25 July, 2025 02:01 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ફિઝિકલ રિલેશન લગ્નજીવનનો પાયો છે અને એમાં પંક્ચર પડે એ પછી લગ્નજીવનને ટકાવવું અઘરું છે એવો અનુભવ એક સિનિયર ઍડ્વોકેટે શૅર કર્યો હતો. ઉંમર, અવસ્થા અને જીવનની વ્યસ્તતા વચ્ચે કપલ વચ્ચેની ઘટતી નિકટતા, એકબીજાને મળવાની તડપનો અભાવ વ્યક્તિ, તેના સંબંધો, તેનું સ્વાસ્થ્ય, પરિવારવ્યવસ્થા અને સમાજ માટે નકારાત્મક સાબિત થઈ રહ્યાં છે એવું નિષ્ણાતો માની રહ્યા છે
‘હૅરી પૉટર’ જેવી ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બ્રિટિશ ઍક્ટર અને સ્ક્રીન-રાઇટર ડેમ એમા થૉમ્પસને લંડનની નૅશનલ હેલ્થ સર્વિસને એક સલાહ આપી છે કે વ્યક્તિની હેલ્થ અને વેલબીઇંગના પ્લાનના પ્રિસ્ક્રિપ્શનમાં શારીરિક સંબંધને પણ રેકમન્ડ કરવું જોઈએ. આ ઍક્ટ્રેસનું કહેવું હતું કે જાતીય સંબંધની જરૂરિયાત નૅચરલ છે અને જો એ જરૂરિયાત પૂરી થાય તો વ્યક્તિની માનસિક હેલ્થ પણ સુધરતી હોય છે. થોડાક સમય પહેલાં મુંબઈના ફૅમિલી કોર્ટ બાર અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાની પ્રૅક્ટિસ કરતા સિનિયર ઍડ્વોકેટ સાજન ઉમણે પોતાની ચાલીસ વર્ષની પ્રૅક્ટિસના અનુભવના આધારે કહેલું કે મોટા ભાગના ડિવૉર્સ થતા અટકી શકે જો કપલ વચ્ચે પરસ્પર શારીરિક સંબંધોનાં ઇક્વેશન પર્ફેક્ટ હોય. લગ્નસંસ્થાનો ઉદ્ભવ થયો એમાં ફિઝિકલી પતિ-પત્ની એકબીજાને સંતુષ્ટ કરે એ એનો પાયો હતો. આજે વિવિધ કારણોસર આ પાયો ડગમગ્યો છે અને એટલે જ આજે સંબંધોમાં તિરાડના કિસ્સાઓ વધી રહ્યા છે.
આ વિષય થોડોક સામાજિક ઢાંચાની દૃષ્ટિએ જાહેરમાં ચર્ચવાનું હંમેશાં ઑક્વર્ડ રહ્યું છે. જે ભારત દેશમાં વાત્સ્યાયન જેવા ઋષિ થયા અને કામશાસ્ત્ર જેવું શાસ્ત્ર રચાયું હોય, જે દેશમાં વ્યક્તિના જીવનની આ શારીરિક જરૂરિયાતને કલાના માધ્યમે અકલ્પનીય રીતે રજૂ કરતી ગુફાઓમાં અકલ્પનીય કહેવાય એવાં શિલ્પો રચાયાં એ દેશમાં પરિવારો તો ઠીક પણ કપલ પોતે એકબીજા સાથે આજેય ફેસ-ટુ-ફેસ પોતાના જીવનની આ જરૂરિયાત વિશે ખૂલીને વાત કરતાં ખચકાય છે. સંબંધોમાં ઇન્ટિમસીની જરૂરિયાત અને એ દિશામાં કપલ વચ્ચેનું કમ્યુનિકેશન કેમ મહત્ત્વનું છે એ વિષય પર ચર્ચા કરીએ.
માનસિક સ્થિતિ
મુલુંડના અગ્રણી સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. રિદ્ધીશ મારુએ કહેલા એક કિસ્સાથી વાતની શરૂઆત કરીએ. મલાડમાં રહેતા એક કપલનાં લગ્નને પોણાત્રણ વર્ષ થયાં હતાં અને પરિવાર તરફથી હવે બાળક કરવાનું પ્રેશર શરૂ થયું, પરંતુ કપલની મૂંઝવણ એ હતી કે તેમની વચ્ચે હજી કોઈ પણ પ્રકારની ઘનિષ્ઠતાનું નિર્માણ જ નહોતું થયું. ડૉ. રિદ્ધીશ વાતને આગળ વધારતાં કહે છે, ‘શરૂઆતમાં પતિએ પહેલ કરી પરંતુ કોઈ પણ કારણથી પત્ની સહયોગ નહોતી આપતી. તેમની વચ્ચે નૉર્મલ એકબીજાનો હાથ પકડવાની પણ શરૂઆત નહોતી થઈ. પતિ અંદરોઅંદર ગૂંગળાતો હતો. પત્ની એ વિષય પર કંઈ બોલવા તૈયાર નહોતી. તેમની વચ્ચે સાથે રહેતાં હોવા છતાં શારીરિક જ નહીં પણ માનસિક અંતર વધી ગયું હતું. બન્નેએ પોતપોતાની મરજીથી અને એકબીજાને પસંદ કરીને લગ્ન કર્યાં હતાં. બાકી બધી રીતે પતિના પડખે રહેતી પત્ની શારીરિક સંબંધની વાત આવે ત્યાં અંતર કેળવી લેતી. શું કામ એનો તેની પાસે ત્યારે કોઈ જવાબ નહોતો. પતિનું ફ્રસ્ટ્રેશન શરૂઆતમાં વધ્યું પણ પછી તેણે ઍક્સેપ્ટ કરી લીધું. તેણે વિવિધ પૉર્નસાઇટ પરથી પોતાનું સૅટિસ્ફૅક્શન મૅસ્ટરબેશન થકી મેળવી લીધું. પરિવારની દૃષ્ટિએ બધું જ તેમની વચ્ચે નૉર્મલ હતું. જોકે જ્યારે બાળક માટે આગ્રહ થયો અને કોઈએ સરખો જવાબ ન આપ્યો એટલે પારિવારિક મીટિંગ થઈ એમાં બન્નેએ કહ્યું કે અમારી વચ્ચે કોઈ સંબંધ જ નથી. છેલ્લે કેસ મારી પાસે આવ્યો. પહેલાં પ્રયાસ કરનારા પતિનું મન જ પત્ની પરથી ઊઠી ગયું હતું. પત્નીને જોઈને તેને કોઈ પણ પ્રકારની હવે ફીલિંગ જ નહોતી જન્મતી. બન્નેનું સાથે અને બન્નેનું અલગ-અલગ કાઉન્સેલિંગ કર્યું. પત્ની પાસેથી ખબર પડી કે તેને તેની ફ્રેન્ડ પાસેથી ખબર પડેલી કે ઇન્ટરકોર્સ વખતે જીવ નીકળી જાય એવું દુખે એટલે તેણે એ દિશામાં વાત આગળ જ ન વધે એનું ધ્યાન રાખ્યું. જોકે ધીમે-ધીમે તેને સમજણ પડી અને તે પોતે તૈયાર થઈ ત્યાં સુધી પતિનું તેના તરફથી આકર્ષણ સમાપ્ત થઈ ગયું હતું. સારી વાત એ હતી કે બન્ને હજી ડિવૉર્સ માટે તૈયાર નહોતાં. બન્ને સૉલ્યુશન મેળવવા માટે તૈયાર હતાં. કેટલીક થેરપી, કાઉન્સેલિંગ અને દવાઓ થકી એ કપલ વચ્ચે પતિ-પત્નીવાળો બૉન્ડ તૈયાર કરવામાં અમને સફળતા મળી છે.’
બહુ સામાન્ય બનતું જાય છે
કપલ વચ્ચે શારીરિક સંબંધોમાં આવી રહેલી ઓટ હવે કૉમન પ્રૉબ્લેમ છે એમ જણાવીને ડૉ. રિદ્ધીશ મારુ કહે છે, ‘લગ્નમાં શારીરિક સંબંધ મહત્ત્વનો પાયો છે અને એને ગૌણ કરો ત્યારે એ સંબંધોમાં અને તેમની સાથે જોડાયેલા પરિવારોમાં પણ ડિસ્ટર્બન્સ આવતું હોય છે. પતિ અને પત્ની બન્નેની શારીરિક જરૂરિયાત મહત્ત્વની છે. આપણે ત્યાં નાની ઉંમરમાં થતાં લગ્ન પાછળની પરંપરા એ જ હતી કે વ્યક્તિમાં એ પ્રકારનાં હૉર્મોન્સ જનરેટ થવાનું શરૂ થાય, તેને સેક્સ્યુઅલ નીડ જન્મે ત્યારે તે શારીરિક અને માનસિક રીતે જેની સાથે એ સંબંધોમાં આગળ વધી શકવા માટે ફ્રી છે એ તેની પાસે હોય. બધા જ જાણે છે કે બાળકનો જન્મ થાય એની પાછળ શું પ્રોસેસ હોય છે. કપલ બંધબારણે શું કરે છે એ બોલાતું નથી પરંતુ તેની જરૂરિયાતમાં કાપ આવે ત્યારે એ બોલાય એ પણ જરૂરી છે. સેક્સ્યુઅલ ઇન્ટિમસી કપલ વચ્ચેના બૉન્ડને સ્ટ્રૉન્ગ કરવા માટે ખૂબ ઉપયોગી છે. ઍટ્રૅક્શન, લાઇકિંગ, લવ અને લસ્ટ એ બધું જ સંબંધોમાં જરૂરી છે. લગ્ન એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. ત્યાં તમને બધું જ મળે. કપલ વચ્ચે મૈત્રી શૅર થાય, આર્થિક જરૂરિયાતો શૅર થાય, ઘરની જવાબદારી શૅર થાય, ઇમોશન્સ શૅર થાય એમ શારીરિક પ્લેઝર પણ શૅર થાય. જેમ ભૂખ લાગે અને ભોજન લે, તરસ લાગે એમ પાણી પીએ એમ સેક્સ પણ પ્રાકૃતિક જરૂરિયાત છે. હૉર્મોન્સ ત્યાં પોતાનું કામ કરી રહ્યાં છે. એમાં કપલ વચ્ચે એકબીજાની એ જરૂરિયાત પૂરી કરવાની મોકળાશ પણ હોવી જ જોઈએ. જો ઘરમાં એ ફુલફિલ નહીં થાય તો એ પાત્ર બહાર એને પરિપૂર્ણ કરવાના પ્રયાસ કરશે. આ રીતે અંતર વધશે.’
ડૉ. રિદ્ધીશ મારુ, સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ
જજે પૂછ્યો સવાલ
ઍડ્વોકેટ સાજન ઉમણ જજે આપેલી એક કમેન્ટ વિશે વાત કરતાં કહે છે, ‘એક કેસ હતો મારી પાસે જેમાં હસબન્ડે વિટનેસ-બૉક્સમાં ઊભા-ઊભા જજ સામે જ કહ્યું કે આની સેક્સ્યુઅલ ડિઝાયર ખૂબ વધારે છે. આ બોલતી વખતે તેના ટોનમાં તુચ્છતા હતી. જજે એ સમયે એ પતિને પૂછ્યું કે તારી પત્ની તારી પાસે પોતાની ઇચ્છાઓ શૅર નહીં કરે તો શું ક્યાંય બીજે જઈને કરે? અત્યાર સુધીમાં મેં જોયું છે કે અનસૅટિસ્ફાઇડ ફિઝિકલ રિલેશનશિપને કારણે એક્સ્ટ્રા-મૅરિટલ અફેર તરફ સ્ત્રી અને પુરુષો ખેંચાયાં હોય અને એ જ તેમના ડિવૉર્સનું કારણ હોય. લગ્નમાં ફાઇનૅન્શિયલ સિક્યૉરિટી અને ઇમોશનલ સિક્યૉરિટીની જેમ સેક્સ્યુઅલ સિક્યૉરિટી પણ મહત્ત્વનું પાસું છે. ઇન ફૅક્ટ, હું તો ત્યાં સુધી જોઈ ચૂક્યો છું કે ફિઝિકલી બન્ને એકબીજાથી સૅટિસ્ફાઇડ હોય તો બાકી બધી બાબતોમાં તેઓ સરળતાથી ઍડ્જસ્ટ કરી લેતાં હોય છે.’
સાજન ઉમણ, ઍડ્વોકેટ
ભોગ અને ત્યાગ
ઉંમરના એક તબક્કે જ્યારે સ્ત્રીઓ મેનોપૉઝ ક્રૉસ કરી ગઈ હોય ત્યારે તેમનું ધ્યાન સંતાનોનાં સંતાનો મોટાં કરવામાં અને ધર્મધ્યાનમાં હોય, પરંતુ એ સમયે પુરુષની સ્થિતિ જુદી હોય છે. એ સમયે પુરુષ નિવૃત્ત થઈને હવે લાઇફને ફરી એન્જૉય કરવા માગે છે, પરંતુ પત્નીનો તેને સપોર્ટ નથી મળતો. ડૉ રિદ્ધીશ કહે છે, ‘લગભગ પચાસ વર્ષ પછી આવા કેસિસ આવતા હોય છે અને તેમની સ્થિતિ ખૂબ પેચીદી હોય છે. આજે મિડલ-એજ અફેર્સ વધી રહ્યાં છે. કપલ એકબીજાની જરૂરિયાતને સમજીને આગળ વધે. તમારા પાર્ટનરની શારીરિક જરૂરિયાત પૂરી કરવી એ તમારો ધર્મ છે અને એમાં તમારું ઇન્વૉલ્વમેન્ટ મહત્ત્વનું છે. એમાં તમારો પ્રેમ અને હૂંફ ઝળકવાં જોઈએ. જવાબદારી તરીકે નહીં પરંતુ એન્જૉય કરવાની દૃિષ્ટએ. તમે ધાર્મિક ક્રિયાઓમાં રત હો અને બીજી બાજુ તમારો પાર્ટનર માનસિક પરિતાપ સહન કરતો હોય અને તમારા સિવાય કોઈ એને દૂર ન કરી શકવાનું હોય તો તમારી પહેલી ફરજ છે કે તમારા ઘરમાં રહેતા તમારા એ જીવંત ભગવાનને ખુશ કરો.’
યાદ રહે આ ત્રણ ગોલ્ડન રૂલ્સ
કમ્યુનિકેશન કરો : તમારી અન્ય જરૂરિયાતની જેમ શારીરિક જરૂરિયાત વિશે પણ તમારા પાર્ટનર સાથે ચર્ચા કરો. તમારી વચ્ચે બધી જ વાતો થવી જોઈએ. ઘરપરિવારની જેમ અંગત પળોની વાતો પણ એ સંબંધને વધુ લાઇવ બનાવશે.
એકબીજાની જરૂરિયાતને સમજો : તમને શું ગમે છે, સામેવાળાને શું ગમે છે, શું નથી ગમતું એની ચર્ચા કરો. હાઇજીનનો પ્રશ્ન છે, પાર્ટનરના મોઢામાંથી વાસ આવે છે, અમુક પોઝિશન પેઇનફુલ છે, અમુક સમય તમને નથી ગમતો તો એની વાત કપલ એકબીજા સાથે કરે એ જરૂરી છે. અંગત સંબંધોમાં યાદ રાખજો, ગિવિંગ પ્લેઝર ગિવ્સ ધ પ્લેઝરનો ફન્ડા કામ કરે છે. એટલે કે તમે સામેવાળાને આનંદ આપો, તમને એમાં જ આનંદ મળી જશે.
સમય આપો : એકબીજાને સમય આપી શકાય એવું રૂટીન બનાવો. અંગત સંબંધો માટે ફોરપ્લે, આફ્ટરપ્લે વગેરે મહત્ત્વના છે. સમય આપીને ક્વૉલિટી ટાઇમ સાથે આ અંતરંગ પળોને માણો.