મૅસ્ટરબેશનને કારણે નપુંસકતા આવી જાય ખરી?

18 March, 2024 07:18 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હસ્તમૈથુન વિશેનો માનસિક સ્વસ્થ અભિગમ કેળવશો તો શારીરિક સમસ્યા સરળતા સાથે સૉલ્વ થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૧ વર્ષ છે. કામસર મારે મહિનાના લગભગ પંદરેક દિવસ બહારગામ રહેવાનું થાય છે. એવા સમયે હસ્તમૈથુનનો જ સહારો હોય છે. મેં જોયું છે કે મારી વાઇફ સાથે હું સમાગમ કરું છું ત્યારે બધું નૉર્મલ હોય છે. મારી પત્નીને સમાગમ માટે તૈયાર થતાં વાર લાગતી હોવાથી ફોરપ્લેનો આનંદ માણું છું, પણ હસ્તમૈથુન વખતે ખૂબ ઝડપથી વીર્યસ્ખલન થઈ જાય છે. ઇન્ટરકોર્સ કરતાં ઑલમોસ્ટ અડધા જ સમયમાં ચરમસીમા આવી જાય છે. પાછો સંભોગ કરું ત્યારે નૉર્મલ થઈ જાઉં છું. મારી વાઇફને નથી ગમતું કે હું હસ્તમૈથુન કરું. તેને લાગે છે કે હું એમ કરીને મારી શક્તિ ઘટાડી રહ્યો છું. મારે એટલું જ જાણવું છે કે મૅસ્ટરબેશનને કારણે નપુંસકતા આવે અથવા તો શીઘ્રસ્ખલનની સમસ્યામાં વધારો થાય ખરો? મને મૅસ્ટરબેશનમાં આનંદ આવે છે એ વાત પણ હું સ્વીકારીશ. 
માટુંગા

 કેટલાક લોકોને હસ્તમૈથુન વખતે સમાગમ કરતાં વધુ ઉત્તેજના અનુભવાતી હોય છે. મતલબ કે હકીકત કરતાં કલ્પનાથી તેઓ વધુ ઉત્તેજિત થતા હોય છે. આમાં કશું જ ખોટું નથી. તમે જ્યારે પણ સમાગમ કરો છો ત્યારે પૂરતો આનંદ મેળવી શકો છો એ બતાવે છે કે તમને કોઈ શારીરિક તકલીફ નથી. શીઘ્રસ્ખલનનું કારણ તમારી ઇન્દ્રિયની ત્વચા અતિ સંવેદનશીલ થઈ હોય એ પણ હોઈ શકે. વળી વ્યક્તિ પોતાને ગમતા હોય એવા સ્ટ્રોક્સ લગાવીને સરળતાથી ચરમસીમા પર પહોંચે છે. તમે સ્ટાર્ટ ઍન્ડ સ્ટૉપ ટેક્નિક વાપરીને સ્ખલનને લંબાવવાનો પ્રયોગ કરી શકો છો. બીજી અને મોટી શક્યતા મને એ લાગે છે કે તમારી પત્નીનું હસ્તમૈથુન માટેનું વલણ. હસ્તમૈથુન કરીને તમે શક્તિનો વ્યય કરીને નપુંસકતા નોતરી રહ્યા છો એવી માન્યતા તમારા મનમાં ઍન્ગ્ઝાયટી પેદા કરતી હોય અને એને કારણે શીઘ્રસ્ખલન થતું હોઈ શકે. જ્યારે તમને અંદરથી એવું લાગતું હોય કે મારે આ કામ ન કરવું જોઈએ અને એમ કરવાથી તમને કંઈક નુકસાન થશે એવી ફીલિંગને કારણે ચિંતા, વ્યગ્રતા વધી જાય છે. આવી માનસિક અવસ્થાને કારણે પણ શીઘ્રસ્ખલન થઈ શકે છે. હસ્તમૈથુન વિશેનો માનસિક સ્વસ્થ અભિગમ કેળવશો તો શારીરિક સમસ્યા સરળતા સાથે સૉલ્વ થઈ જશે.

columnists life and style sex and relationships