પરિવારના ધાર્મિક નિયમોથી હું ત્રસ્ત થઈ ચૂક્યો છું

24 September, 2021 05:03 PM IST  |  Mumbai | Sejal Patel

મનમાં ઊઠતા સવાલોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી એ જ્ઞાની વ્યક્તિ પાસેથી જ્ઞાન મેળવો. અમુક ચીજો કરાય કે ન કરાય એને તમે જ્યાં સુધી નિયમો તરીકે જુઓ છો ત્યાં સુધી તમારી અંદરથી પ્રતિકાર આવતો જ રહેશે. 

પ્રતીકાત્મક તસવીર

હું જસ્ટ ૧૮નો છું. કદાચ મારી સમસ્યા બીજા કરતાં જુદી છે કેમ કે હું આખાબોલો અને પ્રશ્નો ઉઠાવનારો છું. મારું ફૅમિલી બહુ રિલિજિયસ છે. બહુ નહીં, ખૂબ વધારે. એટલું વધારે કે ઘરના ધાર્મિક નિયમોથી હું ત્રસ્ત થઈ ગયો છું. તેઓ માને છે કે અમુક રિચ્યુઅલ્સ કરવાથી સંયમ આવે, પણ મને એ વાહિયાત લાગે છે. ઘરમાં તો તેમનું કહ્યું જ ચાલે છે, પણ બહાર જાઉં ત્યારે પણ ફલાણું નહીં ખાતો, આમ નહીં કરતો એવી સતત ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા જ કરે. એવું નથી કે હું એકેય નિયમો પાળતો નથી, પણ જે રીતે એ નિયમો પરાણે લાદવામાં આવે છે એને કારણે હું અકળાઈ ઊઠું છું. મારા ફ્રેન્ડ પણ કૉમન રિલિજિયનના છે, પણ તેમના ઘરનું વાતાવરણ બહુ મુક્ત છે. સમસ્યા એ છે કે હું ખુલ્લેઆમ ઘરના વાતાવરણનો વિરોધ કરવાની હિંમત પણ નથી જુટાવી શકતો. મારે શું કરવું?

ધર્મમાં કેટલા રચ્યાપચ્યા રહેવું અને કેટલા નહીં એ દરેક વ્યક્તિની અંગત ચૉઇસની બાબત છે. જેનું સારું નસીબ હોય એને જ ઘરમાં ધાર્મિક વાતાવરણ અને સંસ્કાર મળતા હોય છે. આ સંસ્કારો જ આપણને આપણાં મૂળિયાં અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખે છે. 
તમને નહીં ગમે, પણ દરેક ધર્મ અને એ ધર્મના રિચ્યુઅલ્સ, નિયમોની પાછળ ઊંડું વિજ્ઞાન અને વિચારધારા રહેલી છે. આપણે જ્યારે એની પાછળના મૂળ હાર્દને સમજી નથી શકતા ત્યારે આપણને એ ટીલાંટપકાં, નિયમો અને બંધનો જેવું લાગવા લાગે છે. કદાચ તમારા પરિવારે રિલિજિયસ નિયમો પાછળનું વિજ્ઞાન સમજાવ્યા વિના જ તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પળોટવાનો આગ્રહ રાખ્યો હોવાથી તમે એનાથી ઉબાઈ ગયા છો. 
મારી વાત માનો. તમારા ધર્મના જે કોઈ મોટા જ્ઞા‌ની, પંડિત, ગુરુ, મહારાજસાહેબ જેની વાતો તમને સાયન્ટિફિક અને સાચી લાગતી હોય તેમનું સાંનિધ્ય કેળવો. નિયમોનો અણગમો જરાકવાર માટે બાજુએ મૂકીને આવા નિયમો કેમ છે એનું વિજ્ઞાન સમજો. મનમાં ઊઠતા સવાલોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી એ જ્ઞાની વ્યક્તિ પાસેથી જ્ઞાન મેળવો. અમુક ચીજો કરાય કે ન કરાય એને તમે જ્યાં સુધી નિયમો તરીકે જુઓ છો ત્યાં સુધી તમારી અંદરથી પ્રતિકાર આવતો જ રહેશે. 

life and style columnists sex and relationships sejal patel