લફરેબાજ પતિને છોડી દીધો છે પણ તેને ડિવૉર્સ આપી છૂટો નથી કરવો

02 September, 2022 03:56 PM IST  |  Mumbai | Sejal Patel

મને એવું લાગે છે કે ધારો કે કોઈ રાહી રસ્તો ભૂલ્યો હોય તો તેને એક વાર સુધરવાનો મોકો આપવો જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મેં જસ્ટ ૧૯ વર્ષની ઉંમરે લવમૅરેજ કરી લીધેલાં. લગ્નના એક જ વર્ષમાં એક દીકરી પણ આવી ગઈ. જોકે એ પછીથી મને પતિના રંગીન મિજાજ વિશે ખબર પડી. લગ્ન પહેલાં તેને એકેય અફેર નથી એવું જે કહેતો હતો તેને લગ્ન પહેલાં તો લફરાં હતાં જ, પણ લગ્ન પછી પણ તેને કૂણા સંબંધો છે. મેં આ બાબતે વિરોધ કરવાનું શરૂ કર્યું અને જો આમ જ ચાલ્યું તો હું પિયર ચાલી જઈશ એવી ધમકી આપી તો થોડોક સમય શાંતિ રહી. દીકરી હવે ત્રણ વર્ષની થઈ છે અને મને ખબર પડી કે મને ખબર ન પડે એમ તેમના કૂણા સંબંધો ઘણી જગ્યાએ છે. એક દિવસ એવો આવ્યો કે હું પિયર ભેગી થઈ ગઈ. છેલ્લાં એક વર્ષથી તે મને મનાવે છે અને પાછી જવા બોલાવે છે, પણ મારું મન કેમેય માનતું નથી. હું તેમને માફ નથી કરી શકતી. મારી મમ્મી કહે છે કે છૂટી થઈ જા, પણ મારે એમ છૂટા નથી થવું. હું તેને ડિવોર્સ આપીને તેનો રસ્તો પણ ક્લિયર નહીં થવા દઉં. જોકે તેના ઇમોશનલ ડ્રામા ખૂબ વધી ગયા છે, શું કરું?

પતિ કોઈ બીજી સ્ત્રી સાથે છે એ સાંભળવું કોઈ સ્ત્રી માટે સહેલું નથી જ. બની શકે કે તમારા પતિનો સ્વભાવ તમે કહો છો એમ રંગીન જ હોય, પણ જો એવું હોય તો તે તમને મનાવવા માટે આટલાં વાનાં કેમ કરે છે? ડિવોર્સની પહેલ તેના તરફથી કેમ નથી થઈ? જો તે બીજી કોઈ સ્ત્રી સાથે રહેવા માગતો હોત તો તમે પિયર ગયા એ વાતને ટાઢા પાણીએ ખસ ગઈ એમ સમજીને આગળ વધી ગયો હોતને? પણ એવું નથી થયું.

બીજું, તમે પણ કોઈક રીતે ડિવોર્સ નથી આપવા એવું માનો છો. કેમ? શું માત્ર તેને બતાવી દેવું છે કે તેને હેરાન કરવો છે એ જ કારણ છે? ના. હજીયે કદાચ બન્ને પક્ષે પ્રેમની લાગણી બચી છે. તમે પણ અંદરખાને એક મોકો આપવા માગો છો અને તમારા પતિને પણ ઇચ્છા છે કે જો એક મોકો મળે તો ફરીથી તમારી સાથેની લાઇફને નવો આયામ આપી શકે.

મને એવું લાગે છે કે ધારો કે કોઈ રાહી રસ્તો ભૂલ્યો હોય તો તેને એક વાર સુધરવાનો મોકો આપવો જ જોઈએ. તમારા દિલને પૂછીને નિર્ણય લો. કોઈકને સબક શીખવવામાં તમે પોતે પણ પીડાઈ રહ્યા છો એ વાત ભૂલશો નહીં.

columnists sejal patel sex and relationships life and style