midday

દરેક વિષય પર બોલીને અક્કલનું પ્રદર્શન કરવા કરતાં મૂંગા રહેવું સારું

14 April, 2025 02:21 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એવું કોઈ નુકસાન પુરુષોને પણ નથી થતું કે મહિલાઓેને પણ નથી થતું. સેક્સોલૉજીમાં મૅસ્ટરબેશનને નિર્દોષ આનંદ દર્શાવવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારો જે વિષય છે એ વિષયને બદલે હું સ્પોર્ટ્સ પર કે જ્યોતિષશાસ્ત્ર પર વાત કરવા માંડું તો કેવી હાલત થાય? મારી તો ઠીક, એ સાંભળનારાઓ કેવી કફોડી પરિસ્થિતિમાં મુકાય. આવું હમણાં મારી સાથે થયું. બન્યું એવું કે હમણાં અનાયાસ એક વિડિયો જોયો. જ્યોતિષશાસ્ત્રની વાત કરતા આ વિડિયોમાં એક યંગ જ્યોતિષી હતા જે સોશ્યલ મીડિયા પર બહુ જોવા મળે છે. બૉલીવુડ અને બિઝનેસ ઇન્ડસ્ટ્રીની જાણીતી સેલિબ્રિટીઓ તેમની રેગ્યુલર ક્લાયન્ટ્સ છે અને તેમની સલાહ લે છે. જ્યોતિષીનો જે વિડિયો મારા હાથમાં આવ્યો એ જોઈને મને ખરેખર બહુ દુઃખ થયું. પાંત્રીસેક વર્ષના એ જ્યોતિષી વિડિયોમાં નિઃસંતાન દંપતીઓને સલાહ આપતા હતા કે ૪૫ દિવસ બ્રહ્મચર્ય પાળ્યા પછી ફિઝિકલ રિલેશન બાંધો તો અચૂક બાળક થાય, કારણ કે ૪પ દિવસમાં પુરુષના સ્પર્મકાઉન્ટ વધી જાય. મહાશય પોતાના વિડિયોમાં એવું પણ કહેતા હતા કે યુવાનીમાં નિયમિત મૅસ્ટરબેશન કરતા પુરુષના સ્પર્મકાઉન્ટ ઓછા હોવાથી તેમને બાળકો નથી થતાં. તેમના એ વાહિયાત જ્ઞાનને જોયા પછી ક્યુરિયોસિટી સાથે એ વિડિયોનું રૂટ શોધતો આગળ વધ્યો તો ખબર પડી કે એ વિડિયો યુટ્યુબ પર છે જેની લાઇક લાખોમાં હતી.

મનમાં પ્રશ્ન થાય કે આ પ્રકારની અવૈજ્ઞાનિક વાતોના પ્રચાર બદલ આ જ્યોતિષીની અરેસ્ટ કરાવવી કે પછી જે અબુધો આ વિડિયો જુએ છે તેમની આ પ્રકારની માનસિકતા માટે તેમને ઠપકારવા? મૅસ્ટરબેશન નુક્સાનકર્તા છે, એને કારણે સ્પર્મકાઉન્ટ ઘટે છે, મૅસ્ટરબેશનને લીધે નબળાઈ આવી જાય છે, મૅસ્ટરબેશનને કારણે પેનિસના શેપ અને સાઇઝમાં પ્રૉબ્લેમ આવે છે એ પ્રકારના સવાલોના જવાબ જ્યારથી સેક્સોલૉજિસ્ટ બન્યો ત્યારથી આપતો આવ્યો છું. આ એકદમ ખોટી અને વાહિયાત વાત છે. એવું કશું થતું નથી. મૅસ્ટરબેશનથી ક્યારેય કોઈ નુકસાન થતું નથી, પણ આપણે ત્યાં આ પ્રકારની ભ્રમણા કાં તો ઊંટવૈદ્યો અને ઘોડાડૉક્ટરો અકબંધ રાખે છે અને કાં તો માણસ પોતે. થોડા સમય પહેલાં મને એક છોકરીએ પૂછ્યું હતું કે મૅસ્ટરબેશનથી પુરુષોને નુકસાન થાય એટલું જ નુકસાન મહિલાઓને પણ થાય?

એવું કોઈ નુકસાન પુરુષોને પણ નથી થતું કે મહિલાઓેને પણ નથી થતું. સેક્સોલૉજીમાં મૅસ્ટરબેશનને નિર્દોષ આનંદ દર્શાવવામાં આવ્યો છે. અરે, મનમાં સતત ચાલતી વિકૃતિના વિચારોને લગામ આપવાનું અને ઇચ્છાઓને સંયમિત બનાવવાનું કામ પણ એના દ્વારા થઈ શકે છે તો પછી શું કામ એ પ્રવૃત્તિને આટલી હીનતા સાથે જોવી કે દર્શાવવી?

sex and relationships relationships health tips mumbai life and style indian mythology technology news columnists gujarati mid-day