એમ્બ્યુલન્સમાં ન લાવ્યાં એટલે દાખલ નહીં કરીએ, તેજસ્વી પ્રોફેસરે જીવ ગુમાવ્યો

13 April, 2021 10:56 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

શનિવારે વિદ્યાર્થીઓ તેમને ખાનગી વાહનમાં અમવાદાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોવિડ હૉસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં તેમને દાખલ કરવાની ના પાડતાં કહ્યું કે તે 108ની ઇમઆરઆઇ એમ્બ્યુલન્સમાં ત્યાં નથી લવાયાં એટલે તેમને ત્યાં દાખલ નહીં કરાય. 

ઇન્દ્રાણી બેનર્જીએ ફિઝિક્સમાં પીએચડી કર્યું હતું અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુબંઇ અને યુનિવર્સિટી ઑફ પુનેના તેઓ ફેલો હતાં

 

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ નેનોસાયન્સિઝના ડીન પ્રો. ઇન્દ્રાણી બેનર્જી છેલ્લા બે દિવસથી શ્વાસ લઇ શકાય તે માટે વલખાં મારી રહ્યાં હતાં. તેમના વિદ્યાર્થીઓ અને સહકર્મચારીઓ તેમને કોવિડ હૉસ્પિટલ તો લઇ ગયા પણ અમદાવાદની એક કોવિડ હૉસ્પિટલે તેમને દાખલ કરવાની ના પાડી અને કારણ આપ્યું કે આ સ્થિતિમાં જે નિયત એમ્બ્યુલન્સ હોય છે તેમાં તેમને લાવવામાં નથી આવ્યાં માટે તેમને દાખલ નહીં કરાય. શિક્ષણ ક્ષેત્રે સિદ્ધીઓ સર કરનારા પ્રો. બેનર્જીના શ્વાસ અંતે ખૂટી પડ્યાં. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આવેલા એક રિપોર્ટ અનુસાર શુક્રવારે સાંજે ઇન્દ્રાણી બેનર્જીએ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી, તેમનું ઑક્સિજન સેચ્યુરેશન સ્તર શુક્રવારે 90-92 ટકાની આસપાસ હતું તેમ તેમના વિદ્યાર્થીઓએ જણાવ્યું. 

તેમને તાત્કાલિક શુક્રવારે ગાંધીનગરની સિવીલ હૉસ્પિટલમાં લઇ જવાયા, હૉસ્પિટલમાં નવા દર્દીને દાખલ કરવા માટે કોઇ જગ્યા જ ન હતી. ઇન્દ્રાણી બેનર્જીએ પોતાના સહકર્મચારીઓને કહ્યું કે તેમને ગાંધીનગરની જ કોઇ ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવે. આ ખાનગી હૉસ્પિટલે કહ્યું કે તેમની પાસે બાયપૅપ ઑક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટરની સગવડ જ નથી જેની ઇન્દ્રાણી બેનર્જીને જલ્દી જ જરૂર પડવાની હતી. ત્યાર બાદ શનિવારે વિદ્યાર્થીઓ તેમને ખાનગી વાહનમાં અમવાદાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોવિડ હૉસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં તેમને દાખલ કરવાની ના પાડતાં કહ્યું કે તે 108ની ઇમઆરઆઇ એમ્બ્યુલન્સમાં ત્યાં નથી લવાયાં એટલે તેમને ત્યાં દાખલ નહીં કરાય. 

અહીંથી જાકારો મળતા તેમને પાછા ગાંધીનગર લવાયા અને ત્યાં સુધીમાં તેમનું ઑક્સિજન લેવલ 60 ટકા જેટલું નીચે આવી ગયું હતું, તેમના સહકર્મચારીઓએ આ સ્થિતિ જણાવી હતી. રાત્રે બે વાગ્યે ગાંધીનગરની હૉસ્પિટલે બાયપૅપ ઑક્સિજન મશિન મેનેજ કર્યું પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું તેમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવાયું હતું. તેમના સહકર્મચારીઓ બાદમાં તેમના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર માટે લઇ ગયા. 

ઇન્દ્રાણી બેનર્જીએ ફિઝિક્સમાં પીએચડી કર્યું હતું અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુબંઇ  અને યુનિવર્સિટી ઑફ પુનેના તેઓ ફેલો હતાં. તેઓ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગના વિઝિટીંગ ફેકલ્ટી પણ હતાં. 

 

 

gandhinagar ahmedabad coronavirus covid19