મારો લગ્નજીવનમાંથી રસ ઊડી ગયો છે એટલે હવે છૂટાં પડવું છે, પણ કોઈ વાત માનવા તૈયાર નથી

Published: Nov 01, 2019, 15:44 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

મારાં લગ્નને ૧૨ વર્ષ થયાં છે અને મને લાગે છે કે હવે આ બહુ ઝાઝું નહીં ટકે. હું આ ઘરમાં બહુ જ સોરવાઉં છું. મેં નક્કી કરી લીધું છે કે હવે મારે અહીંથી છૂટવું છે, પણ જ્યારે પણ છૂટાં પડવાની વાત કરું છું ત્યારે...

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્નને ૧૨ વર્ષ થયાં છે અને મને લાગે છે કે હવે આ બહુ ઝાઝું નહીં ટકે. હું આ ઘરમાં બહુ જ સોરવાઉં છું. મેં નક્કી કરી લીધું છે કે હવે મારે અહીંથી છૂટવું છે, પણ જ્યારે પણ છૂટાં પડવાની વાત કરું છું ત્યારે સાસુ-સસરાથી માંડીને મમ્મી-પપ્પા બધાં જ વિરોધમાં ઊભાં થઈ જાય છે. થોડો સમય બધાં બહુ જ કાળજી રાખે છે અને પછી લગ્ન ન તોડવાં જોઈએ એ વિશે લાંબું લેક્ચર પણ આપે છે. હવે તો હું એટલી કંટાળી ગઈ છું કે મારે છૂટા પડવું છે એ વિશે કોઈને કહેવાની હિંમત પણ નથી થતી. મારા હસબન્ડ સાથેના સંબંધો લગભગ નહીં જેવા છે. તેમને ફરિયાદ કરું તો કહે છે કે તને જે ઠીક લાગે એ કર. વર્ષે એક ફૉરેન વેકેશન અને એક લોકલ વેકેશન એમ બે વાર અમે સપરિવાર જઈએ. તેમને એમ લાગે છે કે એ આપણે ક્વૉલિટી ટાઇમ જ સ્પેન્ડ કર્યો છેને? મને આ લગ્નમાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે એની તેમને કંઈ પડી જ નથી. પતિને કહું કે મારે ડિવૉર્સ લેવા છે તો વાત હસી કાઢે છે. મને ક્યાંય મન નહોતું લાગતું એટલે એક મહિના માટે પિયર રહેવા જતી રહેલી. ત્રીજા ધોરણમાં ભણતા દીકરાની સ્કૂલ ચાલુ હતી એટલે તે પણ અહીં જ હતો. એક મહિનો હું નહોતી તો દીકરાએ પણ મને મિસ નહોતી કરી. આ સમય દરમ્યાન મેં બહુ વિચાર્યું, પણ મને આ લગ્નમાં કોઈ સાર લાગતો જ નથી. મારે એમાંથી છૂટવું છે અને કોઈનીયે સાથે આ બાબતે વાત કરવાની મારી હિંમત નથી. લગ્ન ન તોડવાની ડાહી-ડાહી વાતો સાંભળીને હું કંટાળી ગઈ છું.

જવાબ : હું જરાય એવા મતની નથી કે કોઈ પણ ભોગે લગ્નસંબંધ જાળવી જ લેવાનો હોય. એમ છતાં તમે છૂટાં પડવા માટેનું કોઈ જ સ્પષ્ટ કે અસ્પષ્ટ કારણ આપી નથી શકતાં એટલે મને સમજાતું નથી કે તમારે છૂટાં કેમ થવું છે?

તમારા વર્ણન પરથી લાગે છે કે તમને જીવનમાં રસ જેવું રહ્યું નથી. તમને ક્યાંય મન લાગતું નથી. કશું જ કરવાની ઇચ્છા નથી થતી. તમને એવું લાગે છે કે તમારી આ નિરસતાનું કારણ તમારાં આ લગ્ન જ છે. બરાબરને? પણ મને એ નથી સમજાતું કે તમને લગ્નજીવનમાં દુઃખ શું છે?

બહેન, તમને ત્રીજા ધોરણમાં ભણતો દીકરો છે એટલે ધારી લઉં છું કે તમારી ઉંમર ૩૦-૩૨ વર્ષથી તો મોટી હશે જ. આ ઉંમરે ઍટ લીસ્ટ તમને પોતાની ફીલિંગ્સ શું છે અને કેમ છે એટલું સ્પષ્ટ કરતાં તો આવડવું જ જોઈએ. બધા તમારી સાથે શું કરે છે એવું તમે વિચાર્યા કરો છો, પણ શું ક્યારેય તમે તમારે શું કરવું છે અને તમે બીજા સાથે કેવું વર્તન કરો છો એ વિશે વિચાર્યું છે? ન વિચાર્યું હોય તો રોજ રાતે ડાયરીમાં બેસીને લિસ્ટ બનાવો. લોકો તમારી કાળજી રાખે એવી અપેક્ષામાં રાચવાની હવે તમારી ઉંમર નથી. જાતે એ અપેક્ષામાંથી બહાર ન આવી શકાતું હોય તો સાઇકોલૉજિકલ કાઉન્સેલર પાસે જઈને મન હળવું કરો. બની શકે કે તમે ડિપ્રેશનમાં હો એને કારણે આખી દુનિયા નિરસ લાગતી હોય. તમારા મનને સ્વસ્થ કરવા માટે છ-આઠ મહિનાનો સમય આપો. તમે જાત માટે સારું ફીલ કરતાં થાઓ એ પછીથી નક્કી કરજો કે તમારે લગ્નજીવનનું શું કરવું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK