ભાંડુપના આ શિવધામમાં થાય છે મહાદેવનાં બે સ્વરૂપમાં દર્શન

05 September, 2026 06:52 PM IST  |  Mumbai | Kajal Rampariya

ભાંડુપમાં સદીઓ જૂનું ભાંડુપેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી. શિવનાં નિરાકાર અને સાકાર બન્ને સ્વરૂપનો એક જ ધામમાં અનુભવ કરાવતા આ શિવાલયની મુલાકાત શિવભક્તોએ ચોક્કસ લેવા જેવી છે

સભામંડપ અને ભાંડુપેશ્વર મહાદેવ

હેક્ટિક અને દોડધામવાળા જીવનમાં શાંતિ મેળવવાનું લક્ઝરી બની ગયું છે ત્યારે ભાંડુપના સ્ટેશન એરિયાના ધમધમાટ વચ્ચે ભાંડુપેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ બહારના ઘોંઘાટથી એક અલગ દુનિયામાં પ્રવેશ્યાનો અનુભવ થાય છે. સામાન્ય રીતે શિવમંદિરમાં ગર્ભગૃહનું કેન્દ્ર શિવલિંગ હોય છે. ભાંડુપેશ્વર મહાદેવ મંદિરમાં પણ મધ્યમાં ભાંડુપેશ્વર મહાદેવની પિંડી છે. એની સાથે શિવશંકરના સાકાર સ્વરૂપની મૂર્તિની ઉપસ્થિતિ આ મંદિરને આગવી ઓળખ આપે છે. ખાસ કરીને અહીં મૃત્યુંજય મહાદેવની પ્રતિમા બિરાજમાન છે જે સામાન્ય રીતે અન્ય શિવમંદિરોમાં જોવા મળતી નથી. આખા મુંબઈમાં શિવજીની પ્રતિમા ધરાવતા વિશિષ્ટ શિવધામ તરીકે પણ આ મંદિરની આગવી ઓળખ છે. ભારતીય શૈવ પરંપરામાં શિવલિંગને નિરાકાર અને અનંત તત્ત્વના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જ્યારે શંકરની મૂર્તિ ભક્તને દેવના સાકાર સ્વરૂપ સાથે જોડે છે. ભાંડુપેશ્વરમાં આ બન્ને ભાવ એક જ ધામમાં સાથે જોવા મળે છે.

આર્કિટેક્ચર

મંદિરનું વર્તમાન સ્વરૂપ સમય સાથે થયેલા જીર્ણોદ્ધારનું પરિણામ છે, પણ એનો ઇતિહાસ ઘણો જૂનો હોવાનું માનવામાં આવે છે. આ વિશે માહિતી આપતાં મંદિરના ટ્રસ્ટી મનોજ સોની કહે છે, ‘મંદિરનું નિર્માણ શિલ્પશાસ્ત્રના નિયમો અનુસાર કરવામાં આવ્યું છે. આર્કિટેક્ટ ધીરુભાઈ સોમપુરાનું નામ આ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ તરીકે જોડાયેલું છે. મંદિરના નિર્માણ અને જીર્ણોદ્ધારમાં આશરે ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પથ્થરોમાંથી કાર્વિંગ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. એમાં પોરબંદરના અને ધ્રાંગધ્રાના પથ્થરોનો ઉપયોગ થયો છે અને  બાંધકામમાં સિમેન્ટનો વપરાશ નહીંવત્ જેવો થયો છે. મંદિરમાં પ્રવેશ કરશો ત્યારે પહેલાં નકશીકામવાળા ૪ સ્તંભ આકર્ષણનું કેન્દ્ર બને છે. પછી સભામંડપની છત પર પણ ઝીણવટભર્યું નકશીકામ મંદિરની સુંદરતા અને ભવ્યતાને ૪ ચાંદ લગાવે છે. સભામંડપમાં સંગેમરમરના નંદી અને કાચબાની મૂર્તિઓ છે. ત્યાર બાદ અંતરાળમાં બન્ને બાજુ ગણપતિ અને મારુતિનાં દેવકોષ્ઠકો આવે છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારથી થોડાં પગથિયાં નીચે ઊતરતાં થોડું ઊંડાણ ધરાવતા ગર્ભગૃહમાં ભાંડુપેશ્વર મહાદેવની પિંડીનાં દર્શન થાય છે. સંગેમરમરનું ફ્લોરિંગ ધરાવતા આ ગર્ભગૃહમાં પિંડીને ચાંદીના નકશીકામવાળા આવરણથી શણગારવામાં આવી છે. એના પર અભિષેકપાત્ર અને છત્ર છે, જ્યારે પાછળના દેવકોષ્ઠકમાં પાર્વતીમાતાની મૂર્તિ છે.’

મૃત્યુંજય મહાદેવ

સામાન્ય રીતે શિવમંદિરોમાં શિવજીની પ્રતિમા એટલે કે મૂર્તિ હોતી નથી, પરંતુ ભાંડુપેશ્વર મહાદેવ મંદિરમાં મૃત્યુંજય મહાદેવની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા મંદિરની સૌથી વિશિષ્ટ ઓળખમાંની એક છે એમ જણાવતાં મનોજભાઈ કહે છે, ‘શંકરાચાર્ય એટલે કે કાંચી કોટિપુરમના જયેન્દ્ર સરસ્વતી અને ઉત્તરના નારાયણ સરસ્વતીના આદેશ અને માર્ગદર્શન હેઠળ આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણપ્રતિષ્ઠાની પૂજાવિધિ ૩ દિવસ સુધી ચાલી હતી. મંદિરના નિર્માણ વખતે સવા કરોડ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. આ જાપની પ્રક્રિયા આશરે દોઢથી બે વર્ષ સુધી ચાલી હતી. આ જાપનું ફળ અને મંત્રિત ગંગાજળ મૂર્તિ પર અર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં જાપ કરવા માટે એક વિશેષ AC જાપરૂમ પણ બનાવવામાં આવ્યો છે. અહીં બેસીને જાપ કરવાથી માનસિક તકલીફો, આધિ-વ્યાધિ, ઉપાધિ કે ડર દૂર થાય છે અને આશીર્વાદ મળે છે એવી ભક્તોની શ્રદ્ધા છે.’

ભાંડુપની ઓળખ

લોકવાયકા એવી છે કે ભાંડુપનું નામ ભાંડુપેશ્વર મહાદેવના નામ પરથી પડ્યું છે અને આ મહાદેવ અહીંના ગ્રામદેવતા પણ છે. શરૂઆતમાં અહીં એક નાનું મંદિર કે દેરી જેવું સ્થાન હતું. સમયની સાથે મંદિરનો વિકાસ થતો ગયો અને ૧૯૪૯માં મંદિરનું ટ્રસ્ટ બન્યું, જેને કારણે મંદિરના સંચાલનને વ્યવસ્થિત સ્વરૂપ મળ્યું. મંદિર લગભગ ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે અને એનો સંબંધ શિલાહાર રાજવંશના સમય સાથે જોડવામાં આવે છે. આ વિસ્તારના ઇતિહાસમાં અગિયારમી સદીના સંદર્ભો પણ મળે છે. ઈસવીસન ૧૦૨૬ના શિલાહાર રાજા છિત્તરાજદેવ સાથે સંકળાયેલા તામ્રપત્રનો ઉલ્લેખ આ વિસ્તારના પ્રાચીન ઇતિહાસને સમજવામાં મહત્ત્વનો માનવામાં આવે છે. પંદરમી સદીના મરાઠી ઐતિહાસિક દસ્તાવેજ ‘મહિકાવતીચી બખર’માં પણ આ વિસ્તારના સંદર્ભો મળતા હોવાનું જણાવાય છે. જોકે મંદિરની ચોક્કસ સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એ વિશે ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ નથી. ૨૦૦૨ની આસપાસ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. જીર્ણોદ્ધાર પછી મંદિરને ભવ્ય અને આકર્ષક સ્વરૂપ મળ્યું અને પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓના સ્થાનને પણ વિસ્તૃત કરવામાં આવ્યું.

અન્ય દેવતાઓ અને મંદિરો

આજે ભાંડુપેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એકસાથે ઘણાં દેવી-દેવતાઓનાં દર્શન થાય છે. સભામંડપમાં શંકર ભગવાન ધ્યાનમુદ્રામાં બેઠા હોય એવી મૂર્તિ ભક્તોને અદ્ભુત શાંતિ આપે છે. આ સિવાય સિદ્ધિવિનાયક, શીતળામાતા, સંતોષીમાતા, બટુકભૈરવ, કાલભૈરવ, હનુમાનજી, વિઠ્ઠલ-રુક્મિણી, બાંકેબિહારી, નવગ્રહ, શ્રીદત્ત, શ્રીકૃષ્ણ, સરસ્વતી, મહાલક્ષ્મી, વાઘેશ્વરી, કાલીમાતા, ગાયત્રીમાતા અને રામદરબાર સહિતનાં દેવસ્થાનો મંદિરના પરિસરમાં આવેલાં છે. અહીંનું નવગ્રહ મંદિર પણ વિશેષ આકર્ષણ ધરાવે છે. આશરે અઢી ટન વજનના પિન્ક માર્બલમાંથી બનેલા કમળના ફૂલ પર નવગ્રહ દેવતાઓ બિરાજમાન છે જે આસપાસમાં અન્ય ક્યાંય જોવા મળતા નથી એવી માન્યતા છે.

શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ

ભાંડુપેશ્વર મહાદેવ મંદિરનું શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિ દરમ્યાન વિશેષ મહત્ત્વ છે. દર સોમવારે મહાદેવની વિશેષ પૂજા, શિવચાલીસાના પાઠ અને ભજન થાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અથવા અમાવસ્યાના દિવસે મંદિરમાં લઘુરુદ્ર અને હવનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે પણ શિવચાલીસાના પાઠ થાય છે અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. મહાશિવરાત્રિ મંદિરનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે. આ દિવસે રુદ્રાભિષેક, વિશેષ પૂજા, ભજન-કીર્તન અને મહાઆરતીનું આયોજન થાય છે. મંદિરને લાઇટિંગ અને પુષ્પમાળાઓથી શણગારવામાં આવે છે અને ભાંડુપ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. મહાશિવરાત્રિના દિવસે ભક્તોની લાંબી લાઇનો લાગે છે અને આશરે ૬૦૦૦ જેટલા લોકોને ફરાળ કરાવવામાં
આવે છે.

ભાંડુપેશ્વર કુંડ પ્રાચીન પરંપરાની કડી

ભાંડુપેશ્વર મંદિર સાથે ભાંડુપેશ્વર કુંડનું નામ પણ જોડાયેલું છે. મંદિરથી આશરે દોઢ કિલોમીટર દૂર આવેલો આ કુંડ પ્રાચીન સમયમાં મંદિરની ધાર્મિક વ્યવસ્થા સાથે સંકળાયેલું જળસ્થાન રહ્યું હોવાની માન્યતા છે. જોકે હવે મંદિરની આસપાસનું દૃશ્ય બદલાઈ ગયું છે. પ્રાચીન વસાહત અને ધાર્મિક પરિસરની વચ્ચે ત્યાં હવે ગીચ વસ્તી બની રહી હોવા છતાં આ મંદિર પોતાની ધાર્મિક ઓળખ જાળવીને ઊભું છે.

bhandup shravan hinduism whats on mumbai things to do in mumbai travel mumbai travel travel news travelogue columnists gujarati mid day