યોગથી સેક્સમાં રુચિ વધી, વાઇફની નહીં

21 September, 2022 04:20 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જોકે સામાન્ય યોગાસનને લીધે સેક્સલાઇફ સુધરી જાય એવું બને નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર પ૯ વર્ષ છે. લૉકડાઉન પછી લાઇફ ઑલમોસ્ટ રિટાયરમેન્ટ જેવી જ થઈ ગઈ છે. લૉકડાઉનમાં મેં યોગ શરૂ કર્યા, પણ એને લીધે બન્યું એવું કે ફિટનેસ સારી થઈ તો સાથોસાથ સેક્સની તીવ્રતા પણ વધવા માંડી. જોકે આ જ કારણે મને દરરોજ સેક્સ માટે ઇચ્છા થાય, પણ વાઇફ એ માટે તૈયાર નથી. વાઇફને યોગ તરફ વાળ્યા પછી પણ તેને એવી કોઈ ઇચ્છા થતી નથી અને તે મારાથી દૂર-દૂર રહે છે. હું જરા પણ એવી રીતે સ્પર્શ કરું તો તરત જ મને રોકે અને કહે કે શરમ નથી આવતી, આ ઉંમરે આવું કરો છો? સેક્સ પ્રત્યે તેની રુચિ વધે એ માટે હું વાયેગ્રા કે એવી કોઈ દવા વાઇફને આપી શકું ખરો? બીજી કોઈ એવી મેડિસિન છે જેને લીધે તેને સેક્સમાં ઇન્ટરેસ્ટ પડે? અંધેરી

તમારા પ્રશ્ન પર આવતાં પહેલાં કહેવાનું કે યોગને કારણે સેક્સની ઇચ્છા તીવ્ર થવા માંડે એવું માનવું કે ધારવું ભૂલભરેલું છે. યોગને લીધે શરીરમાં એનર્જી આવે અને સુસ્તી દૂર થાય એટલે તમને એની સકારાત્મક આડઅસરરૂપે સેક્સ માટે ઇચ્છા થતી હોય એવું બની શકે. જોકે સામાન્ય યોગાસનને લીધે સેક્સલાઇફ સુધરી જાય એવું બને નહીં. આ વાતનું ઉદાહરણ તમારી સામે તમારાં વાઇફ જ છે. જો યોગાસનને લીધે સેક્સ માટે રુચિ આવવાની હોત તો તેને પણ આવવા માંડી હોત, પણ એવું નથી થતું. સેક્સની ઇચ્છાને તમે તમારા વિચારોને બદલે યોગ સાથે જોડી રહ્યા છો.

કહેવાનો મતલબ એ નથી કે યોગાસનથી સેક્સલાઇફ સુધરતી નથી. અમુક આસનો એવાં છે જે સેક્સલાઇફને બહેતર બનાવવાનું કામ કરે છે અને વિજાતીય આકર્ષણ પણ જન્માવે છે. જો તમે કોઈ યોગ્ય યોગગુરુની આ બાબતમાં સલાહ લેશો તો તે તમને એવાં આસનોનું સજેશન આપી શકે છે. ઑનલાઇન પણ તમને એવાં આસનો યુટ્યુબડૉટકૉમ પરથી મળી શકે છે. 
વાત રહી મેડિસિનની તો કહેવાનું એટલું જ કે એ માટે તમે તમારા ફૅમિલી ડૉક્ટરનો કૉન્ટૅક્ટ કરો એ બહેતર રહેશે. ઍલોપથી કરતાં પણ જો એ માટે આયુર્વેદનો આશરો લેશો તો એ વધારે સલામત રસ્તો ગણાશે. જોકે મેડિસિન કરતાં પણ પહેલાં તમે તેને તમારા તરફ આકર્ષિત કરો અને સંબંધોમાં સહજતા લાવો એ જરૂરી છે.

columnists sex and relationships life and style yoga