હસબન્ડને સેક્સમાં ઇન્ટરેસ્ટ નથી એનું શું કારણ હોઈ શકે?

04 July, 2023 04:59 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઘણી વાર પાર્ટનરની કોઈ ક્રિયા વ્યક્તિને ગમતી ન હોય અથવા રોજ એક જ જાતની ક્રિયાથી માણસ કંટાળી ગયો હોય તો પણ તેની કામશક્તિ મંદ પડી શકે છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મૅરેજને અઢી વર્ષ થયાં છે, પણ હસબન્ડને સેક્સ પ્રત્યે જરા પણ રસ ન હોય એવું લાગી રહ્યું છે. શરૂઆતમાં તેઓ ઇન્ટરેસ્ટેડ હતા, પણ પછી એ દિશામાંથી બિલકુલ નીકળી ગઈ હોય એવું લાગવા માંડ્યું. હવે તો મહિનામાં એકાદ વાર પણ માંડ તે નજીક આવે છે. મેં બાકીની બધી રીતે તો તપાસ કરી લીધી છે કે તેમને બીજે ક્યાંય અફેર નથી કે પછી તેમને બિઝનેસનું પણ કોઈ સ્ટ્રેસ નથી. પ્રોફેશનલી પણ પ્રોગ્રેસ ખૂબ સારો છે. એ પછી પણ તેમને આ તકલીફ છે. કહેવાનો અર્થ એ કે આ જે કોઈ પ્રૉબ્લેમ છે એ ફિઝિકલ છે. આનો કોઈ ઉપાય ખરો? બોરીવલી 

 સેક્સ પ્રત્યે અરુચિ એટલે કામેચ્છાની ઊણપ. એ માટે ઘણાં કારણો હોઈ શકે છે. ટેક્નિકલી વાતને સમજાવું. અંડકોશમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનાં હૉર્મોન્સ જન્મે છે, જે લિવરમાં જઈને શરીરનાં બીજાં કેન્દ્રોમાં કામેચ્છાને જન્મ આપવાનું કામ કરે છે. જો અંડકોશ કે લિવરમાં કોઈ તક્લીફ હોય તો એ તકલીફને લીધે કામેચ્છામાં ઊણપ આવી શકે. માનસિક તાણ એટલે કે ડિપ્રેશનથી કામેચ્છામાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. જરૂરી નથી કે દરેક વખતે સ્ટ્રેસ બિઝનેસનું જ હોય. ઘરનું વાતાવરણ પણ માણસમાં સ્ટ્રેસ જન્માવી શકે અને સાસરા પક્ષ સાથે ચાલતા નાના-મોટા દેખાય નહીં એવા તંગ સંબંધો પણ સ્ટ્રેસનું કામ કરે. ઘણી વાર પાર્ટનરની કોઈ ક્રિયા વ્યક્તિને ગમતી ન હોય અથવા રોજ એક જ જાતની ક્રિયાથી માણસ કંટાળી ગયો હોય તો પણ તેની કામશક્તિ મંદ પડી શકે છે. 
કોઈ વાર એવું પણ બને કે પુરુષ અમુક પ્રકારની બ્લડ-પ્રેશરની કે બીજી મેડિસિન લેતો હોય તો પણ એની આડઅસર સીધી કામેચ્છા પર દેખાય અને એ અસર મંદ પડવા માંડે. કહેવાનો મતલબ એટલો જ કે આના મૂળ સુધી ઊતરવું પડે અને એ કારણ જાણવું પડે જેના આધારે ખબર પડે કે તમારા પતિને કયું કારણ વધારે બંધબેસતું છે. એ જાણ્યા પછી જ એનો ઉપચાર શક્ય છે. હા, ઉપચાર છે, છે અને છે જ એટલે એ બાબતમાં જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. સેક્સની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. છેલ્લા શ્વાસ સુધી માણસમાં કામેચ્છા જાગૃત હોય છે એટલે તમે આ બાબતમાં જેટલું ઝડપથી કારણ જાણી શકશો એટલા ઝડપથી ચિંતામુક્ત થઈ શકશો.

columnists sex and relationships life and style health tips