બે દીકરીઓ પછી પણ વડીલોની ઇચ્છા છે કે દીકરો હોવો જોઈએ...

23 November, 2022 12:57 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એક વાત સમજી લો કે દીકરો અને દીકરી એ બન્ને જેન્ડર માટે જવાબદાર પુરુષ માત્ર છે અને એના માટે હેરાનગતિ મહિલાઓએ ભોગવવી પડે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૪૩ વર્ષની છે અને વાઇફ ૩૯ની છે. અમારે બે દીકરીઓ સિઝેરિયનથી આવી છે. મારી મમ્મી અને દાદીને દીકરાની ખૂબ ઇચ્છા છે. અમે એક વાર તો અબૉર્શન કરાવી ચૂક્યાં છીએ, પણ વારેઘડીએ એમ કરવું નથી. શું ટેસ્ટ-ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ કરાવીએ તો એનાથી ગર્ભની જાતિ નિશ્ચિત થઈ શકે? ડૉક્ટરનું કહેવું છે કે ટેસ્ટ-ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટમાં બે-અઢી લાખનો ખર્ચ થાય અને એ પછી પણ દીકરાની કોઈ ગૅરન્ટી નથી આપતા. આટલો ખર્ચ અમે કરી શકીએ એમ નથી. વૈદોમાં અમુક ગ્રહ-નક્ષત્રમાં સંબંધ રાખવાથી પુત્રરત્ન થાય છે એવું સાંભળ્યું છે. વારંવાર ગર્ભપાત કરાવવાથી ફરીથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. વસઈ

મોટા ભાગે લોકો વડીલોનું નામ આગળ કરીને આ વાત મૂકે છે, પણ ઊંડે-ઊંડે તમારી જાતને પહેલાં પૂછી જુઓ કે તમે શું ચાહો છો? સંતાનોનો ઉછેર અને શિક્ષણની જવાબદારી તમારી રહેવાની છે. શું તમે એ માટે તૈયાર છો? એક વાત સમજી લો કે દીકરો અને દીકરી એ બન્ને જેન્ડર માટે જવાબદાર પુરુષ માત્ર છે અને એના માટે હેરાનગતિ મહિલાઓએ ભોગવવી પડે છે. તમે દીકરાની આશામાં ગર્ભપાત કરાવતાં રહેશો તો તમારી પત્નીનું સ્વાસ્થ્ય જ કથળશે. એટલું જ નહીં, આ ગેરકાનૂની છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જે યુગલોને કુદરતી રીતે ગર્ભધારણ ન થતું હોય તેમના માટે છે. એ પ્રક્રિયા દીકરો મેળવવા માટે કરવી એ પત્ની પર એક પ્રકારનો અત્યાચાર જ કહેવાય. અમુક દિવસે, અમુક ગ્રહો અને નક્ષત્રો દરમ્યાન સમાગમ કરવાથી પુત્રરત્ન પ્રાપ્ત થાય છે એવી વાતો ઘણા કરતા હોય છે; પણ એની પાછળનું વિજ્ઞાન ક્યારેય પુરવાર થયું નથી એટલે એ વિશે કોઈ દાવા સાથે કહી ન શકે. અગત્યની વાત એ પણ છે કે તમારે મમ્મી અને દાદીની વાતો વિશે વિચારવાને બદલે તમારી આર્થિક પરિસ્થિતિ અને સંજોગોને પણ ધ્યાનમાં રાખવાં જોઈએ.

એક તરફ તમે કહો છો કે આર્થિક રીતે એટલી પહોંચ નથી તો ત્રીજા સંતાનને લાવીને તમે એનો ઉછેર કઈ રીતે કરશો? દીકરો મેળવવાની લાયમાં તમે અત્યારે ભગવાને લક્ષ્મીરૂપી જે બે દીકરીઓ આપી છે તેમને પણ અન્યાય કરી રહ્યા હો એવું નથી લાગતું તમને?

columnists sex and relationships life and style