વાઇફને કારણે પર્સનલ લાઇફ ચાલે છે, બાકી મને એમાં રસ નથી રહ્યો

24 August, 2022 01:49 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમારી ઉંમર હજી ૪પ વર્ષ છે અને તમે કહો છો એમ કામેચ્છા થતી જ નથી એ સાવ નૉર્મલ તો નથી જ

વાઇફને કારણે પર્સનલ લાઇફ ચાલે છે, બાકી મને એમાં રસ નથી રહ્યો

મારી ઉંમર ૪પ વર્ષ છે. લગ્નને પંદર વર્ષ થયાં છે. એક દીકરી અને એક દીકરો છે. અમે બન્ને જૉબ કરીએ છીએ. છેલ્લાં ત્રણેક વર્ષથી સેક્સલાઇફમાં ઓટ આવવા લાગી છે. પહેલાં કામના ભારણ અને થાકને કારણે ફ્રીક્વન્સી ઘટતી ગઈ હતી, પણ હવે મને કામેચ્છા જ નથી જાગતી. મારી વાઇફને મારા કરતાં વધુ ઇચ્છા થતી હોય એવું લાગે છે, પણ મને એમાં બહુ રસ નથી પડતો. મારી ઉંમરના બીજા દોસ્તોનું અંગત જીવન ખૂબ જ સ્પાઇસી છે. અમારા જીવનમાં જે રસકસ રહ્યો છે એ મારી પત્નીની પહેલને કારણે. એક વાર સમાગમમાં રત થાઉં તો ઉત્તેજનામાં વાંધો નથી આવતો. શું આ ઉંમરે સેક્સલાઇફમાં સાવ જ રસ ન રહે એવું બને ખરું? જીવનમાં જાણે બધું રૂટીન, મૉનોટોનસ અને કંટાળાજનક ઘટનાઓ જ હોય એવું લાગ્યા કરે છે. રાતે સૂતી વખતે જાતજાતના વિચારોથી મગજ ચગડોળે ચડેલું હોય છે. કોઈ હર્બલ દવાથી કામેચ્છા વધે? માટુંગા

કામેચ્છા કુદરતી ચીજ છે એટલે એને અકુદરતી રીતે વધારવાથી કોઈ ફરક પડવાનો નથી અને ધારો કે એ વધારી પણ લો તો એનો આનંદ માનવીય ન હોય, પ્રાણીઓ જેવો આવે જે માત્ર શારીરિક પ્રક્રિયા જ કરે. એ સિવાય બીજો કોઈ આનંદ આપે નહીં.

તમે જાણે કે ડૉક્ટર હો એ રીતે તમારી જાતે જ એવું નિદાન કરો છો કે તમને કોઈ શારીરીક તકલીફ નથી, પરંતુ એવું ન પણ હોય. તમારી ઉંમર હજી ૪પ વર્ષ છે અને તમે કહો છો એમ કામેચ્છા થતી જ નથી એ સાવ નૉર્મલ તો નથી જ. કામેચ્છા ઘટવાનાં કારણો દૂર કરવાથી જરૂર ફાયદો થઈ શકે છે. કામેચ્છા નબળી પડવા પાછળ અનેક કારણો કામ કરતાં હોય છે. તમને કેમ અને ક્યારથી આવું થઈ રહ્યું છે એનું યોગ્ય નિદાન થવું જરૂરી છે. તમે જે રસ ઊડી જવાની વાત કરો છો એ કેટલાક અંશે ડિપ્રેશનનાં લક્ષણો સૂચવે છે. જોકે મને લાગે છે કે તમારે સેક્સોલૉજિસ્ટને મળીને સમસ્યાના મૂળને સમજી એને દૂર કરવાનું કામ કરવું જોઈએ. તમારી આ જે ઉંમર છે એ ઉંમરે હવે લોકોને આ પ્રકારના પ્રશ્નો વધવા માંડ્યા છે એ પણ એટલું જ સાચું છે, જે દર્શાવે છે કે મિડલ એજ ક્રાઇસિસ કદાચ હવે વધારે નજીક આવવા માંડી છે.

columnists life and style sex and relationships