૪પમા વર્ષે માંડ બાળક આવ્યું અને હવે વાઇફને સેક્સમાં રુચિ જ નથી

19 April, 2023 05:03 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાદું કોપરેલ તેલ લઈને ઇન્દ્રિયને રમાડશો તો સુંવાળપ અનુભવાશે, ઘર્ષણ નહીં થાય અને હસ્તમૈથુનનો આનંદ પણ વધશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્નને ૨૧ વર્ષ થઈ ગયાં છે. કેટલીયે માનતાઓ અને ટ્રીટમેન્ટ પછી બે વર્ષ પહેલાં ઘરે બાળકનો જન્મ થયો, પણ એ પછી સેક્સલાઇફ ખોરવાઈ ગઈ છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ અમારે ખૂબ કાળજી રાખવી પડેલી અને હવે તો બાળક પાંચ મહિનાનું થઈ ગયું છે છતાં વાઇફ ક્યારેક જ સમાગમ માટે તૈયાર થાય છે. આટલાં વર્ષોમાં ક્યારેય હસ્તમૈથુન કરવાની જરૂર નહોતી પડી, પણ હવે કરું છું. મારી સમસ્યા એ છે કે આમ કરવાને કારણે ઇન્દ્રિય પર ચાંદાં પડી જાય છે અને ઉપરની ચામડી ખેંચાય છે. એને કારણે હવે પત્ની સાથ ન આપે ત્યારે હસ્તમૈથુન કરતાં ડર લાગે છે. હસ્તમૈથુન વખતે લાલાશ અને ઘર્ષણ ઓછું થાય એ માટે શું કરવું?  ઘાટકોપર

ડિલિવરી પછી થોડોક સમય હૉર્મોનલ અસંતુલનને કારણે સેક્સની ઇચ્છા ઘટી જાય એવું બની શકે છે. આવા સમયે પત્ની પર અકળાવાને બદલે પ્રેમ, હૂંફ અને સમજાવટથી કામ લેવાની જરૂર છે. તેની કામેચ્છા ઘટી ગઈ છે એની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. નાનકડા બાળકની સંભાળ રાખવામાં થાક લાગતો હોય, યોનિપ્રવેશ દરમ્યાન તકલીફ થતી હોય તો પણ એની અકળામણ સેક્સ પર નીકળી શકે છે તો બાળકને ફીડિંગ કરાવતી વખતે પણ સેક્સ જેવી જ અનુભૂતિ થઈ હોવાથી પણ તેને સેક્સ માટેનો ગાળો લાંબો ન લાગતો હોય.

તમે હસ્તમૈથુન કરો છો ત્યારે ચાંદાં પડી જાય છે એ થોડીક નવાઈની વાત લાગે છે. શું તમે જે ચીજ સાથે ઇન્દ્રિયનું ઘર્ષણ કરો છો એ એટલી કડક કે ખરબચડી હોય છે? હથેળીમાં ઇન્દ્રિય લેતા હો તો બની શકે કે સૂકી ત્વચાને કારણે ઘર્ષણ વધુ થાય. સાદું કોપરેલ તેલ લઈને ઇન્દ્રિયને રમાડશો તો સુંવાળપ અનુભવાશે, ઘર્ષણ નહીં થાય અને હસ્તમૈથુનનો આનંદ પણ વધશે. ઘર્ષણને કારણે જો ચાંદાં પડતાં હશે તો એ અટકશે. જો ઇન્દ્રિયને ઘસીને મૈથુન કરતા હો તો જે-તે ચીજ સુંવાળી હોય એનું ધ્યાન રાખો. 

તમારી પત્નીની સેક્સમાંથી રુચિ શા માટે ઓછી થઈ છે એનું કારણ જાણવા કોઈ સારા મનોચિકિત્સકનું માર્ગદર્શન લેશો તો તમારી સેક્સની ગાડી ફરી પાટા પર ચડી જશે. ત્યાં સુધી અંગત સંતોષ માટે હસ્તમૈથુન કરવાથી કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી.

columnists life and style sex and relationships