વિયેટનામ શું કામ બન્યું ઇન્ડિયનોનું હૉટ ડેસ્ટિનેશન?

20 October, 2022 05:01 PM IST  |  Mumbai | Raj Patel

કુદરતી સૌંદર્ય, બ્યુટિફુલ સમુદ્રતટ અને પૉલ્યુશન-ફ્રી વાતાવરણને કારણે જન્મતી ખુશનુમા આબોહવાને લીધે લૉકડાઉન પછી ઇન્ડિયન ટૂરિસ્ટ્સની ફરવા જવાની યાદીમાં મોસ્ટ ફેવરિટ સ્થાન પામ્યું છે

ગોલ્ડન બ્રિજ

વિયેટજેટ ઍરલાઇન્સ અને વિયેટનામ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે પણ ભારતીય પર્યટકોને આકર્ષવા માટે ખાસ પ્રયાસો કર્યા છે અને મુંબઈ, દિલ્હી, અમદાવાદથી વિયેટનામની મુખ્ય શહેરોમાં સીધી ફ્લાઇટ ઉપરાંત અનેક સ્પેશ્યલ ઑફરો પણ બહાર પાડી છે.

બહુ દૂર જવાની જરૂર નથી. લૉકડાઉન પહેલાંનો જ સમયગાળો પકડી લો. એ સમયે ભાગ્યે જ કોઈ વિયેટનામ ફરવા જવાનું વિચારતું. વિચારતું પણ અમલમાં મૂકવાનું કાર્ય તો કોઈ નહોતું કરતું. પણ હવે વાતાવરણ બદલાયું છે. ફરવાના શોખીન હોય એવા દરેક ટૂરિસ્ટના હોઠ પર વિયેટનામનું નામ છે અને એ જ કારણોસર ન્યુઝપેપરોમાં પણ પાનાંઓ ભરી-ભરીને વિયેટનામના પૅકેજને લગતી જાહેરખબરોની ભરમાર શરૂ થઈ ગઈ છે. આ જે પૅકેજ બની રહ્યાં છે એ વિયેટનામ પ્રેમીઓ માટે છે. અત્યાર સુધી અજાણ રહેલા વિયેટનામની બ્યુટીની વાતો જેમ-જેમ ભારતીયો સમક્ષ આવતી જાય છે એમ-એમ વિયેટનામ પણ ટૂરિસ્ટના પ્રાઇમ લિસ્ટમાં ટોચ પર આવતું જાય છે.

વિયેટનામ કમ્યુનિસ્ટ દેશ હોવાથી ત્યાં જવા માટે ટૂરિસ્ટના મનમાં શંકાઓ રહેતી તો વીઝા માટે પણ અનેક પ્રકારનો પરિતાપ મનમાં રહેતો હતો, પણ કોરોના પિરિયડ પછી દુનિયાની સરખામણીએ નિયંત્રણો ઉઠાવી લેવામાં વિયેટનામ મોખરે રહ્યું અને બે વર્ષથી ગોંધાઈ રહેલા ભારતીયો સાહસ માટે અધીરા થયા; જેને લીધે મૉલદીવ્ઝ, આઇસલૅન્ડની સાથે વિયેટનામ પણ હૉટ ફેવરિટ બની ગયું.

અપાર સાંસ્કૃતિક સમાનતાઓ 

હા, આ હકીકત છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ વિયેટનામ અને ભારત વચ્ચે ઘણી સમાનતા છે. આપણી જેમ જ ત્યાં પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ ઘણું છે. વળી ત્યાંનાં હનોઈ અને હો ચિ મિન્હ શહેરોનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો પણ અલભ્ય છે. આંખોમાં ટાઢક ભરી દે એવો વૉટરફ્રન્ટ હનોઈમાં છે અને હનોઈમાં શૉપિંગની મજા પણ અદકેરી છે. વિયેટનામની દરેક ખાસ ચીજવસ્તુ ટૂરિસ્ટ્સને હનોઈથી મળી રહે છે. વિયેટનામના આધુનિક પાટનગરનો પરિચય કરાવનારી આ જગ્યાની બન્ને બાજુએ વૃક્ષોની હારમાળા ધરાવતા વિશાળ રસ્તા (બુલેવર્ડ્સ) નયનરમ્ય છે તો અહીંની નાઇટલાઇફ પણ હવે પૉપ્યુલર થઈ ગઈ છે.

ભારતની જેમ અહીં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ મોટી છે. એની સાથે-સાથે ચીનની કન્ફ્યુશિયસ ચળવળનું પણ એ કેન્દ્ર રહી ચૂક્યું છે. ફ્રેન્ચ લોકો અહીં સામ્યવાદ લઈ આવ્યા હતા. આમ તમને અહીં મંદિરો, ચર્ચ, ચીની દેવસ્થાનોની એટલી વિવિધતા જોવા મળે છે કે તમે કલ્પના પણ ન કરી હોય. 

મજાની વાત એ છે કે મોટા ભાગના સ્થાનિક લોકો બૌદ્ધ ધર્મ પાળતા હોવા છતાં વિયેટનામમાં અનેક હિન્દુ મંદિરો છે, જેમાં હિન્દુઓનાં અનેક દેવીદેવતાઓનાં ચોથી સદીનાં પ્રાચીન મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરોને કારણે વિયેટનામનું ઐતિહાસિક મહત્ત્વ પણ વેંત ઊંચું બને છે.

ઐતિહાસિક મહત્ત્વ વેંત ઊંચું

હો ચિ મિન્હ શહેરનું જૂનું નામ સાયગોન હતું. દેશની આ આર્થિક રાજધાની પોતાની અનેક ખાસિયતો ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણી મહત્ત્વની છે. અમેરિકનો સાથે ૨૦ વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં અહીંના લોકો પ્રતિકૂળતા વચ્ચે પણ હિંમત હાર્યા વિના અડીખમ ઊભા રહ્યા અને વિજયી થયા. આ શહેર અને અહીંના લોકો રક્તપાત વગરના સંઘર્ષની યાદ અપાવે છે. આ શહેરનું નામ દેશના ખ્યાતનામ નેતા અને રાષ્ટ્રપિતા હો ચિ મિન્હ પરથી રાખવામાં આવ્યું છે. હો ચિ મિન્હે જ ફ્રેન્ચ અને અમેરિકનોએ આચરેલા દમનમાંથી મજૂરોને છુટકારો અપાવવા તેમની ક્રાન્તિનું નેતૃત્વ કર્યું હતું. 

યુનેસ્કો દ્વારા જાહેર થયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં વિયેટનામના હોઈ અન શહેરનો સમાવેશ થાય છે. એક સમયનું વેપારનું આ કેન્દ્ર હવે મોટા પ્રમાણમાં પર્યટકોને આકર્ષે છે. અહીં આવનારા જપાની વેપારીઓ પોતાની સાથે વિવિધ આકારનાં લાઇટનાં કંદીલ લઈને આવતા. કંદીલ દેશમાં આવતી સમૃદ્ધિનું પ્રતીક બની ગયાં હોવાથી સ્થાનિક લોકો હવે દર પૂનમે પ્રકાશોત્સવ કરે છે. એ દિવસે રોડ પર વાહનની અવરજવર રહેતી નથી. જ્યાં જુઓ ત્યાં કંદીલનો પ્રકાશ રેલાતો હોય. આપણી દિવાળી ભૂલી જવાય એવી ઝાકઝમાળ અહીં ઊભી થાય છે. ઘણા લોકો તો કાગળનાં કંદીલ બનાવીને નદીમાં તરતાં મૂકે દે છે, જે એવો અદ્ભુત નઝારો ઊભો કરે છે જેનું શબ્દોમાં વર્ણન કરવાનું મુશ્કેલ છે. અહીંનાં મ્યુઝિયમોમાં લટાર મારવી એ જાણે ઇતિહાસમાં ડૂબકી મારવા સમાન છે.

દરિયાકિનારો છે અદ્ભુત 

અંગ્રેજી S શેપમાં બનેલા વિયેટનામને ૩૨૬૦ કિલોમીટરનો  વિશાળ દરિયાકિનારો મળ્યો છે. વિયેટનામના દરિયાકિનારે વસેલાં દા નાંગ, ન્હા ત્રાંગ અને ફુ ક્વોક એમ આ ત્રણ શહેર યંગસ્ટર્સ અને બાળકોને તો સાથોસાથ કપલને ખૂબ ગમી જાય એવાં છે. ત્યાં રોલરકોસ્ટર રાઇડની મોજ છે તો ફુ ક્વોક ટાપુનો અડધો હિસ્સો નૅશનલ પાર્ક છે, જેને લીધે વનરાજી અને દરિયાની મોજ બન્નેનો સંગમ થાય છે. 

હો ચિ મિન્હ શહેરની વિશિષ્ટ જગ્યાઓમાં કુ ચી ટનલ્સ, મેકૉન્ગ ડેલ્ટાનો સમાવેશ થાય છે. આ જગ્યાને તમે ભારતના સુંદરબન સાથે સરખાવી શકો. અહીં મેકૉન્ગ નદી સમુદ્રમાં ભળતી જોવા મળે છે. વિયેટનામમાં દરિયાનાં મોજાં પર સર્ફિંગ કરવું જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ સમાન છે. હોઈ અન (Hoi an) શહેરના વિનવન્ડર થીમ પાર્કના સફારી વર્લ્ડની સફર તેમ જ કૅમ થન્હ (cam thanh village) ગામમાં કોકોનટ બાસ્કેટ બોટમાં એક લટાર પણ અવર્ણનીય છે. 

ગોલ્ડન બ્રિજ ઑન ધ ટૉપ

વિયેટનામ જવા માગતા લોકોના લિસ્ટમાં દનાંગનો બાના હિલ્સ પ્રથમ સ્થાને હશે. બાના હિલ્સ સ્વર્ગથી સહેજ પણ ઊતરતું નથી. અહીં તમે ફ્રાન્સ અને ઇટલીની સ્ટ્રીટમાં વૉક કરતા હોવાનો અનુભવ થાય છે, જેનું કારણ એ કે ફ્રાન્સના કૉલોનિસ્ટોએ આ આખા વિસ્તારની સ્થાપના કરી હતી. સાંજના સમયે અહીં પર્યટકોને કઠપૂતળીના ખેલ જોવા મળે છે તો એની સાથે લાસ વેગસના એઓ શો જેવો જ શો તથા હ્યુ, હોઈ એન અને તામ કોક જેવાં પ્રાચીન શહેરોની ઝલક જોવા મળે છે; જે જોઈને મુલાકાતીઓને વીતી ચૂકેલા યુગમાં દાખલ થઈ ગયા હોય એવી લાગણી થાય છે. 

આ ઉપરાંત આ વિસ્તારમાં જ આવેલી દુનિયાની અજાયબીઓ પૈકીના એક એવા ગોલ્ડન બ્રિજ (અથવા ગોલ્ડન હૅન્ડ બ્રિજ) પર લટાર મારવી એ પણ અનેરો આનંદ છે. બે મહાકાય હાથના સહારે ૪૯૦ ફીટ લાંબો આ પેડેસ્ટ્રિયન બ્રિજ અત્યારે દુનિયાભરના પર્યટકોને વિયેટનામમાં આકર્ષવાનું કામ કરે છે. આ જ કારણે ટૂર ઑપરેટરોની વિયેટનામ માટેની જાહેરખબરમાં ગોલ્ડન બ્રિજનો ફોટો મેઇન ઍટ્રૅક્શન તરીકે મૂકવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ સુધી પહોંચવાની સફર પણ યાદગાર અનુભવ છે. ગોલ્ડન બ્રિજ સુધી પહોંચવા કેબલ કારમાં બેસીને જવું પડે છે, જે દુનિયાની સૌથી લાંબી કેબલ કાર સફર છે. 

ગોલ્ડન બ્રિજ ઉપરાંત દનાંગમાં જ આવેલો ડ્રૅગન બ્રિજ પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ૬૬૬ મીટર લાંબા અને ૩૭.૫ મીટર પહોળા આ બ્રિજનું બાંધકામ ૨૦૦૯માં શરૂ થયું અને ૨૦૧૩માં એ ખુલ્લો મુકાયો. શનિવાર અને રવિવારે રાત્રે ડ્રૅગન બ્રિજના મોઢામાંથી આગ અને પાણી છૂટવાનું દૃશ્ય જેણે જોયું હશે એમાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે એ ક્ષણનું વિડિયો-રેકૉર્ડિંગ કરવાનું ચૂક્યું હોય.

આનંદો, હવે વિયેટનામ પણ વેજિટેરિયન...

મોટા ભાગના ગુજરાતીઓ જ્યારે ફૉરેન ફરવા જવાનું પ્લાનિંગ કરે ત્યારે ત્યાં જમવાનું શું હશે અને કેવું હશે એની ચિંતા પહેલાં કરતાં હોય છે. વિયેટનામમાં આ બાબત ગુજરાતીઓને નડી શકે, કારણ કે વિયેટનામમાં મુખ્યત્વે લોકો નૉનવેજ આહાર લે છે; જેને લીધે પ્યૉર વેજિટેરિયનમાં ઑપ્શન ખૂબ જ ઓછા મળે છે. પણ મજાની વાત એ છે કે ઇન્ડિયન ટૂરિસ્ટ હવે વધતાં વિયેટનામનાં મહત્ત્વનાં શહેરોમાં પ્યૉર વેજિટેરિયન હોટેલો ખૂલવાનું શરૂ થઈ ગયું છે અને એમાં વધારો પણ થતો જાય છે. અલબત્ત, અત્યારે થોડો પ્રૉબ્લેમ થાય છે એ એટલું જ સાચું છે પણ ભાઈ, થેપલાં-છૂંદો, પાપડી ને મોહનથાળને પણ ક્યાં વિયેટનામમાં સાથે લઈ શકાતાં નથી? 

columnists travelogue travel news vietnam