક પહેરી જ ગરબા રમવાનું પસંદ કર્યુ હતું. પ્રથમ નોરતે ગરબા રમવાની હોંશ હોંશ સાથે કુમારીકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

વિવિધ ક્ષેત્રની મહિલાઓ આખો દિવસ પોતાનું કામ કરી થાકી પાકી હોવા છતાં પણ રાત્રે ગરબા રમવા પહોંચી હતી. મિડ-ડે ડૉટ કોમે કેટલીક આવી મહિલા ખેલૈયાઓ સાથે વાત કરી હતી. જેમાંના એક ડૉક્ટર કિંજલે જણાવ્યું હતું કે, `ડૉક્ટર હોવાથી આખો દિવસ દર્દીની સારવાર કરી નવરાત્રી દરમિયાન ગરબા રમવાં માટે સમય કાઢવો થોડુ અઘરુ છે, પરંતુ ગરબાનો ખુબ જ શોક હોવાથી હું સમય કાઢી લવ છું. ગરબા રમીના આખા દિવસનો થાક ઉતરી જાય છે. પેલા ગરબામાં ટ્રેડિશન ફજીયાત હતુ અને હવે માસ્ક. ગરબા વગર જાણો રંગ વગરની દુનિયા લાગતી હતી અને કોરોનાના નિયમો સાથે પણ અમે ગરબાને માણીશું` 

નોરતાનો પ્રથમ દિવસ હોવાથી લોકોમાં ગરબા રમવાનો ખુબ જ હરખ હતો, પરંતુ જુજ માત્રામાં જ લોકો ગરબા રમતાં જોવા મળ્યા હતાં. અન્ય એક ખેલૈયા ઈન્ટીરિયર ડિઝાઈનર ચાંદની પરમારે કહ્યું હતું કે, `ગરબાના ઉત્સાહ અંગે પુછવાનો સવાલ જ નથી, સ્વાભાવિક છે ગરબા નામ સાંભળતા પગ થનગનવા લાગે છે. સરકારે ગરબાને મંજૂરી આપી તેનો લ્હાવો લઈ માસ્ક પહેરી નવે નવ રાત્ર માતાજીના ગરબા રમીશું અને રમઝટ બોલાવીશું.`

 

gujarat news navratri ahmedabad