ગુજરાતમાં આપને ૫૫થી ૬૦ સીટ મળી શકે

05 April, 2022 09:46 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આઇબીનો સર્વે બહાર આવતાં બીજેપી ડરી ગઈ હોવાનાે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાનો દાવો

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી તરીકે પ્રો. ડૉ. સંદીપ પાઠક અને ગુજરાતના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયા.

ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પંજાબ બાદ ગુજરાત પર ફોકસ કરનાર આમ આદમી પાર્ટીને આજની સ્થિતિએ ૫૫થી ૬૦ બેઠક મળી શકે છે તેવી વિગતો બહાર આવતાં આમ આદમી પાર્ટીમાં ખુશીનું મોજું ફેલાયું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કરતા અને આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘આજની તારીખે ૫૫થી ૬૦ બેઠક આમ આદમી પાર્ટીને મળે છે તેવો સર્વે જાહેર થયો છે. આઇબીનો આ સર્વે છે તે મુજબ ગુજરાતમાં જો હાલમાં ચૂંટણી યોજાય તો તેમાં આમ આદમી પાર્ટીને ૫૫થી ૬૦ બેઠક મળી શકે છે. આઇબીએ કરેલા સર્વેની માહિતી અમને મળી છે. આ સર્વેના કારણે બીજેપી આમ આદમી પાર્ટીને ખરાબ ચીતરવાનો પ્રયાસ કરે છે. સર્વેના આધારે સરકાર ડરી ગઈ છે એટલે વિરોધ કરે છે.’

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી તરીકે રાજ્યસભાના સાંસદ પ્રો. ડૉ. સંદીપ પાઠકે ગઈ કાલે તેમનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓએ મીડિયાને કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ૫૫ સીટ મળી શકે છે તેવું ઇન્ટર્નલી રિપોર્ટ કહે છે, પણ ઇન્ટર્નલ સર્વે પ્રમાણે અમારી પાર્ટીને ૫૮ સીટ આવી રહી છે. ગુજરાતમાં જનતા બદલાવ ઇચ્છી રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બધી જ ૧૮૨ બેઠક પર ચૂંટણી લડશે, અમે પૂરી તાકાતથી લડીશું. અત્યારે ટાઇઅપનો મુદ્દો નથી, એકલા લડીશું.’

gujarat gujarat news aam aadmi party