બાળકો નથી જોઈતાં, નસબંધી કરાવી લઉં?

12 September, 2022 04:01 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એક વાર મૅરેજ ફેલ જવાનો અર્થ બિલકુલ એવો નથી કે મૅરેજલાઇફ ખરાબ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૩૦ વર્ષ છે. મૅરેજ પછી બે જ વર્ષમાં મેં ડિવૉર્સ લઈ લીધા. હવે મૅરેજ કરવાની ભૂલ નથી કરવી. ફિઝિકલ સૅટિસ્ફૅક્શન માટે બે ગર્લફ્રેન્ડ છે, તેમની સાથે સરસ સેક્સલાઇફ છે. તેમને પણ મૅરેજમાં ઇન્ટરેસ્ટ નથી. આ બન્ને રિલેશન એકબીજાથી છાનાં છે અને મને એવું લાગતું પણ નથી કે મારે એ તેમને કહેવું જોઈએ. પ્રેગ્નન્સીની પળોજણ ન ઊભી થાય એ માટે અમે સાવચેત રહીએ છીએ. એમ છતાં એક ફ્રેન્ડને અનવૉન્ટેડ પ્રેગ્નન્સી રહી ગઈ હતી. બે વખત અબૉર્શન પછી હવે મારે શ્યૉર રહેવું છે. બીજું, ભવિષ્યમાં ક્યારેય બેમાંથી કોઈ પોતાના બાળકને મારું બાળક ગણાવીને મને ગૂંચમાં ન નાખે એવું પણ મારે જોઈએ છે. એવા સંજોગોમાં નસબંધી કરાવી લઉં તો ફ્યુચરમાં બાળકને લઈને કોઈ ઇશ્યુ ઊભો થાય તો શું મારી એ સર્જરી મારી ફેવરમાં કામ કરે?  અંધેરી

તમે ખરેખર જ ખૂબ રિસ્ક સાથે જીવો છો. તમારી લાઇફસ્ટાઇલમાં મને વેસ્ટર્ન કલ્ચરની સીધી ગંધ આવે છે. મૅરેજ કરવા નથી છતાં સેક્સલાઇફ માટે બે ગર્લફ્રેન્ડ રાખવી અને પાછી પૅરન્ટલ રિસ્પૉન્સિબિલિટી આવી ન પડે એના માટે વિધિવત્ પ્લાનિંગ પણ રાખવું!

એક વાર મૅરેજ ફેલ જવાનો અર્થ બિલકુલ એવો નથી કે મૅરેજલાઇફ ખરાબ છે. લગ્ન નિષ્ફળ ગયાં એનાં કારણો સમજ્યા વિના જો તમે મૅરેજ સિસ્ટમથી દૂર ભાગવાની કોશિશ કરતા રહેશો તો તમને ક્યારેય એ સિસ્ટમની યર્થાથ શક્તિનો અનુભવ નહીં થાય. એક વાત યાદ રાખજો, જવાબદારી અને સમસ્યાઓ દરેક સંબંધમાં આવવાની જ છે અને એનું જ નામ જીવન છે.

તમે જે રસ્તે ચાલો છો એ માત્ર સામાજિક દૃષ્ટિએ જ નહીં, તમારા પોતાના માટે પણ યોગ્ય નથી. હજુ તો તમે જીવનના ત્રણ દશક જ જીવ્યા છો ત્યારે તમે માત્ર જવાબદારીથી ભાગવાની દૃષ્ટિએ નસબંધી પણ લીધી તો એની શું ગૅરન્ટી કે આવનારાં પાંચ-પંદર વર્ષમાં તમારું મન નહીં બદલાય? અત્યારે જવાબદારીથી તમારે ભાગવું છે, પણ સમય જતાં કોઈના સાથની જરૂરિયાત મહેસૂસ થશે એ વખતે શું? આજની ઇચ્છાઓ પરથી નિર્ણય લેવાને બદલે, બલકે ભવિષ્યનું વિચારીને જીવનને લાંબા ગાળાથી ચકાસીને પછી લો. નસબંધીને કાયદો માન્યતા આપશે, પણ જો ભવિષ્યમાં તમારું મન બદલાયું અને ફૅમિલીનો વિચાર આવ્યો તો જાતને કોસવા સિવાય બીજો રસ્તો નહીં હોય.

columnists sex and relationships life and style