લગ્નને હજી એક વર્ષ થયું છે અને બાળક માટે હાલ કોઈ પ્લાન નથી

22 March, 2022 09:01 PM IST  |  મુંબઈ | Gujarati Mid-day Correspondent

લગ્નને હજી એક વર્ષ થયું છે અને બાળક માટે હાલ કોઈ પ્લાન નથી

પ્રતીકાત્મક તસવીર

સવાલ :  મારી ઉંમર ૨૪ વર્ષ છે અને લગ્નને હજી એક જ વર્ષ થયું છે. અમે હજી એકાદ વર્ષ માટે બાળક પ્લાન કરવા નથી ઇચ્છતાં, પરંતુ કૉન્ટ્રાસેપ્શન માટે શું વાપરવું એ બાબતે અમારી વચ્ચે મતભેદ થયા કરે છે. મારા હસબન્ડને કૉન્ડોમને કારણે ડાયરેક્ટ સ્પર્શનો આનંદ નથી મળતો. હું ઘણી ના પાડું છતાં તેઓ કૉન્ડોમ વિના જ સંબંધ કરે અને પછી વીર્યસ્ખલન બહાર કરી દે છે. હજી સુધી પ્રેગ્નન્સી નથી રહી, પણ મનમાં સતત ઉચાટ રહ્યા કરે છે. શું આ પદ્ધતિ સેફ છે? વીર્યવાળો રૂમાલ સાફ કરીને ફરીથી એનો એ જ વાપરી શકાય? એનાથી કોઈ ઇન્ફેક્શન તો ન ફેલાયને? હું વિચારું છું કે કૉપર-ટી પહેરી લઉં તો ઉચાટ તો ઘટે. ઓરલ ગોળીઓ લેવાથી પછી જ્યારે બાળક કરવું હોય ત્યારે તકલીફ પડે ખરી?

જવાબ: વીર્યસ્ખલન બહાર કરવાની પદ્ધતિને પુલ-આઉટ મેથડ કહેવાય છે. પહેલાંના જમાનામાં જ્યારે કૉન્ડોમ કે ગર્ભનિરોધ ગોળીઓની શોધ નહોતી ત્યારે મોટા ભાગના લોકો આ જ પદ્ધતિનો ઉપયોગ કરતા. આ પદ્ધતિ પ્રેગ્નન્સીની બાબતમાં ૧૦૦ ટકા સેફ એ વખતે પણ નહોતી અને આજેય નથી. ઘણી વખત વીર્યસ્ખલન થાય એ પહેલાં વ્યક્તિની જાણ બહાર એક-બે ટીપાં વીર્યનાં નીકળી જાય અને યોનિમાર્ગમાં જતાં રહે તો એનાથી પ્રેગ્નન્સી રહી શકે છે. જ્યારે તમે એક વર્ષ માટે ફૅમિલી પ્લાનિંગ કરવા નથી માગતાં ત્યારે પુલ-આઉટ મેથડથી આ બાબતે ટેન્શન તો રહેશે જ. બીજું, જ્યાં સુધી બાળકો ન થયાં હોય ત્યાં સુધી કૉપર-ટી એટલે કે કૉન્ટ્રાસેપ્ટિવ આંકડી બેસાડવાનું યોગ્ય નથી. કેમ કે ઘણી વાર કેટલીક મહિલાઓને એ સદતી નથી અને એને કારણે ઇન્ફેક્શન થાય છે જે આંતરિક અવયવોને પણ કદાચ અસર કરી શકે. મોટા ભાગે બાળકો થઈ ગયા પછી જ કૉપર-ટીને કૉન્ટ્રાસેપ્ટિવ વિકલ્પ તરીકે વાપરવી હિતાવહ છે.

આ પણ વાંચો : મારો લગ્નજીવનમાંથી રસ ઊડી ગયો છે એટલે હવે છૂટાં પડવું છે, પણ કોઈ વાત માનવા તૈયાર નથી

ગર્ભધારણ અવૉઇડ કરવા માટે કૉન્ડોમ જેવો સુરક્ષિત અને ચોક્કસાઈભર્યો વિકલ્પ બીજો કોઈ નથી. ખાસ કરીને માસિક પિરિયડની સાઇકલના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમ્યાન કૉન્ડોમનો ઉપયોગ મસ્ટ છે. એમ છતાં જો પતિ ન માને તો આ બાબતે નચિંત થવા માટે તમારે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. એનાથી તમે પ્રેગ્નન્સીની ચિંતા વિના મુક્તપણે સંબંધ એન્જૉય કરી શકશો.

sex and relationships life and style