સેક્સ પછી થાક બહુ લાગે છે, શું કરવું જોઈએ?

03 October, 2022 01:17 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કસરત કરીને સ્ટૅમિના વધારવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારાં મૅરેજને ત્રીસ વર્ષ થયાં છે. જવાબદારીઓમાંથી થોડો મુક્ત થયો હોવાથી હવે સેક્સલાઇફમાં રસ પડતો થયો છે. જોકે સેક્સ ડ્રાઇવ પર ખૂબ થાકી જવાથી ફ્રીક્વન્સી ઘટી ગઈ છે. થાકને કારણે તેમ જ વાઇફની મોટા ભાગે અનિચ્છા હોવાને કારણે જો લાંબો સમય સેક્સ ન કરું તો નાઇટફૉલ થઈ જાય છે. પહેલાં જેટલી તકલીફ તો નથી, પણ મહિને એકાદ વાર આવું અચૂક બને છે. ઍલોપથી મેડિસિન લેવામાં ડર હોવાથી આયુર્વેદિક દવાની દુકાનેથી સફેદ મૂસળી અને શિલાજિતનો પાઉડર લાવ્યો છું, જે ગરમ દૂધ સાથે લેવાથી તાકાત વધે છે એવું એ શૉપકીપરે કહ્યું હતું. બે મહિનાથી પ્રયોગ કરું છું, પણ ખાસ ફરક નથી. સેક્સ પાવર વધારવા માટેની દવામાં અફીણ અને બીજાં હાનિકર્તા તત્ત્વો હોવાની શક્યતા હોય છે એવું તમારી કૉલમમાં વાંચ્યું હતું એટલે એ લેવાની હિંમત નથી થતી. મારો થાક ઘટે, નાઇટફૉલ બંધ થાય અને સ્ફૂર્તિ રહે એ માટે શું કરવું? કાંદિવલી

શું તમને થાક માત્ર સેક્સ કર્યા પછી જ લાગે છે કે પછી દિવસ દરમ્યાન પણ વારંવાર થાકી જાઓ છો? જો દિવસ દરમ્યાન પણ આ સમસ્યા હોય તો એને માત્ર સેક્સ સાથે જોડીને બેસી રહેવું નહીં. કસરત કરીને સ્ટૅમિના વધારવો જરૂરી છે. બીજું, સેક્સ કર્યા પછી શરીરના હાથ-પગના મસલ્સમાં સ્પાઝમને કારણે થોડા સમય માટે દુખાવો કે હળવા ક્રૅમ્પ્સ અનુભવાય એ સ્વાભાવિક છે, પણ એ થાક એવો ન હોવો જોઈએ કે તમે કંઈ જ કરી ન શકો. ક્યારેક નાઇટફૉલ થાય છે એ સ્વસ્થ હૉર્મોન્સની નિશાની છે. એમાં ચિંતા કરવા જેવું કશું નથી. પ્રાઇવેટ પાર્ટમાં સ્પર્મનું પ્રોડક્શન સતત થતું રહેતું હોય છે એટલે એ ઓવરફ્લોના ભાગરૂપે બહાર આવી શકે છે.

એવું માનવાની જરૂર નથી કે દરેક વખતે ઍલોપથી ખરાબ છે. ઘણી વાર ડ્રાઇવને પ્રૉપર રીતે સેટ કરવા બહારથી પણ નાનોસરખો સપોર્ટ જોઈતો હોય છે. જો એ સપોર્ટ ઍલોપથીથી મળી જાય તો એમાં કશું ખોટું નથી. હા, લાંબો સમય કે પછી કાયમ માટે અમુક દવાઓ લેવાનું ટાળવું જોઈએ એ હકીકત છે. બહેતર છે કે તમે તમારા ફૅમિલી ડૉક્ટરને કે પછી કોઈ સારા સેક્સોલૉજિસ્ટને મળીને તમારી ફરિયાદ વર્ણવો અને ઘર બેઠાં તુક્કાઓ લડાવવાને બદલે સારી ટ્રીટમેન્ટ લો.

sex and relationships columnists life and style