કુમાઉંનું કોહિનૂર છે ઇન્ડો-નેપાલ સરહદ નજીક આવેલું પૂર્ણાગિરિ

22 March, 2026 01:46 PM IST  |  Mumbai | Alpa Nirmal

ભારત અને નેપાલના નાગરિકોને એકબીજાના દેશમાં આવવા-જવા પાસપોર્ટ કે વીઝાની જરૂર રહેતી નથી. એ ન્યાયે પૂર્ણાગિરિ સુધી આવ્યા છો તો ટનકપુરથી ફક્ત ૨૨ કિલોમીટરની દૂરી પર વિદેશની ધરતી પર બિરાજેલા સિદ્ધનાથ મહાદેવને જળ ચડાવી આવજો.

એકાદ કિલોમીટર ચાલીને અને હજારેક સરળ પગથિયાં ચડીને અન્નપૂર્ણા નામની ચોટી પર આવેલું પૂર્ણાગિરિ મંદિર.

ચંપાવત જિલ્લાના ટનકપુર ગામ પાસેની પૂર્ણાગિરિ સિદ્ધપીઠ આધ્યાત્મિક જ્ઞાનોદય સાથે વ્યક્તિમાં સકારાત્મક પરિવર્તન લાવી દે એવી શક્તિશાળી છે. અહીં દર વર્ષે ફેબ્રુઆરીથી જૂન મહિના દરમિયાન મેળો ભરાય છે. એમાંય ચૈત્રી નવરાત્રિનું પખવાડિયું તો સખત શાનદાર હોય છે. વિશેષ પૂજા, ધાર્મિક અનુષ્ઠાન, હવન, યજ્ઞ, સજાવટ, નૃત્ય-સંગીત-નાટકનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા-માણવા લાખોની સંખ્યામાં ભક્તો પૂર્ણાગિરિ આવે છે. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો આપણે પણ જઈએ  માતાના મઢે

આ વર્ષે ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થયેલો મા પૂર્ણાગિરિ મેળો ૧૫ જૂન સુધી ચાલવાનો છે.

ઉત્તર-પૂર્વીય ભારતના રાજ્ય ઉત્તરાખંડનો કુમાઉં ક્ષેત્ર સુંદર કે ગઢવાલ રીજન? ફક્ત સુંદર જ શું કામ, આ બેઉમાંથી કયો વિસ્તાર વધુ પાવન અને પવિત્ર? આવા પ્રકારનો પ્રેમાળ વિવાદ ઉત્તરાંચલવાસીઓ તેમ જ આ ભૂમિના ચાહકો વચ્ચે વર્ષોથી ચાલતો આવે છે. દેવભૂમિ નામે જાણીતું આ રાજ્ય ભારતવાસીઓનું લોકપ્રિય પર્યટન-કમ-જાત્રાસ્થળ છે. આકાશને આંબતી પર્વતમાળાથી લઈ ધસમસતી નદીઓ, શાંત જંગલોથી લઈ જીવંત જીવનશૈલી તથા પ્રાકૃતિક સુંદરતાથી લઈ પ્રાચીન-પૌરાણિક પવિત્ર સ્થળો સ્ટેટના સાડાત્રેપન હજાર સ્ક્વેર કિલોમીટરના ક્ષેત્રફળમાં વિસ્તરેલાં છે. એટલે કોઈ ચોક્કસ ઝોન વધુ સુંદર કે વધુ પવિત્ર એમ ન કહી શકાય. હા, એટલું ચોક્કસ છે કે ગઢવાલ વિસ્તાર હિમાચલનાં ઉત્તુંગ શિખરો, હૃષ્ટપુષ્ટ નદીઓ તથા પૌરાણિક તીર્થો માટે જાણીતું છે. જ્યારે કુમાઉં પ્રદેશ શાંત સરિતાઓ, સ્થિર જંગલો અને શક્તિપીઠો માટે પ્રખ્યાત છે. ટુંકમાં કુમાઉં અને ગઢવાલ બેઉ ક્ષેત્રો સમૃદ્ધ વિરાસત અને પાવરફુલ ઇતિહાસથી પરિપુર્ણ છે.

ઍન્ડ આજે આપણે ઉત્તરાંચલના કોહિનૂર સમા કુમાઉંમાં જવાનું છે જ્યાંના અન્નપૂર્ણા શિખર પર પૂર્ણાગિરિ નામક પ્રભાવી મંદિર આવેલું છે.

પૂર્ણાગિરિ મંદિર સાથે ભોળેનાથનાં પ્રથમ પત્ની સતીમાતાની કથા જોડાયેલી છે. કહે છે કે પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં સતી અને તેમના પતિ શિવજીને પિતાએ યોગ્ય માન-સન્માન ન આપ્યું જેથી સતી માતાએ એ હવનકુંડમાં કુદી પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને કૈલાસનાથ પત્નીની આવી હાલત જોઈ ન શકતાં સતીનું અર્ધબળેલું શરીર લઈ ક્રોધમાં આખીય સૃષ્ટિ પર તાંડવ કરવા લાગ્યા. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાના સશક્ત સુદર્શન ચક્રથી માતાના દેહના ૫૨ ટુકડા કર્યા અને દેહનો એ ભાગ જે જમીન પર પડ્યો એ ભૂમિ બની શક્તિપીઠ. એ ન્યાયે પૂર્ણાગિરિમાં માતાની નાભિનો ભાગ પડ્યો હોવાનું મનાય છે. જોકે ભારત તેમ જ પાડોશી દેશોમાં આવેલી આ શક્તિપીઠો વચ્ચે અનેક મતભેદો છે. ઈવન ભારત વર્ષની ભૂમિની પીઠો વચ્ચેય મતમતાંતર છે. એક વર્ગ માને છે જમ્મુમાં કટડા નજીકના આર્મી એરિયામાં આવેલું નાભા માતાના મંદિરે સતીમાતાની નાભિ પડેલી છે. એ જ કારણે અહીંનાં માતાને નાભા માતાનું નામ મળ્યું છે (આપણે પણ તીર્થાટનમાં અહીંની માનસ યાત્રા કરી છે). તો અમુક ભક્તો પૂર્ણાગિરિ પર માતાની નાભિ પડી હોવાનું માને છે. ખેર, સત્ય જે હોય તે, શ્રદ્ધાને કોઈ પુરાવાની જરૂર નથી હોતી. એ અન્વયે માતાનું અંગ અહીં પડ્યું છે કે નહીં એ માન્યતા બેવજૂદ છે. વજૂદ તો છે આ સ્થળનું જાગૃત હોવું. સમુદ્રતલથી સાડાપાંચ હજાર ફીટની ઊંચાઈએ આવેલી આ સિદ્ધપીઠનાં વાઇબ્સ જોરદાર છે એ અહીં આવનાર ભક્તોને અનુભવાય જ છે.

નેપાલના સિદ્ધનાથ મહાદેવનાં દર્શન પણ કરી લો

ભારત અને નેપાલના નાગરિકોને એકબીજાના દેશમાં આવવા-જવા પાસપોર્ટ કે વીઝાની જરૂર રહેતી નથી. એ ન્યાયે પૂર્ણાગિરિ સુધી આવ્યા છો તો ટનકપુરથી ફક્ત ૨૨ કિલોમીટરની દૂરી પર વિદેશની ધરતી પર બિરાજેલા સિદ્ધનાથ મહાદેવને જળ ચડાવી આવજો. યસ, ઇન્ડો-નેપાલ બૉર્ડર પર આવેલા આ સ્થાનથી બ્રહ્મદેવ રોડ પર આવેલા સિદ્ધનાથ મહાદેવ જવા રિક્ષાઓ મળે છે. કાલી નદીની પેટા નદી શારદા પર આવેલો પુલ પાસ કરવા ફક્ત આધાર કાર્ડ જોઈએ છે. સિદ્ધબાબા મંદિર તરીકે જાણીતું આ શિવાલય પૂર્ણાગિરિ જાત્રાનો અંતિમ પડાવ છે. હસીન વાદીઓની વચ્ચે આવેલા આ નેપાલી સ્ટાઇલના મંદિરનું વાતાવરણ શાંત અને નિર્મળ છે. વળી આ રૂટ પર આવતી ડૅમ સાઇટ પર્યટકને અંતરથી અને અંદરથી તરબતર કરી નાખે છે.

સો, ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના ટનકપુરથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા થુલ્લીગઢની અન્નપુર્ણા નામક ચોટી પર આ મંદિર આવેલું છે. માતાને પાયલાગણ કરવા ભાવિકોએ ૩ કિલોમીટરની ચડાઈ કરવી પડે છે પણ દેવી માતાની કૃપાથી એ જરાય કઠિન લાગતી નથી. લગભગ ૧૦૦૦ સરળ પગથિયાં અને એકાદ કિલોમીટરનું ચાલવાનું ચાલી ભક્તો જ્યારે ટોચ પર આવેલા નાના દેવળમાં પહોંચે છે ત્યારે હેતાળવી માતા દરેક ભાવિકને પ્રેમથી આલિંગન આપે છે. મંદિર બહુ નાનું છે (પર્વતની ટોચે વળી કેટલી જગ્યા હોય) અને સામાન્ય છે. વળી સિંહ ઉપર અસવાર માતાની ધાતુની મૂર્તિ પણ સિમ્પલ છે. બસ, અનમોલ છે શ્રદ્ધાળુઓની પૂર્ણાગિરિ માતા પરની શ્રદ્ધા અને એની સાબિતી છે અહીં આવેલા બાયોમેટ્રિક મશીનમાં નોંધાતી ભાવિકોની સંખ્યા. ના-ના, અહીં આવવા પ્રી-રજિસ્ટ્રેશનની જરૂર નથી, બસ વ્યક્તિની હાજરીની નોંધ લેવાય છે અને મશીન કહે છે ગયા વર્ષે એટલે ૨૦૨૫માં ૨૨ લાખથી વધુ ભક્તો એક વર્ષ દરમિયાન માઈના દરબારે આવ્યા હતા. એમાંય કુલ સંખ્યાના અડધોઅડધ ભાવિકો તો ત્રણ મહિનાના મેળા દરમિયાન આવ્યા હતા.

ગ્રામીણ ઇલાકામાં મેળાનું બહુ મહત્ત્વ હોય છે. આ વર્ષની ૨૭ ફેબ્રુઆરીએ પૂર્ણાગિરિ મેળો શરૂ થયો છે જે રાજ્યના ચીફ મિનિસ્ટર ધામીજીએ જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો છે. મેળા દરમિયાન માતાનાં દર્શનનું મહત્ત્વ તો છે જ એ ઉપરાંત આ અવધિમાં અહીં જાતજાતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલતા હોય છે. ભક્તોને એનું પણ આકર્ષણ રહે છે. હસ્તશિલ્પની હાટડીઓ, પહાડી ઊપજોનું વેચાણ, વળી પર્વતીય ફૂડ ડિશની ભરમારથી આજુબાજુના વિસ્તારના લોકલ્સ ઈવન ટૂરિસ્ટો પણ આ મહિનાઓમાં અહીં મોટી સંખ્યામાં આવે છે. એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા વાહનો, હંગામી નિવાસસ્થાનો, સૅનિટેશન માટે એક્સ્ટ્રા સુવિધાઓ પણ ઊભી કરે છે. ભીડ ન હોય તો માતાનાં દર્શનને ચડાઈ સહિત ૩થી ૪ કલાક લાગે છે અને જો ભક્તો વધુ હોય તો એકથી બે કલાક વધુ જાય છે. તળેટીથી ચડતાં બેઉ બાજુ નાની હોટેલો, ધર્મશાળાઓ તથા પ્રસાદ વેચતી દુકાનો ભક્તોનું સ્વાગત કરે છે અને મંદિરના સ્થાનથી અડધો કિલોમીટર પૂર્વેથી કેસરિયા રંગની જય માતા દી લખેલી રિબનો, ધ્વજાપતાકા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

ટનકપુર ગામનું નામ બૉલીવુડ ફિલ્મના રસિક જનોએ ચોક્કસ સાંભળ્યું હશે. ૨૦૧૫માં અન્નુ કપુર, ઓમ પુરી, સંજય મિશ્રા, રવિ કિશન આદિ કલાકારો દ્વારા અભિનીત ફિલ્મ ‘મિસ ટનકપુર હાઝિર હો` ભારે વ્યંગાત્મક મૂવી હતી. રાજસ્થાનમાં ઘટેલી સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ સાથે ઉત્તરાંચલના ટનકપુરને કોઈ લેવાદેવા નથી પરંતુ આ મૂવી પછી ટનકપુર ગામનું નામ ઝુમરી તલૈયાની જેમ ઘણી વ્યક્તિઓની જુબાન પર ચડી ગયું હતું. જોકે આપણે અહીં કઈ રીતે જવાય એની વાત કરતાં-કરતાં આડે પાટે ચડી ગયા પણ એ હકીકત છે કે દેશની ઉત્તરીય સીમા નજીક આવેલા ગામેય રેલવેના પાટા છે હોં. અહીં જવા લખનઉ, દિલ્હી, મથુરાથી ડાયરેક્ટ ટ્રેનો મળે છે. ઍન્ડ મુંબઈવાસીઓએ એ ટ્રેન જર્ની કરવી હોય તો મુંબઈથી પહેલાં ઉત્તરનાં આ મહાનગરોએ પહોંચવું પડે. અન્યથા ઉત્તરાંચલના પંતનગરે આવેલુ ઍરપોર્ટ ઝડપી ઑપ્શન છે. પંતનગરથી થુલ્લીગઢ (પુર્ણાગિરિની તળેટીનું નામ)નું અંતર ૮૦ કિલોમીટર છે જ્યાં જવા બસ, ટૅક્સી સુવિધાઓ ઉપલબ્ધ છે. અન્યથા ટનકપુર આવો તો બસ ટૅક્સી ઉપરાંત રિક્ષાઓ પણ છેક પુર્ણાગિરિના પહેલા પગથિયા સુધી પહોંચાડે છે. મોટા ભાગે યાત્રાળુઓની આખી યાત્રા એક દિવસમાં પૂરી થઈ જાય છે એટલે અહીં કોઈ રોકાતું નથી, પરંતુ જો કોઈને હિમાલય કી ગોદમાં રહેવું હોય તો અહીં ધર્મશાળાઓ છે જ્યાં રહેવા, નહાવા, રોકાવાનું ફ્રી છે. હા, ભોજન ચાર્જેબલ છે. જોકે આ ભોજન તેમ જ આ આખાય વિસ્તારમાં મળતું ભોજન એકદમ કિફાયતી છે. ટનકપુરમાં ઘણી મીડિયમ કક્ષાની હોટેલ્સ તથા રેસ્ટોરાંઓ છે.

travel travelogue travel news culture news hinduism columnists alpa nirmal