પતિને સહેજ ખોટું લાગે તો અબોલા લઈ લે છે

30 September, 2022 04:34 PM IST  |  Mumbai | Sejal Patel

તમારા પતિ ઇન્ટ્રોવર્ટ હોવાથી કદાચ પોતાની નારાજગીની લાગણીને વ્યક્ત કરવા માટે અબોલા લઈ લેતા હશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે અને ગુજરાતથી પરણીને હું મુંબઈ આવી છું. અહીંના કલ્ચરથી યુઝ્ડ ટુ થતાં મને થોડીક વાર લાગી રહી છે. એને કારણે મારાથી આએદિન કંઈક ભૂલ તો થાય જ. હું બહુ બોલકી છું જ્યારે હસબન્ડ બહુ રિઝર્વ્ડ પર્સનાલિટીના છે. તેમને કંઈક ખરાબ લાગી જાય તો લિટરલી રિસાઈ ગયા હોય. મોં ફુલાવીને અબોલા લઈ લે. ક્યારેક તો ગુસ્સો એટલો ભરેલો હોય તેમનામાં કે વાત કરવા જતાં પણ ડર લાગે. એક-બે દિવસ અબોલા ચાલે ને પાછા હતું એનું એ થઈ જાય. હજી લગ્નને છ જ મહિના થયા છે, પણ અમારી વચ્ચે આ જે અકળામણ વખતે અબોલા લેવાનો જે શિરસ્તો પડી ગયો છે એ બહુ અકળાવનારો છે. જો ભૂલથી પણ હું તેમને પૂછી લઉં કે પેલા દિવસે કેમ અકળાયેલા? મારાથી શું ભૂલ થઈ? તો મોટા ભાગે તેઓ વાત ઉડાડી દે છે. મને સમજાતું નથી કે આવું દરેક કપલમાં થતું હશે કે અમારી વચ્ચે કંઈક ઍબ્નૉર્મલ છે?

લડવું, ઝઘડવું, રિસાવું-મનાવવું આ બધું અંતરંગ સંબંધના વિવિધ પાસાંઓ જ છે. ધારો કે કોઈ કપલ કહે કે તેમના દાંમ્પત્યજીવનમાં ક્યારેય ઝઘડો કે રિસામણા નથી થયાં તો એ સરાસર દંભ હશે. એટલે સૌથી પહેલાં તો પતિ સાથેની આ નોંકઝોંકને મનમાં નાહકનું મોટું સ્વરૂપ આપીને પૅનિક ન થાઓ. 

બીજી વાત, લગ્નસંબંધમાં કમ્યુનિકેશન બહુ જ જરૂરી છે. એકબીજા પાસેથી તમે શું અપેક્ષાઓ રાખો છો એ બાબતે સંવાદ સધાય એ જરૂરી છે. તમારા પતિ ઇન્ટ્રોવર્ટ હોવાથી કદાચ પોતાની નારાજગીની લાગણીને વ્યક્ત કરવા માટે અબોલા લઈ લેતા હશે. એમાં કંઈ ખોટું નથી. જ્યારે ગુસ્સો હોય, અકળામણ હોય ત્યારે થોડીક વાર મૌન લઈ લેવું એ સારી જ વાત છે, પણ જો એ ગુસ્સો અપાવનારી ઘટના બાબતે પેટછૂટી વાત કરીને એને સ્પષ્ટ ન કરી લેવામાં આવે તો એ ઠીક નથી. ગમા-અણગમાને અન્ડર ધ કાર્પેટ સંઘરી રાખવાથી ક્યારેક એનું પ્રેશર એટલું વધી જાય કે એ બૉમ્બ બ્લાસ્ટની જેમ ફાટી ઊઠે. એના બદલે નાની-નાની ગાંઠોને એ જ વખતે ઉકેલી લેવામાં આવે તો સંબંધોની ડોર વધુ મજબૂત થાય છે. 

પતિને અબોલા લેવાથી રોકવાની જરૂર નથી, પણ જે કારણોસર અબોલા લેવાનું તેને મન થયું છે એ વાતને ખુલ્લા મને ડિસ્કસ કરીને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાની જરૂર છે. 

columnists sex and relationships sejal patel life and style