વાયેગ્રાનો ડબલ ડોઝ જ મને પ્લેઝર આપે છે

29 March, 2023 05:40 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

માત્ર સેક્સ્યુઅલ લાઇફ જ નહીં, ઓવરઑલ શરીર માટે પણ એ ખૂબ ફાયદાકારક છે. 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષની છે. બારેક વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે અને વાઇફની બ્લડપ્રેશરની દવા ચાલુ છે. અમે બન્ને નિયમિત દવા લઈએ છીએ અને મહિનામાં બે વાર સમાગમ કરીએ છીએ. એ માટે હું વાયેગ્રા લઉં છું. હમણાંથી વાયેગ્રા લીધા પછી પણ યોગ્ય કડકપણું આવતું નથી. મારું ડાયાબિટીઝ અને વાઇફનું બ્લડપ્રેશર ચેક કરાવ્યું તો ખબર પડી કે એ કન્ટ્રોલમાં નથી. એ પછી મેં એક્સપરિમેન્ટ ખાતર વાયેગ્રાની બે ગોળીઓ ચાલુ કરી તો ઉત્તેજના સારી આવી અને સમાગમ પણ શક્ય બન્યો. શું આવું રેગ્યુલર કરી શકીએ? વાઇફની પણ ઇચ્છા એવી છે કે હું વાયેગ્રાની બે ગોળી લઉં, પણ એવું કરવાથી મને કે તેને કોઈ નુકસાન થાય ખરું? - ભાઈંદર

સૌથી પહેલાં તો એક વાત સમજી લો કે તમારે ડાયાબિટીઝને અને વાઇફે બ્લડપ્રેશરને કાબૂમાં રાખવાનું છે અને એ બહુ જરૂરી છે. જો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં નહીં હોય કે બ્લડપ્રેશર કાબૂ બહાર જશે તો એવી તકલીફમાં મુકાશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. વાયેગ્રાનો ડોઝ વધારવા જેવા નિર્ણયો જાતે ન લેવા જોઈએ. તમને એમાં ઇલાજ મળી ગયો છે એ ટેમ્પરરી ઉકેલ છે, પણ જો ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર તમે કન્ટ્રોલમાં લાવશો તો તમારી સેક્સ-લાઇફ વ્યવસ્થિત ગોઠવાશે અને એ કાયમી ઉકેલ જેવું હશે. માત્ર સેક્સ્યુઅલ લાઇફ જ નહીં, ઓવરઑલ શરીર માટે પણ એ ખૂબ ફાયદાકારક છે. 

શારીરિક આનંદ ખાતર જાતે જ વાયેગ્રાનો ડોઝ વધારવાની જે માનસિકતા છે એ ગેરવાજબી છે. તમે ફોરપ્લે થકી પણ સેક્સનો આનંદ મેળવી શકો છો અને મહર્ષિ વાત્સ્યાયને પણ એવા જ કોઈ દૃષ્ટિકોણ સાથે સમાગમ પહેલાંની જાતીય ક્રીડાને મહત્ત્વ આપ્યું છે. જે ઉંમરમાં તમે છો અને જે શારીરિક સમસ્યા તમે અનુભવી રહ્યાં છો એ જોતાં એક જ પ્રામાણિક સલાહ આપવાની કે તમે હેલ્થના ભોગે કોઈ જાતનાં એક્સપરિમેન્ટ ન કરો. ડાયાબિટીઝ-બ્લડપ્રેશર જેવી તકલીફો હોય ત્યારે વાયેગ્રા જેવી દવાનો ડોઝ કોઈ પણ જાતની સલાહ વિના જાતે જ વધારી દેવો એ મૂર્ખામી છે. જાતે નિર્ણય લેવાને બદલે વહેલી તકે ફૅમિલી ડૉક્ટરને મળીને સમસ્યાની વાત કરો અને એ પ્રિસ્ક્રાઇબ કરે એને જ ફૉલો કરો.

life and style sex and relationships columnists health tips