ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં હલચલ તેજ

11 September, 2021 07:32 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપીને રાજકીય હલચલ મચાવી દીધી છે.

વિજય રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપીને રાજકીય હલચલ મચાવી દીધી છે. જેને પગલે હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. 

આજે વિજય રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણીએ ત્યાંથી મીડિયાને સંબોધન કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં કહ્યું  કે, `હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરુ છુ. મારુ માનવુ છે કે ગુજરાતના વિકાસની આ યાત્રા પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરી.  ગુજરાતના વિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતનો વિકાસ કરવાનો જે તક મળી તેના માટે માનનીય વડાપ્રધાન મોદીનો હું આભાર માનુ છું.` જેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનુ છું. 

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવી તે મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે. પાર્ટી મને નવી જવાબદારી આપવા જઈ રહી છે, જેના માટે પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપવામાં આવશે, તે પણ નિભાવિશ. ગુજરાતની જનતાનો વિશ્વાસ, તાકાત મળી છે, અમારી સરકારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે.

વિજય રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતુ. જો કે રાજ્યપાલે રાજીનામું પરત સોંપ્યું છે.  રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત ભાજપમાં હલચલ તેજ બની છે અને નવા મુખ્યપ્રધાન કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. 

 

 

gujarat Vijay Rupani bharatiya janata party ahmedabad