આ ભાઈએ ‘બાહુબલી’ પર કરેલી ભારતભ્રમણની વાતો સાંભળીને ભલભલાને પસીનો છૂટી જવાનો

14 April, 2022 02:07 PM IST  |  Mumbai | Ruchita Shah

જીવનના અંતિમ છ મહિનામાં કૅન્સરગ્રસ્ત બહેનને બાઇક પર દુનિયા દેખાડનારા હેમલ રાયચુરા એક નવા દૃષ્ટિકોણ સાથે પ્રવાસ કરી રહ્યા છે એના રોમાંચક અનુભવો પર તો એક પુસ્તક લખાય

હેમલ રાયચુરા

ખારદુંગ લા પાસ. વિશ્વનો હાઇએસ્ટ મોટરેબલ રોડ. આ જગ્યાએ જવું દરેક બાઇકરનું સપનું હોય છે. સાઉથ મુંબઈમાં રહેતા હેમલ રાયચુરાનું પણ હતું. ૨૦૧૬માં ત્યાં જવાનો તેમનો પ્લાન બની ગયો હતો. જોકે નીકળવાના ત્રણ દિવસ પહેલાં જ તેમનાં બહેન નેહાને કૅન્સર ડિટેક્ટ થયું. ત્રીજું સ્ટેજ હતું અને સારવારની અસર થવાની નહોતી. ડૉક્ટરોએ ના પાડી દીધી એ પછી હવે બહેનની તમામ ઇચ્છાઓ પૂરી કરવાનું પ્રણ લીધું તેમણે. લગભગ છ મહિનામાં બાઇક પર બેસાડીને તેમણે બહેનને કાંગડાના જ્વાલામુખી મંદિરથી લઈને અંબાજી, વૈષ્ણોદેવી, ધરમશાલા, વિવિધ જ્યોતિર્લિંગોનાં દર્શન કરાવ્યાં. લગભગ છ મહિનામાં તો બાઇક પર જ બેસાડીને શક્ય હતી એટલી દુનિયા બહેનને દેખાડી દીધી. ડિસેમ્બર ૨૦૧૬માં બહેને અંતિમ શ્વાસ લીધા અને હેમલભાઈના જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ ગયો. હેમલભાઈ કહે છે, ‘બહેનની વિદાય પછી જાણે કે મારી જીવવાની ઇચ્છા પૂરી થઈ ગઈ અને મરવાનો ભય દૂર થઈ ગયો. અત્યારે તો જેટલું જોયું એટલું જ જીવ્યા એવું લાગે છે. બાકી જિંદગીના હજારો દિવસો આપણે એમ ને એમ પસાર કરી દીધા જેની કોઈ મેમરી આપણી પાસે નથી. રોજ સવારે ઊઠીને એના એ જ રૂટીનમાં જાતને રગડ્યા કરીએ એના કરતાં દુનિયાની એક-એક જગ્યાએ જઈને ઈશ્વરે વેરેલા સૌંદર્યને માણીએ, નવા જ લોકો સાથે પરિચય કેળવીએ ત્યારે ઘણી યાદો આપણે એકઠી કરીએ છીએ. મારી બહેનનું જવું મારા માટે બહુ મોટો લૉસ હતો. સાચું કહું તો એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તેના જીવનના છેલ્લા છ મહિનામાં અમે બાઇક પર ખૂબ ફર્યાં હતાં. એ પછી મારી બહેનની સ્મૃતિમાં મારી એ જ બાઇક પર અઢળક ફરી લીધું છે અને હજી અઢળક ફરવાનું બાકી છે.’

નવી સફર
બહેનના ગયા પછી હેમલભાઈ બહુ ઓછું રડ્યા હતા. એનું કારણ આપતાં તેઓ કહે છે, ‘હું મારા બેતાલીસ વર્ષના જીવનમાં જેટલું નહોતો ફર્યો એટલું તેની સાથેના એ છ મહિનામાં ફરી ચૂક્યો હતો. બસ, એ જ અરસામાં મારી જિંદગી બદલાઈ ગઈ. દુનિયાને એક્સપ્લોર કરવી એ જ જાણે જીવનનું ધ્યેય બની ગયું.’
પ્રોફેશનલી ફોટોગ્રાફર તરીકે સક્રિય હેમલભાઈની એક ટૂર પતે નહીં ત્યાં તેમણે બીજી ટૂર પ્લાન કરી લીધી હોય. જ્યાં જાય ત્યાં પોતાની બાઇક, નાનકડો સ્ટવ, ફોલ્ડિંગ ચેર, ટેબલ, સ્લીપિંગ મૅટ અને રહેવા માટેનો ટેન્ટ સાથે હોય. પોતે ફોટોગ્રાફર હોવાને નાતે ત્રણેક હાઈ ટેક્નૉલૉજીના કૅમેરા હોય. સારોએવો મેડિક્લેમ, ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને લાઇફ ઇન્શ્યૉરન્સ અને સારામાં સારી ગુણવત્તાની હેલ્મેટને તેઓ આ પ્રકારના ટ્રાવેલ માટે ખાસ રેકમેન્ડ કરે છે. તેમનો નિયમ છે કે જે જગ્યા સારી લાગે ત્યાં ટેન્ટ નાખીને રોકાઈ જવાનું. ટેન્ટ નાખવા જેવું સ્થળ ન દેખાય તો હોટેલમાં જવાનું. તેમની સાથે સતત પડછાયો બનીને રહેતી બાઇકને તેમણે બાહુબલી નામ આપ્યું છે. વિદેશમાં કરેલી ટૂરના પોતાના અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘લગભગ પાંચ વર્ષ ટૂર શૂટ કરવાના એક પ્રોજેક્ટ માટે યુરોપમાં રહ્યો ત્યારે ફરવાનું જ હતું. જોકે એમાં વચ્ચે સવા મહિનાનો ફ્રી ટાઇમ મળ્યો ત્યારે ફ્રેન્ડની બાઇક પર ઓગણીસ દિવસમાં સાડાપાંચ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને લંડન, ફ્રાન્સ, જર્મની, નેધરલૅન્ડ્સ, ઍમ્સ્ટરડૅમ, ઇટલી, રોમ જેવા નવ દેશોની ટૂર કરી હતી. મુંબઈથી સોમનાથ, વીરપુર, પોરબંદર, દ્વારકા, ઓખા જેવાં સ્થળોએ લગભગ ૧૪૦૦ કિલોમીટરની સફર બાઇક પર કરી છે. લદ્દાખની ટૂર બાઇક પર કરી છે. ગયા વર્ષે ચારધામ બાઇક પર જઈ આવ્યો; જેના અઢળક રોમાંચક, આશ્ચર્યથી રૂંવાડાં ઊભાં કરનારા અનુભવો છે.’

ચારધામ યાત્રા
લૉકડાઉનમાં ફરવાને બ્રેક લાગી હતી પરંતુ અચાનક ખબર પડી ઑક્ટોબરમાં કે ચારધામને એક મહિના માટે શરૂ કરવામાં આવે છે એ પ્રસંગ વિશે હેમલભાઈ કહે છે, ‘છ ઑક્ટોબરે ખબર પડી અને તરત બાઇક સર્વિસમાં આપી અને એ જ રાતે સવા બારવાગ્યે પહેલું નોરતું બેઠું અને હું નીકળી ગયો હતો. મારી ટ્રિપમાં જવાનો દિવસ ફિક્સ હોય, આવવાનો દિવસ નહીં. ૫૪ વર્ષની ઉંમરે હું જે પ્રકારની ટૂર કરું છું એ મારી ઉંમરના લોકોને નવાઈ ઉપજાવે છે. નાની ઉંમરના લોકો સમય અને સંપત્તિના અભાવે જોડાઈ નથી શકતા. મારી ટૂર સંપૂર્ણપણે અનિશ્ચિત હોય છે. ક્યાંક ગમી જાય તો વધુ પણ રોકાઈ જાઉં. જગ્યા વિશે પૂરતું રિસર્ચ કરું પરંતુ ત્યાં ગયા પછી ઇન્સ્ટન્ટ્લી જે ગમે એ કરવાનું. મને યાદ છે કે હું લદ્દાખ હતો ત્યાં એક એવો સ્પૉટ હતો જ્યાં ચારેય બાજુ જુદા-જુદા રંગના પહાડો. ગ્રીનરીનું નામોનિશાન નહીં. અંધારું થવા આવ્યું હતું અને માઉન્ટ એરિયામાં ઠંડી પણ હોય અને લૅન્ડસ્લાઇડિંગનો ભય પણ હોય એટલે રાતે પ્રવાસ અવૉઇડ કરવાનું કહેવામાં આવે. મને લેહના ચાંગલા પાસે એક સ્પૉટ મળી ગયો અને ત્યાં ટેન્ટ બાંધી દીધો. એક કીડી મને ત્યાં નહોતી દેખાઈ એટલી વિરાન અને નિર્જન જગ્યા. મારી પાસે નાનકડું કિચન હોય, એક ટેબલ, ફોલ્ડિંગ ચેર, સ્પીકર્સ વગેરે હતાં. પાણી નહોતું તો હું થોડેક દૂર એક ઝરણામાંથી પાણીની બૉટલો ભરી લાવેલો. ત્યાં એક રાતને બદલે બે રાત હું એકલો રહેલો. રાતે સ્પીકર પર કિશોરકુમારનાં જૂનાં ગીતો લગાવીને ખુલ્લા આકાશને નિહારતાં અને વાઇન પીતાં-પીતાં સમય પસાર કરેલો. અહીં જ રહીને નિરાંતે પુસ્તકો વાંચતો અને પ્રકૃતિ સાથે લીન થઈ જતો. ૩૬ કલાક એ રીતે પસાર કરેલા જાણે હું કોઈ જુદી દુનિયામાં છું. આવા ઘણા રોમાંચક અનુભવો પ્રવાસમાં થયા છે.’

આવો બીજો એક પ્રસંગ વર્ણવતાં હેમલભાઈ કહે છે, ‘ખારદુંગ લાથી રિટર્ન થઈ રહ્યો હતો ત્યારે હવામાન અચાનક બગડ્યું અને બરફના ગોળા પડવા માંડ્યા, જેને લીધે મારી હેલ્મેટ ડૅમેજ થઈ અને ઠંડી વધવા માંડી. સ્વેટર-જૅકેટ બધું પહેરવા છતાં માઇનસ પાંચ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે માંડ-માંડ એક હોટેલમાં પહોંચ્યો. એ વખતે રાતે છાતીનો દુખાવો ઊપડ્યો. એ પછી પણ જાતે જ હૉસ્પિટલાઇઝ થયો. અતિશય ઠંડક લાગવાથી ન્યુમોનિયા થઈ ગયો. આઇસીયુમાં રહેલો. ડૉક્ટરે બાઇક ઍરલિફ્ટ કરાવીને સીધા ઘરે જવાની સલાહ આપેલી પણ કોને ખબર થોડુંક બેટર ફીલ થતાં અંદરથી એવી સ્ફુરણા થઈને આ પ્રવાસ અધૂરો ન છોડાય. દવાઓ અને ઇન્જેક્શનનો સ્ટૉક લઈને એ પછી પણ આગળની યાત્રા મેં પૂરી કરેલી. મરવાનો ડર તો ખરેખર નીકળી ગયો છે અને અત્યાર સુધી એ પણ જોયું છે કે ઈશ્વરે મારું ધ્યાન રાખ્યું છે. ચારધામમાં કેદારનાથની યાત્રામાં તો આવા અઢળક ઈશ્વરના પરચા મને થયા છે.’

નેક્સ્ટ પ્લાન શું? 
હેમલ રાયચુરાને બાર જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનાં હતાં જેમાંથી અગિયાર જ્યોતિર્લિંગ તેઓ બાઇક પર જઈ આવ્યા. જૂન એન્ડમાં બારમા જ્યોતિર્લિંગ માટે તેઓ રામેશ્વરમ જવાના છે. આ રીતે કાશ્મીરથી કન્યાકુમારીની સફર પૂરી થશે. એ પછી આસામ, સિક્કિમ, મેઘાલય, ‌દાર્જીલિંગ, ભુતાનની ટૂરનું પ્લાનિંગ પણ તેમણે કરી લીધું છે.

columnists ruchita shah