ફરવાનો શોખ હોય તો પ્રેગ્નન્સીમાં પણ નૉર્થ-ઈસ્ટના પહાડો ફરવા જઈ શકાય

09 June, 2022 01:35 PM IST  |  Mumbai | Jigisha Jain

એ સાબિત કરી બતાવ્યું ૨૮ વર્ષની ચેમ્બુરમાં રહેતી કૃપાલી છેડાએ

કૃપાલી છેડા

એ સાબિત કરી બતાવ્યું ૨૮ વર્ષની ચેમ્બુરમાં રહેતી કૃપાલી છેડાએ. પ્રેગ્નન્સીના નાજુક સમય દરમ્યાન પૂરાં પ્રિકૉશન્સ લઈને કરેલી આ મોસ્ટ એન્જૉયેબલ ટૂર થકી તેણે  સ્ત્રીઓને પણ સંદેશ આપ્યો છે કે પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી કે જેને લીધે તમે રોકાઈ જાઓ, કાળજી રાખીને તમે તમારું દરેક સપનું પૂરું કરી શકો છો

‘પ્રેગ્નન્સી એક નાજુક અવસ્થા છે એ વાત સાચી પણ એ દરમ્યાન એવી રીતે જીવવાની પણ જરૂર નથી કે જાણે તમે બીમાર છો. પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી. કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે પણ એને લીધે જીવન રોકાઈ જાય એ તો ન ચાલે.’ 

 
આ વિચાર છે ૨૮ વર્ષની ચેમ્બુરમાં રહેતી કૃપાલી છેડાના જે હાલમાં ૮ મહિનાની પ્રેગ્નન્ટ છે. એ ૪ મહિનાની પ્રેગ્નન્સી સાથે નૉર્થ ઈસ્ટ ફરવા ગઈ હતી. જાણી જોઈને પ્રેગ્નન્સીમાં ફરવા જવું જ એવી કોઈ જીદ નહોતી એની, પરંતુ જ્યારે બધું ઠીક છે અને ડૉક્ટરની પણ પરવાનગી મળી જ ગઈ હોય તો રિસ્ક હોઈ શકે છે એવા મતે તે પોતાની ટ્રિપ ટાળે એવી છોકરી નથી. ફરવાની અને ખાસ કરીને ટ્રેકિંગ કરવાની ખૂબ જ શોખીન એવી કૃપાલી પતિ ઉર્વીલ છેડા સાથે નૉર્થ-ઈસ્ટના પહાડો ફરવા ગયેલી. 
 
પ્રેગ્નન્સી અને પ્લાન 
પહેલેથી જ ફરવાની શોખીન એવી કૃપાલીનાં જ્યારે લગ્ન થયાં ત્યારે તેના પતિને પણ ફરવાનો એટલો જ શોખ હતો જેને લીધે બન્ને વચ્ચેનું કનેક્શન વધારે સ્ટ્રૉન્ગ બન્યું હતું. બન્નેએ મળીને એક વિશ લિસ્ટ તૈયાર કરેલું કે દર વર્ષે આપણે એક લૉન્ગ વેકેશન પર જઈશું અને એ પણ પ્રકૃતિના ખોળે. શરૂઆત બિચિઝથી થઈ હતી અને નેક્સ્ટ લિસ્ટમાં પહાડો હતા. તેમણે નૉર્થ-ઈસ્ટની પ્લેનની ટિકિટ ઍડ્વાન્સમાં બુક કરાવી લીધી હતી. કૃપાલી અને ઉર્વીલ બન્ને આ ટ્રિપ માટે ઘણા ઉત્સુક હતા. એ વિશે વાત કરતાં કૃપાલી કહે છે, ‘આ એ સમયગાળો હતો જ્યારે અમે બાળક વિશે વિચારતાં હતાં. એ સમયે પાવાગઢ જવાનું થયું. મને તો પર્વતો ગમતા જ હતા એટલે મેં કહ્યું કે હું તો જઈશ પાવાગઢ. આખી જાત્રા પૂરી કરીને હું કચ્છ ગઈ હતી અને પછી ફરીને પાછી આવી ત્યારે ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. અમને કોઈ અંદાજ નહોતો કે આટલી જલદી પ્રેગ્નન્સીના ન્યુઝ મળશે. દોઢ મહિના જેવું થયું હશે ત્યારે ખબર પડી. એના બે મહિના પછીની નૉર્થ-ઈસ્ટની ટિકિટ હતી. આ ન્યુઝથી અત્યંત ખુશ એવા મારા ઘરના લોકોએ તરત જ એલાન કરી દીધું કે ક્યાંય ફરવા જવાની જરૂર નથી, હવે ખુદનું ધ્યાન રાખો.’ 
 
ડૉક્ટરની પરમિશન 
ફ્લાઇટની ટિકિટ્સ થઈ ગઈ હતી અને એનું રીફન્ડ મળી શકે એમ નહોતું. એક તરફ ગુજ્જુ મગજ કહી રહ્યું હતું કે ટિકિટના પૈસા વેડફાશે અને બીજી તરફ ટ્રાવેલ ઘેલું મન કહી રહ્યું હતું કે જવું તો છે જ. પણ કૃપાલી અને ઉર્વીલ બન્ને જણ શાંતિથી પહેલું ટ્રાયમિસ્ટર પૂરું થવાની રહ જોઈ રહ્યાં હતાં. એ વિશે વાત કરતાં કૃપાલી કહે છે, ‘મારી મમ્મી અને મારા સાસરા પક્ષે બધા જ લોકો મને સમજાવતા હતા કે પ્રેગ્નન્સીમાં રિસ્ક ન લેવાય. કંઈ જરૂર નથી જવાની. ફરવા માટે આખું જીવન પડ્યું જ છેને. હું ફક્ત બધાને કહેતી કે સારું, ત્રણ મહિના થઈ જાય પછી જોઈએ. પછી અમે ડૉક્ટરને પૂછ્યું કે આ રીતે અમારો નૉર્થ-ઈસ્ટ જવાનો પ્લાન છે. અમે જઈએ કે નહીં? ડૉક્ટરે અમને કહ્યું કે કોઈ વાંધો નથી. બસ, તમે તમારું ધ્યાન રાખજો. જ્યારે આ વાત અમે ઘરના લોકોને કહી તો તેઓ બધા ખૂબ હસતા મારા પર. બધાને લાગતું કે આને ફરવાનું ગજબ ઘેલું છે. ક્યાં રહી જાય છે ફર્યા વગર? બધાની ઇચ્છા નહોતી પણ કોઈએ અમારા પર જબરદસ્તી ન કરી. આ બધામાં ઉર્વીલ મારી સાથે હતા. તેમણે મને હિંમત આપી કે તું ચિંતા ન કર. આપણે ધ્યાન રાખીશું.’ 
 
તકલીફ 
તેમણે આખી આઇટિનરરી ડૉક્ટર સાથે શૅર કરેલી જેમાંથી એકદમ હાઇટવાળી જગ્યાઓને અવૉઇડ કરવાનું સૂચન ડૉક્ટરે કરેલું, કારણ કે ત્યાં એકદમ બ્રેથલેસ થઈ જવાય. ‘એટલે અમે લેન્ચેન નામની જગ્યાને અમારા લિસ્ટમાંથી કાઢી નાખી અને હિંમત કરીને અમે નૉર્થ-ઈસ્ટ પહોંચી ગયાં’ એમ જણાવતાં કૃપાલી કહે છે, ‘નૉર્થ ઈસ્ટ ખૂબ સુંદર છે. પણ ત્યાં પહાડો છે અને ઘાટને કારણે સતત ટ્રાવેલિંગ એવું હતું કે મને ખૂબ જ ચક્કર આવ્યાં અને ઊલટીઓ થઈ. દરરોજ એક વાર તો એવું થાય જ. વળી ખાવા-પીવાના પ્રૉપર ટાઇમિંગ ન જળવાય. આવા નાના-નાના પ્રૉબ્લેમ ચાલતા રહ્યા પરંતુ મેજર કંઈ ખાસ તકલીફ આવી નહીં. ફક્ત એક જગ્યાએ સિક્કિમથી ગૅન્ગટૉક જતી વખતે રસ્તામાં લૅન્ડ સ્લાઇડિંગ થઈ ગયું અને અમારે આખો રસ્ત બદલવો પડ્યો. જે રસ્તો અમારે લેવો પડ્યો એ આખો પથરીલો હતો. એ પણ ૩-૪ કલાક લાંબો. કારની અંદર હડદો સતત લાગતો જ રહ્યો. હું અને ઉર્વીલ ખૂબ ગભરાઈ ગયાં હતાં. કંઈ થઈ ગયું તો શું અને ઘરવાળા બધા ખાઈ જ જશે મને એ બન્ને બાબતોના ડર સાથે હું તો આંખ બંધ કરીને સૂવાનો ઢોંગ જ કરતી હતી. એ આખા રસ્તે હું અને ઉર્વીલ એક શબ્દ બોલ્યાં નથી. બસ, હેમખેમ એ પસાર થઈ જાય એ મહત્ત્વનું હતું, જે ભગવાનની દયાથી થઈ ગયું. આ તકલીફ સિવાય આખી ટૂર અમારી એકદમ સ્મૂધ રહી. બીજી કોઈ તકલીફ થઈ નથી.’ 
 
ટ્રાવેલ અને ઍડ્વેન્ચર 
દસમાની એક્ઝામ પછી પોતાના સમાજની એક ટૂરમાં મનાલીના હમ્પ્ટા પાસ પાસે પહેલી વાર કૃપાલી ટ્રેક પર ગઈ હતી અને ત્યારથી એનો ફરવાનો શોખ શરૂ થયો અને એ પહેલી નજરનો પ્રેમ હતો એનો પહાડો સાથે. એ પછી તો સંધાન વૅલી, પ્રબલ ઘાટ, નાનેઘાટ, અંદરબાન, ભીવપુરી જેવા મહારાષ્ટ્રના ટ્રેક પણ એણે કર્યા અને પહાડોની સાથે ઍડ્વેન્ચરનો શોખ પણ એણે અપનાવ્યો. ૨૫૦ ફીટ રેપલિંગ, રિવર ક્રૉસિંગ, વૅલી ક્રૉસિંગ ઝિપ લાઇન અને જાયન્ટ સ્વિંગ બિટ્વીન ધ વૅલી જેવી ઘણી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ પણ ટ્રાય કરી છે. લગ્ન પછી હનીમૂન માટે પણ એ આંદામાન ગઈ હતી જ્યાં તેણે વૉટર સ્પોર્ટ્સ જેમ કે સ્કુબા ડાઇવિંગ, સ્નૉર્કલિંગ, સમુદ્રની અંદર પાણીમાં વૉક, પૅરાસેઇલિંગ, બનાના રાઇડ, જેટ સ્કી, ગ્લાસ બૉટમ બોટિંગ જેવી દરેક ઍડ્વેન્ચર ઍક્ટિવિટી એણે ત્યાં કરી હતી. સિંગાપોરમાં પણ તેણે ઇન્ડોર સ્કાય ડાઇવિંગ કરેલું જેમાં તેને ખૂબ મજા પડી હતી. 
 
નૉર્થ-ઈસ્ટની મજા 
નૉર્થ-ઈસ્ટમાં તેઓ સિક્કિમ, નામચી, પેલિંગ, રેવેન્ગલા, લાચુંગ, ગૅન્ગટૉક અને સિલિગુડી  જેવી જગ્યાઓએ ગયાં હતાં જ્યાં જઈને તેણે ટી ગાર્ડન, સિદ્ધેશ્વર ધામ, ભારતનો પહેલો ગ્લાસ સ્કાયવૉક, રિમ્બી વૉટરફૉલ, કંચનજંગા ફૉલ, પેમાયેંગત્સે મૉનેસ્ટરી, બુદ્ધ પાર્ક, સેવન સિસ્ટર વૉટરફૉલ, સિન્ધિક વ્યુ પૉઇન્ટ જેવી જગ્યાઓએ ફર્યા. આ સિવાય ગૅન્ગટૉકથી ૧૧૮ કિલોમીટર દૂર લાલચુંગમાં ૮૬૧૦ ફીટ ઉપર તેમણે સ્નોફૉલ પણ માણ્યો હતો. હિમાલયન ઝૂમાં જઈને રેડ પાંડા જોયો હતો. પેલિંગમાં એ ખેચીઓપાલરી તળાવ ગયેલી જે બુદ્ધિસ્ટ માન્યતાઓ મુજબ આ તળાવમાં પાસે જે માગો એ થઈ જાય છે. ત્યાં તેણે તેના બાળકની સલામતીની કામના પણ કરેલી. એક જગ્યાએ પૅરાગ્લાઇડિંગ ઍક્ટિવિટી કરવાની હતી જે કૃપાલીને કરવી જ હતી, પરંતુ પ્રેગ્નન્ટ સ્ત્રીઓને એ કરવાની પરવાનગી નહોતી. એટલે તેણે પતિ ઉર્વીલને કહ્યું કે હું નથી કરી શકતી, પરંતુ મારા બદલે તું જ કરી લે. જે વિશે એ કહે છે, ‘ઉર્વીલે એ કર્યું તો મને ખૂબ સારું લાગ્યું કે જાણે મેં જ એ ઍક્ટિવિટી કરી હોય એવો આનંદ થયો. જો એ મારે કારણે ન કરત તો મને એ વાતનું ખૂબ દુખ થાત.’ 
 
બેબી સાથેનું કનેક્શન
પ્રેગ્નન્સીના પહેલા મહિને જાણ નહોતી ત્યારે જ કૃપાલી પાલિતાણા અને કચ્છ કરી આવી, એ પછી નૉર્થ-ઈસ્ટ આખું ફરી આવી. ત્યાંથી આવીને એ જબલપુર પાસે કરેલી ગઈ હતી. ત્યાં તેનાં સાસુ-સસરા રહે છે. એ પછી કર્ણાટક જ્યાં તેનાં દાદા-દાદી રહે છે ત્યાં ગઈ હતી અને એની પાસેનું હમ્પી પણ ફરી આવી. હાલમાં આઠમા મહિને પણ એ ટ્રૂ મુંબઈકરની જેમ લોકલમાં બિન્દાસ ટ્રાવેલ કરે છે. એ કહે છે, ‘હું આખી પ્રેગ્નન્સીમાં મારા બાળક સાથે વાત કરતી રહી. અમે જ્યાં પણ ફરવા ગયાં ત્યાં મેં એને બધી જ જગ્યાનું વર્ણન કર્યું હતું. મેં એને પ્રૉમિસ પણ કર્યું છે કે તું આવશે પછી તને પણ અહીં લઈ આવીશ. મેં દરેક જગ્યાએ તેને કહ્યું હતું કે બેબી, આપણે ફરવા જઈએ છીએ ત્યાં તારે મને પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે અને થયું પણ એવું જ. એણે મને પૂરો સપોર્ટ આપ્યો.’ 

 

columnists life and style travel news Jigisha Jain