07 June, 2026 02:44 PM IST | Mumbai | Alpa Nirmal
ચોમેર ધાર્મિક સ્થળોથી ઘેરાયેલું ઢીમાનું શામળિયા કૃષ્ણનું મંદિર. મંદિર પરિસરમાં જ મહાદેવજી, ગણપતિ બાપા, લક્ષ્મીજી, હનુમાજી, વારાહી માતા, ભૈરવનાથ દાદા અને ઋષિ માર્કન્ડેયની નાની-નાની દેરીઓ છે.
ગયા રવિવારે પવિત્ર પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમાના દિવસે ઢીમાના શામળિયાના મંદિરે ફક્ત ગુજરાત જ નહીં, પાડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ઢગલાબંધ ભક્તો ઢીમા ગામના શામળા ધરણીધરને પગે લાગવા આવ્યા હતા. કૃષ્ણભક્તોમાં માન્યતા છે કે ભારતનાં ચારેય ધામની જાત્રા કરી હોય પણ જો આ મુછાળા શામળિયાનાં દર્શન ન કર્યાં હોય તો સઘળી યાત્રા અપૂર્ણ ગણાય. ચાલો પુરુષોત્તમ મહિનામાં શામળિયાના આ મંદિરની શબ્દયાત્રાએ
અહીં ચતુર્ભુજની મુછાળી મૂર્તિ છે. દેશના એકમાત્ર મુછાળા શામજીને મૂછ કેમ લગાવી છે એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ લોકવાયકા અનુસાર રાજસ્થાન તથા ગુજરાતમાં મૂછને આદર તથા હિંમતનું પ્રતીક માનવામાં આવે છે. એ મુજબ ભગવાનને મૂછ લગાવાઈ હોઈ શકે.
ઢીમા ઢીમણ નાગ, ધગધુણી ઢગલો કર્યો,
ઉપર આવ્યો અસુર, હારીને પાછો ફર્યો
પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુજરાતનો વાવ તાલુકો સમસ્ત રાજ્યમાં ચર્ચાનો વિષય રહ્યો. ના... ના... રેકૉર્ડબ્રેક ગરમીને કારણે નહીં, અહીંના ઢીમા ગામે આવેલા ધરણીધર મંદિરમાં દર્શન કરવા આવેલા હજારો ભક્તોના ઘોડાપૂરને કારણે. આમેય આ પાવન તીર્થધામે પૂનમ ભરવાનું મહત્ત્વ છે અને પુરુષોત્તમ માસની પૂનમે તો અહીં આસ્થાનો મહેરામણ ઊમટે છે.
સનાતન પરંપરામાં પુરુષોત્તમ મહિનાને સાધના, ભક્તિ અને આત્મચિંતન માટેનો વિશેષ સમય ગણાવાયો છે. અધિક માસને કૅલેન્ડર પૂરતો ન રાખતાં દરેક સનાતનીને આ દિવસોમાં પ્રભુભક્તિ, જપ, દાન અને તપમાં જોડાઈને કર્મશુદ્ધિ કરવાની હાકલ કરવામાં આવી છે. આમ તો આપણા વૈદિક ગ્રંથોમાં મનુષ્યોએ કઈ રીતે જીવવું, કયા અવગુણોથી દૂર રહેવું, કેવા આચાર-વિચાર રાખવા એની સાથે પાપ-પુણ્યની વિસ્તૃત સમજ આપવામાં આવી છે અને મનુષ્યભવ પ્રાપ્ત થતાં એ નિયમોમાં રહેવાની દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. જોકે કાળચક્રે માણસની મતિ તથા નીયત ફેરવી નાખી છે. આ બુદ્ધિશાળી માનવ દિવસ-દિવસે ઘાતકી તથા સ્વાર્થી થઈ રહ્યો છે. ખેર, આજના સમયમાં યુધિષ્ઠિરની જેમ ધર્મરાજ તરીકે જીવવું શક્ય ન હોય તોય શુભ દિવસોમાં વિશિષ્ટ સમયમાં તો પ્રભુની આજ્ઞા મુજબ રહી જ શકાયને. મનુષ્ય પોતાનો ઇહલોક (વર્તમાન) તથા પરલોક સુધારી શકે એ હેતુથી આપણાં પુરાણોએ પુરુષોત્તમ માસને વિશેષ લાભકારી કહ્યો છે અને ખાસ તો વૈદિક ધર્મે એવી અદ્ભુત કૃપા કરી છે કે વ્યક્તિએ આ મલમાસમાં કરેલી સાદી ઉપાસનાનું ફળ સીધું દસગણું કરીને આપે છે.
મુછાળા ધરણીધરની પ્રતિમા.
એ ન્યાયે આ મહિનામાં આપણાં તીર્થોમાં હિલ-સ્ટેશન અને પર્યટન-સ્થળો કરતાં પણ અધિક ભીડ છે. ભારતનો શ્રદ્ધાળુગણ દર્શન હેતુ વિવિધ તીર્થોમાં જાત્રા કરવા નીકળી પડ્યો છે. આપણે પણ કેમ પાછળ રહીએ. આપણી તીર્થાટન એક્સપ્રેસ લઈને ઊપડીએ ઢીમા ધરણીદર તીર્થે જે સઘળાં તીર્થોનું કળશતીર્થ છે.
ઉત્તર ગુજરાતના વાવથી ૧૮ કિલોમીટરના અંતરે આવેલું આજનું ઢીમા ૨૫૦૦ વર્ષ પૂર્વે વરાહપુરી કે વરાહક્ષેત્ર નામે જાણીતું હતું, કારણ કે અહીં વિષ્ણુ ભગવાનના વારાહ અવતારનું સુંદર મંદિર હતું. રાજપરિવાર સાથે ગ્રામ્યજનો ઉત્સાહસહ ધરણીધર વારાહ ભગવાનની પૂજા કરતા. અહીં એક આડ વાત. આ વારાહપુરી રાજ્યના રાજગુરુ ઢેમણ વિષ્ણુ ભગવાન ઉપરાંત નાગદેવના પણ મહાન ભક્ત હતા. વશિષ્ઠ કુળના આ મહારાજ વિશિષ્ટપણે નાગદેવની તપસ્યા કરતા. તેમની દીર્ઘ તથા અખંડ ભક્તિથી શેષનાગ પ્રસન્ન થયા અને ઢેમણ મહારાજ સમક્ષ પ્રગટ થયા. એ સાથે જ નાગદેવે તેમના ભક્ત ઢેમણને પોતાના સૂક્ષ્મ સ્વરૂપની ૩ ફેણ ધરાવતી મૂર્તિ આપી અને સાથે એની પૂજા કરવાની અનુમતિ આપી. રાજગુરુ ઢેમણે વરાહ મંદિરની બાજુમાં નાગદેવની મૂર્તિ પોતાના હસ્તે જ પ્રતિષ્ઠિત કરી અને ગ્રામ્યલોકો એ ત્રિફેણા નાગદેવતાને ઢેમણ નાગદેવ તરીકે પૂજવા લાગ્યા.
ધરણીધરનો વારાહ અવતાર.
ફરી મૂળ વાત પર આવીએ. વારાહપુરીમાંથી અપભ્રંશ થઈને ૧૦૦૦ વર્ષે આ ગામ વાટાપુરી નામે ઓળખાવા લાગ્યું ને લાંબા કાળખંડ બાદ બારમી સદીમાં આ તીર્થક્ષેત્ર વિદેશી બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીની નજરે ચડ્યું. ભારતનાં મંદિરોમાં તોડફોડ કરીને એમનો ખજાનો લૂંટવાની મેલી મુરાદ ધરાવતા ક્રૂર ખિલજીએ વાટાપુરીના વરાહ મંદિર પર હુમલો કર્યો અને વારાહ ભગવાનની મૂર્તિ તોડી નાખી. એ પછી તેના સૈનિકોની દૃષ્ટિ ઢીમણ નાગદાદા પર પડી અને હજી તો તેમનો પહેલો ભાલો નાગદેવ તરફ છૂટ્યો જ હતો ત્યાં તો હજારો મધમાખીઓની સેના તેમના પર તૂટી પડી. મધમાખીઓના કાતિલ ડંખથી બચવા સિપાહીઓ મૂર્તિને એમ ને એમ છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા. એ જ રાત્રે ખિલજીને સપનું આવ્યું કે ઢેમણનાગ તેના પર કોપાયમાન છે અને એ કોપથી બચવા ખિલજીએ સેના સહિત અહીંથી રાતોરાત ઉચાળા ભર્યા. ત્યારથી આ કહેવત પ્રસિદ્ધ થઈ કે ઢીમા ઢીમણ નાગ, ધગધુણી ઢગલો કર્યો; ઉપર આવ્યો અસુર, હારીને પાછો ફર્યો.’
મંદિર પાસે આવેલું માદેળા તળાવ.
ભૌગોલિક તથા રાજકીય ઊથલપાથલને કારણે આ વિસ્તારમાં ઘણા ફેરફાર થતા ગયા તથા મોગલ આક્રમણકારીઓના ડરે સ્થાનિકોએ આ ગામ છોડ્યું. જોકે ઢીમણ નાગદેવતાનો પ્રભાવ, પ્રેમ અને પરચા સાંભળીને ફરી એક વખત ગામ હર્યું-ભર્યું થયું. હવે એ ઓળખાવા લાગ્યું ઢીમા-ઢેમણ નાગદેવતા પરથી ઢીમા તરીકે. કહેવાય છે કે મોગલોએ તોડી નાખેલી વારાહ પ્રભુની મૂર્તિમાંથી એક શિવલિંગ પ્રગટ થયું હતું જે આજે પણ આ મંદિરમાં પ્રતિષ્ઠિત છે. નાગદેવ તો હતા જ, સાથે ગ્રામ્યજનો ધરણીધર વારાહ ભગવાનને પણ ભૂલ્યા નહોતા. વૈદિક પરંપરા મુજબ ખંડિત પ્રતિમાની પૂજા ન થાય એટલે સ્થાનિકો ધરણીધર જે સિંહાસન પર બિરાજતા હતા એ સિંહાસનની પૂજા કરતા. આવો સિલસિલો સવાસો વર્ષ ચાલ્યો. ગ્રામ્યજનો દરરોજ સવારે પ્રભુના સિંહાસનનાં તેમ જ ઢીમણ નાગનાં દર્શન કરતા અને પછી ખેતી કરવા ખેતરે જતા. આ ભોળી અને ભલી પ્રજાને નાગદેવ સાથે ધરણીધર પ્રત્યે પણ અત્યંત ભાવ હતો. એવામાં આજથી ૬૦૦ વર્ષ પહેલાં ઢીમામાં રહેતા ખેડૂત રુદાજી પટેલને એક રાતે સ્વયં શ્રીનાથજી સપનામાં આવ્યા અને કહ્યું કે બાંસવાડાના પહાડોમાં મારી મૂર્તિ છે એને બહાર કાઢીને અહીં પ્રતિષ્ઠા કરાવ. રુદાજી આનંદિત તો થઈ ગયા; પણ બાંસવાડાની પહાડીનો મોટો વિસ્તાર, ત્યાં મૂર્તિ ક્યાં ગોતવી, ક્યારે જવું એવા પ્રશ્નો રુદાજીના મનમાં થયા. ત્યારે નંદલાલાએ કહ્યું, ‘તારા ઘરે ગાયને બે વાછરડાં આવે અને એ બેઉ વાછરડાંના કપાળ પર ગોળ ચાંદરડું હોય એ સાચું પડે ત્યારે મારો સંકેત માનીને તું મને લેવા આવજે.’ પ્રભુની વાણી તો સાચી પડી. રુદાજીને ત્યાં ગાય વિયાણી અને ગાયનાં બેઉ બચ્ચાંને કપાળ પર ચંદનના તિલક જેવી નિશાની હતી. આ વાછરડાં છ મહિનાનાં થયાં ને રુદાજી તેમના મિત્ર ગજધર સાથે પાલખી (અન્ય મતે ગાડું) લઈને બાંસવાડાના ડુંગરોમાં જવા નીકળી પડ્યા. લાંબો રસ્તો, વસમા જંગલો પસાર કરતાં-કરતાં બેઉ મિત્રો બાંસવાડાનો આખો વિસ્તાર ફરી વળ્યા તોય ભગવાનના સગડ મળ્યા નહીં. થાકેલા-હારેલા બેઉ મિત્રો નિરાશ વદને ઘોર જંગલમાં રાત્રે સૂઈ ગયા ને ફરી મોહન રુદાજીના સપનામાં આવ્યા. ભોળા રુદાજી તો ભગવાનને ફરિયાદ કરવા લાગ્યા કે ‘તમારા કહેવાથી અમે અહીં આવ્યા, જંગલી જાનવરો વચ્ચે ડુંગરાઓમાં ફર્યા તોય કેમ તમે અમને મળતા નથી? આવી પરીક્ષા શીદને કરો છો?’ ત્યારે કનૈયાએ કહ્યું, ‘તમે જ્યાં સૂતા છો ત્યાંથી ઉગમણી દિશાએ સવાસો ડગલાં ચાલો એટલે ખાખરાના વૃક્ષનાં ખરેલાં પાંદડાંનો ઢગલો દેખાશે. એ સૂકાં પર્ણો હટાવશો એટલે તમને થોડી શિલાઓ દૃશ્યમાન થશે. બસ, એ ખસેડજો. હું એની નીચે જ છું.’ અને ખરેખર રુદાજી તેમ જ ગજધરે કાનુડાના કહેવા અનુસાર કર્યું ને એમાંથી નીકળ્યું ચતુર્ધારી શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ. ભગવાન મળ્યા એનો આનંદ અપરંપાર હતો, પણ સાથોસાથ એ પણ શંકા હતી કે આટલી મોટી મૂર્તિ બે સામાન્ય વ્યક્તિ ખાડામાંથી કાઢશે કઈ રીતે અને સામાન્ય પાલખીમાં ઉપાડીને લઈ જશે કઈ રીતે? ફરી મદન ગોપાલ ભક્તની મૂંઝવણ સમજી ગયા અને તેઓ વજનમાં ફૂલ જેવા હલકા થઈ ગયા.
રુદાજી અને ગજધર ભગવાનને પાલખીમાં રાખીને પાછા ઢીમા આવી રહ્યા હતા ત્યાં રસ્તામાં સિરોહી ગામ આવ્યું. થાક્યા-પાક્યા બેઉ મિત્રો ઝાડના છાંયડામાં પાલખી મૂકીને આરામ કરવા લાગ્યા. એ વખતે ત્યાંના રાજાના સિપાઈઓએ આ દૃશ્ય જોયું અને રાજા પાસે જઈ વાત કરી કે બે ભક્તો આપણા સીમાડામાંથી ભગવાનની સુંદર મૂર્તિ લઈને જઈ રહ્યા છે. રાજાએ હુકમ કરીને બેઉ ભક્તને બોલાવ્યા અને પ્રેમથી એ મૂર્તિની માગણી કરી. ત્યારે રુદાજીએ રાજાને નમ્રતાથી ના પાડી. રાજવીએ રુદાજીને લાલચ આપી કે મૂર્તિના બદલામાં તેઓ એના વજન બરાબર સોનું આપવા તૈયાર છે અને જો રુદા પટેલે આ પ્રતિમા લઈ જવી હોય તો તેઓ એટલું સોનું રાજ્યમાં જમા કરાવે. આવી કઠોર શરત સાંભળીને રુદાજી અને ગજધર ગભરાઈ ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે આ સંકટમાંથી બચાવો. ફરી એક વાર કાળિયા ઠાકોર રુદાજીની વહારે ધાયા. તેમણે સંકેત કર્યો કે ત્રાજવાના એક પલ્લામાં મારી મૂર્તિ મૂક અને બીજામાં તેં કાનમાં પહેર્યા છે એ ઠોંસિયા (પુરુષોની કાનમાં પહેરવાની કડી) મૂક. ભરચક રાજદરબારમાં ભગવાનની મૂર્તિને ત્રાજવામાં રખાઈ અને બીજી બાજુ રુદાજીએ પોતાની કડીઓ મૂકી. બેઉ પલ્લાં સમતોલ થઈ ગયાં અને પ્રજાજનો સહિત રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. એ ચમત્કારિક ઘટના પછી રાજાએ બેઉ પ્રભુભક્તોનું ઉચિત સન્માન કર્યું અને પોતાના સિપાઈની સુરક્ષા સાથે તેમને ઢીમા મોકલ્યા.
ઋષિ માર્કન્ડેયની તપોભૂમિ પણ છે ઢીમા
કહેવાય છે કે આ જંગલોમાં ઋષિ માર્કન્ડેયએ તપસ્યા કરી હતી. મહાભારતકાળમાં કૃષ્ણ મથુરાથી દ્વારકા આવ્યા ત્યારે તેમણે ઋષિના આશ્રમમાં રાત્રિવિરામ કર્યો હતો. કદાચ એ સંદર્ભે જ અહીં પ્રાચીનકાળમાં વારાહ મંદિર બન્યું હોઈ શકે. ધરણીધર ભગવાનના મંદિરની બાજુમાં મદેલા તળાવ છે જે એક સમયે ૭ મજલા ધરાવતી વાવ હતી. વાવની સાથે રાણી રંગબાઈની લોકકથા જોડાયેલી છે. કહે છે કે તેમના પતિ રાણાજીએ જ્યારે તેમના ચરિત્ર પર શંકા કરી ત્યારે રંગબાઈએ ૬ દિવસ સુધી અહીં તપ કર્યું. તેમના સત્ત્વ અને તપસ્યાના પ્રભાવથી મૂર્તિના પગની આંગળીઓ તથા રાણીના પગમાંથી લાંબો સમય પાણીની ધારા વહી હતી અને રાણાને પોતાની ભૂલ સમજાઈ હતી.
થોડા દિવસ પહેલાં જ અહીં એક ભક્તે સવા કલાકનું શીર્ષાસન કરીને પ્રભુને રીઝવ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો.
વિક્રમ સંવત ૧૪૭૭, જેઠ સુદ ૧૧, એટલે બરાબર ૬૦૬ વર્ષ પૂર્વે ઢીમા ગામમાં ભગવાન ધરણીધરને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. એ જ મંદિરમાં ઠાકોરજી આજે પણ બિરાજે છે અને આજે પણ રુદાજી પટેલના વંશજો અહીં રહે છે. અહીં તેમનું વિશિષ્ટ માન-સન્માન છે. દર રામનવમીએ આ પરિવાર દ્વારા કેશરનાં છાંટણાં કરવામાં આવે છે તથા પૂજા આદિ કરવામાં આવે છે. ભગવાન ધરણીધરના મંદિરનું જીર્ણોદ્ધાર કરીને સફેદ સંગેમરમરના કોતરણીયુક્ત સ્તંભોથી શોભાયમાન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં મહાદેવજી, ગણપતિબાપ્પા, લક્ષ્મીજી, હનુમાન, કાર્તિકેય, રિદ્ધિ-સિદ્ધિ, વારાહી માતા, ભૈરવનાથ દાદા અને ઋષિ માર્કન્ડેયની નાની દેરીઓ છે. આ ઉપરાંત ઢીમા ગામમાં ભગવાન દ્વારકાધીશના ભક્ત પીપાજી મહારાજ, ગાયત્રી મંદિર, વિષ્ણુ મંદિર, આશાપુરા મંદિર આદિ નાનાં-મોટાં મંદિરો છે. ભક્તોને રહેવા માટે ઢીમામાં અનેક સમાજની ધર્મશાળાઓ ઉપરાંત ગેસ્ટ હાઉસ છે તથા ભોજન માટેની પણ દરેક પ્રકારની સુવિધાઓ છે. તહેવારો તેમ જ પૂર્ણિમાએ મંદિર તરફથી અન્નક્ષેત્ર ચાલે છે.
મુંબઈથી ઢીમા જવું સાવ સહેલું છે. ડીસા તથા પાલનપુર જતી ટ્રેનમાં બેસો અને ડીસા ઊતરીને ૬૦ કિલોમીટર તથા પાલનપુરથી ૯૫ કિલોમીટરની રોડ જર્ની કરતાં ધરણીધરની નગરી ઢીમા પહોંચી જવાય છે. આ બેઉ સ્ટેશનથી રાષ્ટ્રીય પરિવહનની બસ તેમ જ ટૅક્સીની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદથી ઢીમાનું ડિસ્ટન્સ ૨૦૦ કિલોમીટર છે અને નિકટતમ હવાઈ મથક પણ એ જ છે. મંદિર સવારે છથી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે ચારથી ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ધુળેટી, કાર્તિકી પૂર્ણિમા તથા જેઠ સુદ અગિયારસ (નિર્જળા એકાદશી)એ અહીં મોટો મેળો લાગે છે તથા આ પાટોત્સવના દિવસે વિશેષ ઉત્સવ યોજાય છે.