હૉલિડે એન્જૉય કરવો હોય તો પૅક લાઇટ

27 September, 2022 04:44 PM IST  |  Mumbai | Aparna Shirish

ટૂરિંગ અને ટ્રાવેલિંગ જો તમને બહુ ગમતું હોય તો સામાનને કારણે પરેશાની ન થાય એ માટે પર્ફેક્ટ પૅકિંગ કરવાની કેટલીક ટિપ્સ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

જ્યાં જાઓ છો ત્યાંથી કપડાંનું શૉપિંગ કરવાનો વિચાર હોય તો ઘરેથી કપડાં ઓછાં લઈ જવાં.

વેકેશન માટે ક્યાંય જવાની વાત આવે ત્યારે બધાને એક્સાઇટમેન્ટ હોય છે પણ ગૃહિણીઓના ભાગમાં અહીં સૌથી ડિફિકલ્ટ ટાસ્ક આવે છે અને એ છે પૅકિંગ. જરૂરિયાતની બધી જ ચીજો સમાવી લેવી અને તોય બૅગ્સ લાઇટ વેઇટ રહેવી જોઈએ એ વાત ચૅલેન્જિંગ છે અને મોટા ભાગની સ્ત્રીઓ આ ચૅલેન્જને પૂરી કરવા નવી-નવી ટિપ્સ ટ્રાય કર્યા કરે છે. આજે વર્લ્ડ ટૂરિઝમ ડે છે ત્યારે જાણી લો લાઇટ વેઇટ પૅકિંગ કરવાની કેટલીક તરકીબો.

મહત્ત્વનું શું છે? | પૅકિંગ કરતાં પહેલાં લિસ્ટ બનાવો. કઈ વસ્તુઓ સૌથી જરૂરી છે અને કઈ ચીજો સાથે નહીં લઈ જાઓ તો ચાલી જશે એનું લિસ્ટ બનાવો. ત્યાર બાદ જરૂરી ચીજો કૅટેગરી પ્રમાણે વહેંચો. બહાર પહેરવાનાં કપડાં, હોટેલ રૂમમાં પહેરવાનાં કપડાં, વુલન કપડાં, ટૉઇલેટરીઝ, ખાવા-પીવાની ચીજો, દવાઓ વગેરે. એક વાર આ લિસ્ટ અને એ પ્રમાણેની ચીજો રેડી હશે તો પૅકિંગ કરવામાં વાર નહીં લાગે. 

કેટલા દિવસ માટે કેટલું? | પાંચ દિવસના વેકેશન પર પંદર જોડી કપડાં લઈ જવાવાળા પણ ટ્રાવેલર્સ હોય છે અને બે જોડીમાં પાંચ દિવસ નિપટાવી લેવાવાળા પણ હોય છે. જોકે આ બન્ને કૅટેગરીમાં ન આવતું પૅકિંગ કરતા સમયે વાજબી રહેવાનું છે. એટલાં જ કપડાં ભરવાં જે ખરેખર કામનાં હોય. એક જીન્સ બેથી ત્રણ દિવસ પહેરી શકાય. એ જ રીતે કપડાં ઓછાં ભરી હોટેલની લૉન્ડ્રી સર્વિસનો પણ ઉપયોગ કરી શકાય. વધુમાં ભારે વજનવાળાં કપડાં ન લેવાં. લાઇટ વેઇટ ફૅબ્રિકના ડ્રેસિસ લો કે જેમાં ઇસ્ત્રીની જરૂર ન પડવાની હોય અને વજનમાં પણ હલકા હોય. જૅકેટ કે સ્વેટર હોય તો એને બૅગમાં ભરવાને બદલે પહેરી લો. એનાથી ઍરપોર્ટ પર બૅગના વજનમાં ફરક પડશે. એ સિવાય જો જ્યાં જાઓ છો ત્યાંથી કપડાંનું શૉપિંગ કરવાનો વિચાર હોય તો ઘરેથી કપડાં ઓછાં લઈ જવાં. 

ટૉઇલેટરીઝ અને બાથ એસેન્શ્યલ્સ |  પોતાની તૈયારી પોતે ઘરેથી જ કરીને જવી એ સારી આદત છે પણ જ્યારે કોઈ હોટેલ કે રિસૉર્ટમાં રહેવાના હો ત્યારે જતાં પહેલાં ત્યાંની ફૅસિલિટીઝ વિશે જાણી લો. જો રૂમમાં ટૉવેલ અને સાબુ-શૅમ્પૂ વગેરે ચીજો અવેલેબલ થવાની હોય તો એ ઘરેથી ન લઈ જાઓ. વજનમાં સૌથી વધુ ભારે ટૉવેલ્સ જ હોય છે. ચીજો જેટલી ઓછી હશે એટલી જ ફરવાની મજા આવશે. 

કપડાનું ફોલ્ડિંગ | કપડાના ફોલ્ડ રેગ્યુલર વૉર્ડરોબમાં રાખવા માટે કરો એવાં ન કરવાં. ટી-શર્ટ હોય તો એને રોલ કરો જેથી એક જ લાઇનમાં વધુ ટી-શર્ટ રાખી શકાય. અન્ડરગાર્મેન્ટ્સ માટે સ્પેશ્યલ પાઉચ બનાવવાને બદલે કપડાંની અંદર જ એને રોલ કરી લો. નાનાં બાળકોનાં કપડાં ઘડી કર્યા વિના જ બૅગમાં એક પર એક લેયર કરી રાખી શકાય. આમ કરવાથી વધુ ચીજો સમાઈ જશે. 

બાળકો સાથે ટ્રાવેલ કરો ત્યારે | અહીં એક એક્સ્ટ્રા બૅગ ફક્ત તમારાં બાળકો માટે કરી શકાય. જો પાંચ વર્ષની ઉપરનું બાળક હોય તો તેના માટે એક નાનકડી ટ્રોલી લઈ શકાય. એ બૅગ બચ્ચાંઓનો પોતાની બૅગ પોતાની સાથે રાખવાનો શોખ પણ પૂરો કરશે અને તેમનાં કપડાં, દવાઓ, રમકડાં વગેરે એકસાથે એક જ બૅગમાં રહી જશે. 

ક્વિક ટિપ્સ | ફ્લાઇટ માટે પૅકિંગ કરતા હો તો વજનને ધ્યાનમાં રાખી પૅક કરો. ઘરનાં વેઇંગ સ્કેલ પર વજન કરી શકાય. યાદ રાખો કે તમારે એવી ચીજો જ લઈ જવાની છે જે ત્યાં ન મળવાની હોય. આજકાલ બધે જ બધી ટાઇપનું ફૂડ મળી જતું હોય છે. એ સિવાય મેડિકલ સ્ટોર્સ પણ બધે જ હોય છે. 

ડેસ્ટિનેશન, ત્યાંનું હવામાન, ત્યાં લોકો કેવાં કપડાં પહેરે છે એ બધી ચીજોનું રિસર્ચ કરી લેવું અને એ પ્રમાણે પૅકિંગ કરવું.

હૅન્ડબૅગને બદલે બૅકપૅક રાખવી. એમાં તમારા સાઇટ-સીઇંગ માટે બહાર જતા સમયની બધી જ ચીજો આસાનીથી સમાઈ જશે અને શોલ્ડર પર વજન પણ નહીં લાગે.

columnists travelogue travel news