અંબા હવે ઇટલીની

16 January, 2022 10:06 AM IST  |  Rajkot | Rashmin Shah

બે વર્ષ પહેલાં ઘાયલ અને રઝળતી હાલતમાં મળી આવેલી અંબા નામની દીકરીને ઇટલીના કપલે દતક લીધા પછી વિજય રૂપાણીની આંખો ભીની થઈ ગઈ

અંબા

એક સમયે બાળકી જીવશે કે નહીં એની પણ કોઈને ખબર નહોતી એ અંબાને ગઈ કાલે ઇટલીના એક કપલે દત્તક લેતાં અંબા આ વીકમાં ઇટલી જવા રવાના થશે અને હવે ત્યાં મોટી થશે. માત્ર બે વર્ષની ઉંમર ધરાવતી અંબા ત્રણ દિવસની હતી ત્યારે રાજકોટ પાસે આવેલા ઠેબચડા ગામની સીમમાં ત્રણ કૂતરાઓની વચ્ચેથી તેને છોડાવવામાં આવી હતી. અંબાને ત્યજતાં પહેલાં છરીના ૨૦ ઘા મારવામાં આવ્યા હતા, જેમાંનાં ફેફસાં, લિવર અને કિડની પર થયેલા ત્રણ ઘા તો જીવલેણ પુરવાર થાય એમ હતા. તાજા જ થયેલા ઘાને લીધે લોહીલુહાણ અવસ્થામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી બાળકીના શરીરના લોહીની વાસથી જંગલી કૂતરાઓ તેની પાસે પહોંચ્યા હતા અને ત્રણ કૂતરાઓએ એ બાળકીની ખેંચતાણ શરૂ કરી દીધી હતી, પણ ઠેબચડા ગામના એક ખેડૂતનું તેના પર ધ્યાન જતાં તેણે કૂતરાઓને ભગાડ્યા અને બાળકીને હૉસ્પિટલ પહોંચાડી હતી.

હૉસ્પિટલમાં પહોંચીને લગભગ ૭ મહિના સુધી સારવાર લેનારી એ બાળકીનું નામ અંબા પણ રાજકોટના જે-તે સમયના કલેક્ટર રમૈયા મોહને પાડ્યું હતું. અંબાની તબિયત સુધરતાં તેને કાઠિયાવાડ નિરા​શ્રિત બાલાશ્રમમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં અંબાને અડૉપ્ટ કરવાની ઇચ્છા ઇટલીના એક કપલે દર્શાવતાં ગઈ કાલે તમામ લીગલ પ્રોસેસ પૂરી કરી અંબા તેમને સોંપવામાં આવી હતી.

આ આખી વિધિ દરમ્યાન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હાજર હતા. અંબા જ્યારે ઇટલીના કપલને સોંપવામાં આવી ત્યારે ત્યાં હાજર લોકો સહિત વિજયભાઈની આંખોમાં પણ પાણી આવી ગયાં હતાં. વિજયભાઈએ કહ્યું કે ‘આનું નામ (મા) અંબાની કૃપા. જન્મ આપનારાં માબાપ ઇચ્છતાં નહોતાં કે તે જીવે, પણ તેની સામે હજાર હાથવાળી મા અંબાએ એ જ દીકરીને વિદેશની ધરતી પર મોટી થવા મોકલી દીધી.’

વાત ખોટી નથી. આને જ કહેવાય ‘કિસ્મત અપની અપની.’

gujarat gujarat news rajkot Vijay Rupani Rashmin Shah