હસ્તમૈથુનની આદત બહુ હોવાથી પ્રોસ્ટેટ થયું હોય એવું બને?

18 May, 2022 12:03 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હસ્તમૈથુનનું પ્રમાણ વધી ગયું હોવાથી પ્રોસ્ટેટની સમસ્યા પણ સતાવે છે અને વારંવાર પેશાબ લાગ્યા કરે છે. શું આ બે વચ્ચે કોઈ સંબંધ છે? શું હું હસ્તમૈથુન ખૂબ કરું છું એને કારણે આવું થયું હશે? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષ છે. લાંબા સમયથી પ્રોસ્ટેટની તકલીફને કારણે રાતે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડે છે. મારા મોટા ભાઈ મારાથી ચાર વર્ષ મોટા હોવા છતાં તેમને પ્રોસ્ટેટ નથી. પ્રોસ્ટેટ થવાનું કારણ શું? બીજું, પત્નીનો સાથ એક વર્ષ પહેલાં છૂટી ગયો. હવે એકલવાયું ફીલ કરું છું. મોડી રાત સુધી કામેચ્છાને  કારણે ઊંઘ નથી આવતી. નાછૂટકે વીકમાં એકાદ-બે વાર હસ્તમૈથુન કરવું પડે છે. હસ્તમૈથુનનું પ્રમાણ વધી ગયું હોવાથી પ્રોસ્ટેટની સમસ્યા પણ સતાવે છે અને વારંવાર પેશાબ લાગ્યા કરે છે. શું આ બે વચ્ચે કોઈ સંબંધ છે? શું હું હસ્તમૈથુન ખૂબ કરું છું એને કારણે આવું થયું હશે? 
મલાડ

હજી સુધી એવું જાણવા મળ્યું નથી કે હસ્તમૈથુન કરવાથી કોઈ નુકસાન થયું હોય એટલે પહેલાં તો એ માન્યતા મનમાંથી કાઢી નાખો. હસ્તમૈથુન કરવાથી પ્રોસ્ટેટની તકલીફ થાય એવું નથી, પણ હા, ઊલટાનું પ્રોસ્ટેટનું કન્જેશન ઓછું થવાને કારણે કદાચ ફાયદો થઈ શકે છે. તમે જે કહો છે કે ‘પ્રોસ્ટેટ થયું છે’ તો સુધારો કરવાનો કે તમારો આ વાક્યપ્રયોગ ખોટો છે. પ્રોસ્ટેટ નામની ગ્રંથિ દરેક પુરુષમાં હોય જ છે, પણ અમુક ઉંમર પછી આ ગ્લૅન્ડની કામગીરીમાં ગરબડ પેદા થવાને કારણે સમસ્યા પેદા થાય છે. જોકે મોટી ઉંમરની દરેક વ્યક્તિને આ તકલીફ થાય જ એવું જરૂરી નથી, માટે ભાઈ સાથેની તમારી સરખામણી વાજબી નથી. 
હસ્તમૈથુન કરવાથી નુકસાન થતું નથી. મનમાં કોઈ જ ફિકર વિના તમે હસ્તમૈથુન કરી શકો છો. સંતોષ મેળવી લેશો તો કોઈ નુકસાન નથી, પણ જો તમે સંતોષ નહીં મેળવી લો તો એની મન પર માઠી અસર પડી શકે છે. દબાવેલી ઇચ્છાઓ અને વૃત્તિઓની લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. એવું ન થાય એ માટે હસ્તમૈથુન એ સેફ અને સાચો વિકલ્પ છે.
પ્રોસ્ટેટની તકલીફ માટે આયુર્વેદમાં પ્રોસ્ટેટોન નામની દવા છે એ દિવસમાં ત્રણ વાર લેવી. વર્ષે એકાદ વાર સોનોગ્રાફી અને પ્રોસ્ટેટ સ્પેસિફિક ઍન્ટિજનનો રિપોર્ટ કઢાવતા રહેવું. આ તકલીફ વધુ વકરે નહીં એ માટે સ્પેશ્યલિસ્ટની સલાહ મુજબ દવા ચાલુ રાખવી જરૂરી છે.

sex and relationships columnists life and style