પરિવાર કરતાં મિત્રો સાથે સંતાનોને ગમે છે

16 September, 2022 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીનેજર્સને તેમના દોસ્તો વધુ પસંદ આવે, તેમની સાથે તેઓ વધુ વાતો કરવાનું પ્રીફર કરે એ નૉર્મલ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

લૉકડાઉન પહેલાંની વાત કરીએ તો મારા દીકરા-દીકરીઓ ક્યાંક બહાર જવાનું હોય તો અમારી સાથે જ આવતાં. જોકે હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કોઈ સોશ્યલ ફંક્શનમાં જવાનું હોય કે ફ્રેન્ડ્સના પરિવારની સાથે આઉટિંગ પ્લાન કર્યું હોય તો દીકરા-દીકરીનો અલગ ઓપિનિયન જ આવે. દીકરો ૧૬ વર્ષનો થયો અને દીકરી ૧૪ વર્ષની. બન્નેને ફૅમિલી કરતાં ફ્રેન્ડ્સ સાથે બહાર જવું વધુ ગમે છે એવું મેં ઑબ્ઝર્વ કર્યું છે. શું આ બદલાવ યોગ્ય છે? અમે ક્યારેય સંતાનોને દોસ્તો સાથે બહાર જવાની ના પડી જ નથી. હા, ક્યારેક સોશ્યલ ફંક્શન હોય તો પહેલાં એ જ અટેન્ડ કરવું પડે એવો નિયમ ચોક્કસ રાખ્યો છે. અમારા ફ્રેન્ડ સર્કલમાં પહેલાં બધાના સંતાનો સાથે જ રમતાં, પણ હવે બધાની દિશાઓ બદલાઈ ગઈ હોય એવું લાગે છે. બધા સાથે ગયા હોઈએ ત્યારે પણ તેમનામાં ગ્રુપ્સ પડી ગયેલાં હોય છે. દીકરા-દીકરીઓને પેરન્ટ્સ કરતાં પારકા દોસ્તો ગમવા લાગે એ ઠીક તો નથી જ, અમારે શું કરવું જોઈએ?

સંતાનો અને પેરન્ટ્સ વચ્ચે ઘનિષ્ઠ દોસ્તી હોય એ બહુ જરૂરી બાબત છે, પણ એ દોસ્તી નૅચરલી થયેલી હોય એ પણ એટલું જ જરૂરી છે. એમાં બળજબરી ન ચાલે. તમે જે ઑબ્ઝર્વેશન કર્યું છે એ કંઈ માત્ર તમારા જ ઘરમાં છે એવું નથી, કદાચ મોટા ભાગના પરિવારો આ સ્થિતિ ફેસ કરી રહ્યા છે. ટીનેજર્સને તેમના દોસ્તો વધુ પસંદ આવે, તેમની સાથે તેઓ વધુ વાતો કરવાનું પ્રીફર કરે એ નૉર્મલ છે. આજકાલના ટીન્સ પોતાની ચૉઇસીસ બાબતે બહુ સ્પષ્ટ હોય છે. તેમના દોસ્તો આપણે નક્કી નથી કરી શકતા, તેઓ જાતે પસંદ કરે છે.

ટીનેજમાં સંતાનોને હમઉમ્ર લોકો સાથે રહેવું ગમે એ સ્વાભાવિક છે. હમઉમ્ર લોકો સાથે તેઓ ફ્રીકઆઉટ કરી શકે છે અને આપણને જે ચીજો ગાંડીઘેલી લાગે છે એવું બધું જ કરી શકે છે. પોતાના દોસ્તો સાથે ટીનેજર્સ ખીલેલા હોય એમાં કશું જ ખોટું નથી. હા, માત્ર ઑબ્ઝર્વ એ જ કરવાનું કે તેઓ તમારાથી દૂર તો નથી થઈ રહ્યાને? સંતાનોનો તમારી સાથે જે બૉન્ડ શૅર કરવો જોઈએ એમાં હૂંફ અને કમ્ફર્ટ કેટલી છે? તેઓ જ્યારે તમારી સાથે હોય ત્યારે તમારી સાથે ફ્રીલી વાતો કરી શકે છે? સંતાનોના દોસ્તો ખોટા રવાડે ચડેલા નથીને? બસ, આટલી જો ધરપત હોય તો કેમ ટીનેજર્સ ફ્રેન્ડ્સ કેમ વધુ ગમે છે એની ચિંતા ન કરો.

sejal patel sex and relationships columnists life and style